Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કેશોદના અજાબની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝબ્બેઃ ૪ ઈસમો બાઈક મુકીને ફરાર

રોકડ સહિત રૂ. ૧,૭૨,૭૬૦નો મુદ્દામાલ કબ્જે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૦ :. કેશોદના અજાબની સીમમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂ. ૧.૭૨ લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા, પરંતુ ૪ ઈસમો બાઈક મુકીને નાસી ગયા હતા.

અજાબ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા એએસઆઈ ડી.જે. ગોહેલ વગેરેએ ગત સાંજે દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે અજાબનો જયેશ છગન ડાભી, ઉકાભાઈ નારણ બગીયા, કિશોર કરશનભાઈ સગારકા તથા પ્રાસંલીનો દિલીપ કાળાભાઈ જાદવ અને હરેશ નેભળભાઈ ગોરડને જુગાર રમતા પકડી પાડયા હતા.

જ્યારે શૈલેષ પુંજાભાઈ ચાવડા, જગદીશ વાઢીયા, પરેશ હરિભાઈ ભુવા અને કાનજી ભીમા કેશવાલા તેનુ હોન્ડા સાઈન, ડિસ્કવર મોટર સાયકલ, એકટીવા અને પલ્સર બાઈક મુકીને નાસી ગયા હતા.

પોલીસે રૂ. ૧૦૨૬૦ની રોકડ, રૂ. ૭૫૦૦ના પાંચ મોબાઈલ અને રૂ. ૧.૫૫ લાખના પાંચ બાઈક મળી કુલ રૂ. ૧,૭૨,૭૬૦નો મુદામાલ કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:42 am IST)