Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

હળવદમાં આંશિક લોકડાઉનમાંથી ખાણીપીણીના ધંધાર્થીઓને મુકિત

વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સની મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય

(દીપક જાની દ્વારા),તા.૧૦: કોરોનાની ચેઈન તોડવા માટે થઈને હળવદમાં પાછલા ૨૫ દિવસથી આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તે દરમિયાન વચ્ચે પાંચ દિવસનું તો સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું હતું. જોકે, હળવદમાં મોટાભાગની દુકાનો આંશિક લોકડાઉન હોવાને કારણે બપોરે બે વાગ્યા બાદ બંધ રહે છે.

પરંતુ ખાણીપીણીના ધંધાર્થીઓને બપોર બાદનો જ ધંધો હોય જેથી તેઓને તો આ ૨૫ દિવસ સંપૂર્ણ લોકબોલીમાં જ નીકળ્યા છે. જેથી, આજે વેપારી મહામંડળ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બોલાવાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે હળવદ શહેરના તમામ ખાણીપીણીના ધંધાર્થીઓ આંશિક લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવી છે. જેથી આવતીકાલે એટલે કે સોમવારથી શહેરમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓ દિવસ દરમિયાન ખુલ્લી રહેશે.

હળવદ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઇ પટેલએ જણાવ્યું હતું કે, હળવદ શહેરમાં મોટાભાગના ખાણીપીણીના ધંધાર્થીઓ મધ્યમવર્ગ પરિવારના હોય જેથી સ્વેછીક આંશિક લોકડાઉન દરમિયાન તેઓને તો સંપૂર્ણ ધંધો જ બંધ રાખવાની ફરજ પડી હતી. જેથી તેઓને તેમના પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કેલ હોય જેથી આજે ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળ દ્વારા ખાણીપીણીના ધંધાર્થીઓને આંશિક લોકડાઉનમાંથી મુકિત આપવામાં આવી છે. સાથે જ આટલા દિવસ સાથ સહકાર આપ્યો તે બદલ આભાર પણ વ્યકત કર્યો હતો. હળવદ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એ જણાવ્યું હતું કે આજે ખાણીપીણીના ધંધાર્થીઓ આંશિક લોકડાઉનમાંથી મુકત કરાયા છે. હાલ હળવદમાં કોરોનાની પરિસ્થિતિ પણ સુધારા પર છે. જેથી, આવતા દિવસોમાં સ્થિતિનું નિરિક્ષણ કર્યા બાદ શહેરમાં અડધા દિવસનું લાગેલ સ્વેછીક લોકડાઉન હટાવવામાં આવશે. સાથે જ ખાણીપીણીના ધંધાર્થીઓએ પણ પોતાની લારીએ કે દુકાને લોકોની ભીડ ન થાય અને બની શકે તો પાર્સલ સુવિધા ઉપર વધુ ધ્યાન આપવા પણ અપીલ કરાઇ છે.

(11:08 am IST)