Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

મોરબી - માળીયા પાસે બે અકસ્માતમાં બેના મોત

માળીયા - હળવદ હાઇવે પર બંધ ટ્રક પાછળ ડમ્પર ઘુસી જતા ચાલકનું મોત : પીપળીયા ચોકડી પાસે ટ્રેનની ઠોકરે યુવાનનું મોત

 મોરબી તા. ૧૦ : મોરબી અને માળીયા પંથકમાં અકસ્માતના બે બનાવમાં બેના મોત થયા છે.

પ્રથમ બનાવમાં દિવ્યરાજસિંહ મયુરસિંહ ઝાલાએ માળિયા પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે ડમ્પર નં જીજે ૧૨ ડીડબલ્યુ ૮૯૩૭માં ચાલક રાકેશ કનું પલાસ રહે સંતરામપુર મહેસાણા વાળો ડમ્પર લઈને હળવદ માળિયા હાઈવે પરથી જતો હોય ત્યારે ખાખરેચી ગામ નજીક બંધ ટ્રક નં જીજે ૦૮ વાય ૬૨૦૨ પાછળ ડમ્પર ઘુસી જતા ડમ્પર ચાલક રાકેશ પલાસનું કરુણ મોત નીપજયું છે. માળિયા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

બીજા બનાવમાં ગાંધીધામ બાંદ્રા ટ્રેન મોરબીના પીપળીયા ચોકડી પાસેની ફાટક પાસે પહોંચી ત્યારે રેલ્વે ટ્રેક પરથી ચાલીને જતો ૩૦ થી ૩૫ વર્ષની ઉમરનો યુવાન ટ્રેનની ઠોકરે ચડી જતા મોત નીપજયું છે જે બનાવને પગલે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી મોરબી તાલુકા પોલીસના જશપાલસિંહ અને અરવિંદભાઈની ટીમે વધુ તપાસ ચલાવી હતી. જેમાં મૃતક યુવાન લાખાભાઈ ઉર્ફે ડાડો જાનમહમદ ભટ્ટી (ઉ.વ.૩૪) રહે. માળિયા વાળો હોવાનું અને યુવાન મજુરી કરતો હોવાનું જાણવા મળ્યું છે તેમજ યુવાન અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી જતા મોત થયાનું પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે.

(3:48 pm IST)