Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

સુરેન્દ્રનગરના વિપ્ર યુવાનને પોલીસે માર મારતા મોત : લાશનું રાજકોટ ખાતે થયેલ પી.એમ.

વઢવાણ, તા. ૧૦ : સુરેન્દ્રનગરના વિપ્ર યુવકને ચીટીંગ બાબતે મળેલ અરજીના સંદર્ભમાં બી-ડીવીઝન પોલીસે બુધવારે મોડી સાંજે ઉઠાવી લાવી હતી. ત્યારબાદ પોલીસે ગુરૂવારે સવારે વિપ્ર યુવકને કોઇ અગમ્ય કારણોસર સરકારી ગાંધી હોસ્પિટલે ખસેડયો હતો. જયાં સારવાર કારગત ન નિવડતા મોત નિપજયાનું ખૂલવા પામ્યું છે.

આ લાશને આજે સવારે પી.એમ. માટે રાજકોટ ખસેડવામાં આવી છે.

સુરેન્દ્રનગરના વિપ્ર યુવક કશ્યપ હિમાંશુભાઇ રાવલ (ઉ.વી.આ. ૩૮) (રે. સુરેન્દ્રનગર)ની વિરૂદ્ધમાં બે દિવસ પૂર્વે ચીટીંગ સંદર્ભે બી-ડીવીઝન પોલીસને અરજી મળી હતી. આથી ડીવાયએસપી એ.બી. વાળંદની સૂચના બાદ મોબાઇલ લોકેશનના આધારે બુધવારે કશ્યપ રાવલને ઝડપી લીધો હતો. બી-ડીવીઝન પોલીસ મથકમાં ગુરૂવારે સવારે તબીયત લથડયાનું જણાવતા પોલીસે ગાંધી હોસ્પિટલે સારવાર માટે ખસેડયો હતો, પરંતુ સારવાર કારગત ન નિવડતા વિપ્ર યુવક કશ્યપ રાવલનું શંકાસ્પદ મોત નિપજયાના બનાવથી દોડધામ મચી જવા પામી હતી.

બનાવના પગલે મૃતક યુવકના પરિવારજનો, બ્રહ્મસમાજના આગેવાનો વિરેન્દ્રભાઇ આચાર્ય, કશ્યપ શુકલ અને ભાસ્કરભાઇ દવે સહિતનાઓ હોસ્પિટલે દોડી ગયા હતા. યુવકને પોલીસે માર મારતા યુવકનું મોત નિપજયાનો મૃતક યુવકના દાદા મનહરભાઇ રાવલ અને પિતા હિમાંશુભાઇ રાવલે આક્ષેપો કરતા સનસન્નાટી મચી જવા પામી છે. તેમજ મરણજનાર યુવકના બરડામાં લોહી જામી જવાના નિશાનો જોવા મળ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ત્યારબાદ બ્રહ્મ સમાજના આગેવાનોએ પેનલ પી.એમ. કરાવવાનો આગ્રહ રાખતા મૃતક યુવકની લાશને રાજકોટ પી.એમ. અર્થે લાવવામાં આવી હતી.

પોલીસના મારથી કસ્ટડીયન ડેથ થયાના સમાચારના પગલે બ્રહ્મ સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ બનાવના પગલે વઢવાણ મામલતદારે હોસ્પિટલે દોડી જઇ ઇનકેસ કાર્યવાહી આટોપી હતી. (૮.૧૧)

(3:44 pm IST)