Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

સુરેન્દ્રનગરના બ્રાહ્મણ યુવાન કશ્યપનું પોલીસના મારથી મોતઃ રાજકોટથી લાશ સંભાળવા ઇન્કાર

ચીટીંગ બાબતની અરજી બાદ બુધવારે સાંજે ઉઠાવી લેવાયોઃ ગુરૂવારે બપોરે ૧૨:૧૫ કલાકે મોત, પરિવારજનોને છેક ૩ કલાકે જાણ કરવામાં આવી : સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકને પિતાની રજૂઆતઃ મારા દિકરાને ગેરકાયદે ગોંધી રાખી માર મારવામાં આવતાં મોત થયું છેઃ રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

સુરેન્દ્રનગર ખાતે રજૂઆત કરનારા મૃતકના પિતા સહિતના કુટુંબીજનો અને બ્રહ્મસમાજના લોકો આ તસ્વીરમાં જોઇ શકાય છે, ઉપરની તસ્વીરમાં કશ્યપ રાવલનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને શોકમય સ્વજનો દેખાય છે. કશ્યપનું પોલીસના મારથી મોત થયાનો આક્ષેપ કરાયો છે

વઢવાણ, તા. ૧૦ : સુરેન્દ્રનગરના બ્રાહ્મણ યુવકને ચીટીંગ બાબતે મળેલી અરજીના સંદર્ભમાં બી-ડીવીઝન પોલીસ બુધવારે મોડી સાંજે ઉઠાવી લાવી હતી. ત્યારબાદ પોલીસે ગુરૂવારે સવારે આ યયુવકને કોઇ અગમ્ય કારણોસર સરકારી ગાંધી હોસ્પિટલે ખસેડયો હતો. જયાં સારવાર કારગત ન નિવડતા મોત નિપજ્યું હતું. મૃતકના પિતા, ભાઇ સહિતના પરિવારજનોએ પોલીસના મારને કારણે મોત થયાનો આક્ષેપ કરતાં મૃતદેહને રાજકોટ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. જો કે અહિથી લાશ સંભાળવાનો મૃતકના પરિવારજનોએ ઇન્કાર કરી દીધો છે. અને મોત પાછળ જે કોઇ અધિકારી, કર્મચારી  જવાબદાર હોય તેની સામે ગુનો નોંધવાની માંગણી કરી છે. એ પછી જ લાશ સ્વીકારીશું તેવો નિર્ણય પરિવારજનોએ કર્યો છે.

સુરેન્દ્રનગરના બ્રાહ્મણ યુવાન કશ્યપ હિમાંશુભાઇ રાવલ (ઉ.વ. ૩૮) ની વિરૂદ્ધમાં બે દિવસ પૂર્વે ચીટીંગ સંદર્ભે સુરેન્દ્રનગર બી-ડીવીઝન પોલીસને અરજી મળી હતી. આથી ડીવાયએસપી એ. બી. વાળંદની સૂચના બાદ મોબાઇલ લોકેશનના આધારે બુધવારે કશ્યપ રાવલન બાવળા પાસેથી શોધી કાઢ્યોહ હતો. બી-ડીવીઝન પોલીસ મથકમાં ગુરૂવારે સવારે તબીયત લથડયાનું જણાવતા પોલીસે ગાંધી હોસ્પિટલે સારવાર માટે ખસેડયો હતો, પરંતુ સારવાર કારગત ન નિવડતા વિપ્ર યુવક કશ્યપ રાવલનું શંકાસ્પદ મોત નિપજયાના બનાવથી દોડધામ મચી જવા પામી હતી.

બનાવના પગલે મૃતક યુવકના પરિવારજનો, બ્રહ્મસમાજના આગેવાનો વિરેન્દ્રભાઇ આચાર્ય, કશ્યપ શુકલ અને ભાસ્કરભાઇ દવ, રાજકોટના જીતુભાઇ મહેતા, વિજયભાઇ મહેતા સહિતનાઓ હોસ્પિટલે દોડી ગયા હતા. યુવકને પોલીસે માર મારતા યુવકનું મોત નિપજયાનો મૃતક યુવકના દાદા મનહરભાઇ રાવલ અને પિતા હિમાંશુભાઇ રાવલે આક્ષેપો કરતા સનસનાટી મચી જવા પામી હતીે. મારને કારણે  યુવકના બરડામાં લોહી જામી જવાના નિશાનો જોવા મળ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ત્યારબાદ બ્રહ્મ સમાજના આગેવાનોએ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવાનો આગ્રહ રાખતા મૃતક યુવકની લાશને રાજકોટ પી.એમ. અર્થે લાવવામાં આવી હતી.

પોલીસના મારથી કસ્ટોડિયલ ડેથ થયાના સમાચારના પગલે બ્રહ્મ સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ બનાવના પગલે વઢવાણ મામલતદારે હોસ્પિટલે દોડી જઇ ઇન્કવેસ્ટ કાર્યવાહી કરી હતી. બીજી તરફ રાજકોટ ખાતે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યો હોઇ અહિ સ્થાનિક બ્રહ્મસમાજના આગેવાનો જીતુભાઇ મહેતા, વિજયભાઇ મહેતા સહિતના હોસ્પિટલે પહોંચ્યા હતાં. જો કે મૃતકના ભાઇ, પિતા સહિતના કુટુંબીજનો સુરેન્દ્રનગર જ રોકાયા છે. તેમણે જ્યાં સુધી કશ્યપના મોત માટે જવાબદાર પોલીસ અધિકારી, કર્મચારી સામે ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ નહિ સ્વીકારીએ તેવો નિર્ણય કરતાં પોલીસની મુંજવણ વધી છે.

આજે સવારે જ મૃતકના પિતા હિમાંશુભાઇ ચીમનલાલ રાવલ અને કુટુંબીજનો તથા સુરેન્દ્રનગર બ્રહ્મસમાજના આગેવાનોએ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે અમારા પુત્ર કશ્યપ રાવલને ખોટી રીતે ગોંધી રાખી માર મારી મોત નિપજાવાયું છે. કશ્યપ વિરૂધ્ધ કોઇ ગુનો ન હોવા છતાં તેને ખોટી રીતે અટકાયતમાં રાખી ત્રાસ ગુજારાયો છે. અમારો પુત્ર રીઢો ગુનેગાર હોય એ રીતે માર મરાયો છે. પોલીસે માનવ અધિકારનું હનન કરી સતત ત્રાસ ગુજારતાં અમારો દિકરો મોતને ભેટ્યો છે. જવાબદાર તમામ સામે કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી અમે ડેડબોડી સંભાળશું નહિ. મારા પુત્રના મોબાઇલ લોકેશન જોતાં તે સુરેન્દ્રનગર તરફ આવતો હતો ત્યારે રસ્તામાંથી પોલીસે તેનું અપહરણ કર્યુ હોય તેમ જણાય છે. જો અમારા પુત્રને અટક કરવામાં આવ્યો હોય તો તેની જાણ પણ અમોને કરવામાં આવી નથી.

આ બનાવમાં જવાબદાર તમામ સામે આઇપીસી૩૪૧, ૩૪૨, ૩૬૬, ૩૦૨, ૩૨૩, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધવા અમારી માંગણી છે.

આ ઉપરાં સુરેન્દ્રનગર સીટી બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઇએ પણ એક લેખિત ફરિયાદ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે ગુરૂવારે બપોરે ૧૨-૧૫ કલાકે મૃત્યુ થયું હતું છતાં અમને છેક ત્રણ વાગ્યે જાણ કરવામાં આવી હતી. મૃતદેહને જોતાં જ શરીર પર ઇજાના નિશાનો દેખાયા છે. પોલીસ કસ્ટડીમાં માર અને ત્રાસને લીધે મૃત્યુ થયાનું સ્પષ્ટ લાગે છે. અમારો પુત્ર કયા ગુનામાં તમારા પોલીસ  મથકની કસ્ટડીમાં હતો? તેને અટક કયારે કરવામા આવ્યો હતો? તે સહિતની વિગતો અમને જણાવવા અમારી માંગણી છે. તેમ વધુમાં હિમાંશુભાઇ રાવલે જણાવ્યું છે.

(3:44 pm IST)