Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

જસદણ-વિંછીયા પંથકમાં પાણી ચોરી કરનારા સામે પોલીસ કેસ : બાવળીયા

પીવાનાં પાણીની મુશ્કેલી દૂર કરવા અધિકારીઓને આદેશ : અનેક પ્રશ્નનો સ્થળ ઉપર નિકાલ

તસ્વીરમાં રાજયમંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં પાણી પ્રશ્ન ઉકેલવા બેઠક યોજાઇ હતી. (તસ્વીર : વિજય વસાણી, આટકોટ)

આટકોટ, તા. ૯ :  જસદણ- વિંછીયા તાલુકાના ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી નિવારવા વિંછીયાના અમરાપુર ખાતે ગઇકાલે તાલુકાના ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં તાકિદની બેઠક બોલાવી યુધ્ધના ધોરણે પગલા ભર્યા હતાં. આ બેઠકમાં પાણી ચોરી કરતા આસામીઓને પાણી ચોરી બંધ કરવા કુંવરજીભાઇએ ચેતવણી પણ આપી હતી.

જસદણ વિંછીયા વિસ્તારના અમુક ગામોમાં પાણીની બુમો ઉઠતાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ગઇકાલે અચાનક તાકિદની મીટીંગ પોતાના શૈક્ષણિક સંકુલ ખાતે બોલાવી પાણી પ્રશ્નનો સ્થળ ઉપર જ મોટા ભાગે નિકાલ લાવી દીધો હતો.

આ બેઠકમાં જસદણ-વિંછીયા વિસ્તારના જીલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના અમુક સભ્યો, ગ્રામ પંચાયતનાં સરપંચો, આગેવાનો તેમજ જસદણ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જસદણ પાલિકાના ચીફ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના સ્થાનિક તેમજ રાજકોટના અધિકારીઓ વિજ વિભાગના અધિકારીઓ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.  હાલ આચાર-સંહિતા અમલમાં હોય નવા કામોને મંજુરી ન આપી શકાય તેમ હોય પરંતુ પાણીની મુશ્કેલી નિવારવા જરૂરી તમામ મદદ સરકાર તરફથી કરવા કુંવજીભાઇએ અધિકારીઓને સુચના આપી હતી.

મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરી દઇ તંત્રને જરૂરી સુચના આપી હતી.

અંતમાં કુંવરજીભાઇએ ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોને જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા કોઇપણ ગામમાં પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે યુદ્ધના ધોરણે પગલા લઇ રહી છે ત્યારે અમુક વિસ્તારોમાં પાણીની મુખ્ય લાઇનમાંથી કે ગામની લાઇનોમાંથી પાણી ચોરી થતી હોવાની ફરીયાદો મળી હોય આવા આસામીઓએ તાત્કાલીક પાણી ચોરી બંધ કરી દેવા કહ્યું હતું અને જો પાણી ચોરી બંધ નહીં કરે તો આવા આસામીઓ સામે પોલીસ કેસ કરવામાં આવશે.

આભાર વિધી જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઇ રામાણીએ કરી હતી.

(11:44 am IST)