Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

દેવભૂમિ દ્વારકામાં પાણીનાં પ્રશ્નોના નિરાકરણ-સુજલામ સુફલામ જળ અભિયાનની સમીક્ષા બેઠક મળી

ખંભાળીયા, તા.૧૦: ચાલુ સાલ અપુરતા વરસાદને લીધે પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઇ રહી છે. જે અનુસંધાને આજે કલેકટર કચેરી દેવભૂમિ દ્વારકા મુ. ખંભાળીયા ખાતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી સચિવશ્રી નલીન ઠાકરના અધ્યક્ષ સ્થાને પાણીના પ્રશ્નોના નિરાકરણ માટે પાણી સમિતિ તથા જિલ્લામાં ચાલતા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૯ અંતર્ગત આગામી સમયમાં હાથ ધરવાના થતા કામોના આયોજન અને થયેલ કામોની સમીક્ષા બેઠક મળી હતી.

બેઠકમાં પાણી પુરવઠાના ઇજનેરશ્રી નાગરે જિલ્લામાં પાણીની હાલની પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લાના ૨૬૬ ગામો પૈકી ૨૩૫ ગામોને જુદી જુદી યોજનાઓ દ્વારા પાણી મળે છે ૧૯ ગામોમાં સ્વતંત્ર સોર્સ છે. ૩૧ ગામોને ટેન્કર દ્વારા પાણી પુરુ પાડવામાં આવે છે પાંચ નગરપાલિકાને જુથ બંધારા યોજના દ્વારા તથા સલાયા નગરપાલિકાને સિંહણડેમમાંથી પાણી પુરૂ પાડવામાં આવે છે. જિલ્લામાં ૧૧૫૨ હેન્ડપંપ કાર્યરત છે. ચાલુ સાલ સ્થાનિક ડેમોમાં પાણી ન હોવાથી નર્મદા પાઇપલાઇન આધારિત છે. જિલ્લામાં કુલ પાણીની જરૂરીયાત અંદાજે ૬૦ એમએલડીની છે જેની સામે સ્થાનિક સોર્સ તથા નર્મદાનું ૪૫.૮૦ મળી કુલ ૫૦.૩૦ એમએલડી પાણી મળે છે. તેમજ ભાણવડ તાલુકામાં ૩૦ નેસ વિસ્તાર છે. જે હેન્ડપંપ / સાદા કુવા આધારિત છે તથા ખંભાળીયા તાલુકાનો ૧ ટાપુ વિસ્તાર જે સાદા કુવા આધારિત છે. પ્રભારી સચિવશ્રીએ જિલ્લાની પાણી પરિસ્થિતિનો તાગ મેળવી અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા તેમજ પાણીની જરૂરીયાત અંગે માસ્ટર પ્લાન બનાવવા સુચના આપી હતી.

પાણી સમિતિની બેઠક બાદ સુજલામ સુફલામ જળ અભિયાનની પણ સમીક્ષા બેઠક મળી હતી. જેમાં જિલ્લામાં જળ અભિયાન અંતર્ગત મંજુર થયેલ કામો, ચાલુ કામો તથા બાકી કામો અંગે તેમજ નવા કામોને મંજુરી આપવા અંગેની ચર્ચા સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા પોલીસ વડાશ્રી રોહન આનંદ, નિવાસી અધિક કલેકટરશ્રી પટેલ, ડી.આર.ડી.એ.ના નિયામકશ્રી વાઘેલા, પ્રાંત અધિકારીશ્રી વિઠલાણી તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

(11:37 am IST)