Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કચ્છમાં કાળઝાળ ગરમી વચ્ચે યુવકને સ્વાઇન ફલુ

ભુજતા.૧૦: કચ્છમા સ્વાઇન ફલુએ ધોમધખતા તાપમા યુવકને શિકાર બનાવતા ભારે ચિંતા પ્રસરી ગઇ છે.

આમતો સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં હાહાકાર મચાવનાર સ્વાઇનફલુથી કોઇ અજાણ નથી. અને કચ્છમાં દર વર્ષે સ્વાઇનફલુના ઘણા કેસો સામે આવે છે. પરંતુ સામાન્ય રીતે ઠંડી સીઝનમાં જોવા મળતા સ્વાઇનફલુના પોઝીટીવ કેસો ઉનાળામાં પણ સામે આવી રહ્યા છે.

કચ્છના માંડવી તાલુકાના દુર્ગાપુર ગામના એક યુવાનનો સ્વાઇનફલુ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જે હાલ ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. થોડાક દિવસ પહેલા આ યુવાન સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

ત્યાર બાદ તેમાં સ્વાઇનફલુના લક્ષણો દેખાતા વધુ સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેના નમુના પરિક્ષણ કર્યા બાદ ગઇકાલે સાંજે તેનો સ્વાઇનફલુ પોઝીટીવ આવ્યો હતો. જો કે હાલ તેની સ્થિતી સારી છે.

પરંતુ ચાલુ વર્ષે સ્વાઇનફલુનો આ ત્રીજો પોઝીટવ કેસ નોંધાયો છે. જો કે ગત વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૦૧૭માં ૩૦૫ જેટલા પોઝીટીવ કેસો નોંધાયા હતા. જેની સરખામણીએ ચાલુ વર્ષે કેસોની સંખ્યા ઓછી છે. પરંતુ ઉનાળામાં કેસ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગે તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસણી સહિતની આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી છે.

(11:44 am IST)