Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કેરાળીના કનકેશ્વર મંદિરમાં રાધાકૃષ્ણ મૂર્તિની ધામેધુમે પ્રાણપ્રતિષ્ઠા

રાજકોટ : મોરબી તાબેના ગામ કેરાળી ખાતે આવેલ શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર સાથે શ્રી રાધાકૃષ્ણની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ધામેધુમે ઉજવાયો હતો. ત્રિદિવસીય આ ઉત્સવના પ્રારંભે સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ કલ્યાણ વિભાગના મંત્રી વાસણભાઇ આહીરે ઉપસ્થિત રહી પ્રાસંગીક પ્રવચનમાં શુભેચ્છા વર્ષાવી હતી. જયારે સમાપન પ્રસંગે જામનગરના સાંસદ પુનમબેન માડમે ઉપસ્થિત રહી આવા ધર્મકાર્યો થકી સમાજ ઉજળો રહે છે તેમ જણાવી સૌને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન વવાણીયા શ્રી રામબાઇમાની જગ્યાના શ્રી જગન્નાથબાપુ, સાયલા લાલજી ભગતની જગ્યાના શ્રી દુર્ગાદાસબાપુ, મોરબી રામધન આશ્રમના શ્રી ભાવેશ્વરીબેન, વાટાવદરના શ્રી વ્રજકીશોરી દેવી, અમરધામના શ્રી જાનબાઇમાં, હરસુરબાપા લોખીલ, બગથળાના શ્રી દામજીભગત વગેરે સહીતના સંતો મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચનો વરસાવ્યા હતા. હવનમાં સાતકે બેસનાર યજમાનો સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નિકળી ત્યારે બેન્ડની શુરાવલીઓએ કેરાળીની શેરીઓને ગજાવી મુકી હતી. દરમિયાન એક દિવસ સંતવાણી અને એક દિવસ સેવંત્રાના કાન ગોપી મંડળ તથા પોલાભાઇ આહીર એન્ડ ગ્રુપે ભારે જમાવટ કરી હતી. સમગ્ર મૂર્તિ પ્રતિષ્ઠા વિધિના આચાર્ય તરીકે વવાણીયાના શ્રી હસુભાઇ પંડયાએ સેવા આપી હતી. સવજીભાઇ હુંબલની રાહબરી હેઠળ યોજાયેલ આ મહોત્સવના અધ્યક્ષસ્થાને કેરાળીના અગ્રણી રાણાભાઇ હુંબલ તથા ઉપાધ્યક્ષ સ્થાને  ધીરેન ક્રેઇન સર્વીસવાળા ગીરીશભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા કનકેશ્વર મહદેવ શ્રી રાધાકૃષ્ણ મદિર નિર્માણ સમિતિના પ્રમુખ  ધીરૂભાઇ એન. હેરભા (નાગડાવાસ), ઉપપ્રમુખ ભરતભાઇ વી. ગરચર, મંત્રી મહેશભાઇ બી. મિયાત્રાના માર્ગદર્શન હેઠળ સમિતિના સભ્યો તેમજ કેરાળી ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી.

(11:41 am IST)