Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જામનગરમાં પાણી પ્રશ્ને કોંગ્રેસ મેદાને..પ્રશ્નનો તાત્કાલીક ધોરણે નિવેડો નહિ આવે તો જલદ આંદોલન

મ્યુ.કોર્પોરેશનમાં ૨૦ વર્ષથી શાસન હોવા છતાયે પ્રાથમિક સુવિધા આપવામાં ભાજપ નિષ્ફળ : કમિશ્નર દ્વારા મૌખિક સહમતી બાદ પણ કોઇ સાનુકુળ પ્રતિસાદ કેમ નથી મળતો ? : વિપક્ષનો વેધક સવાલ

જામનગર તા. ૧૦ : અહીયા પીવાના પાણી પ્રશ્ને લોકોની પરેશાની સામે કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવી તાત્કાલીક ધોરણે નિવેડો નહિ આવે તો નાછુટકે જલદ આંદોલન કરવાની ફરજ પડશે એવી ઉગ્ર ચિમકી ઉચ્ચારાઇ છે.

આ અંગે શહેર (જિલ્લા) કોંગ્રેસ પ્રમુખ ગિરીશ અમેથીયાએ જણાવ્યું છે કે, જામનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની વિકટ સમસ્યા રહી છે જયારે ડેમમાં પાણી હોવા છતા શહેરીજનોને શાસકપક્ષે દૈનિક પાણી આપવાના ચુંટણીમાં ફુલગુલાબી સપના બતાવ્યા હતા. આ વર્ષે તો વરસાદ પણ સારો રહ્યો હતો ત્યારે દૈનિક પાણીનો વેરો લેવા છતાયે અઠવાડીયામાં બે વખત પાણી આપીને પ્રજાની મજાક ઉડાવવા સમાન કામ કર્યુ છે.

વધુમાં ઉમેર્યુ હતુ કે, મ્યુ. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ૨૦ વર્ષથી પણ વધુ છે છતા જનતાની પાણી જેવી જીવન જરૂરી પ્રાથમિક સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ છે. જયારે વિરોધપક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુ.કમિશ્નરને મળી થયેલ રજૂઆતમાં મૌખિક સહમતી પ્રમાણે વિસ્તાર મુજબ નિયમ સમયે પાણી વિતરણ કરવાનું હતુ, પણ હજુ સુધી કોઇ સાનુકુળ પ્રતિસાદ મળ્યો નથી કેમ ?

ઉપરાંત શ્રી અમેથીયાએ સરકારની સૌની યોજનાથી ડેમ ભરી દેવાશે એવી જે તે સમયે કરેલ જાહેરાતનું પણ સુરસુરીયુ થઇ ગયુ હોવાનો આક્ષેપ કર્યો છે.

(11:29 am IST)