Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સગીરા ઉપરના બળાત્કાર કેસમાં ભાવનગરના પાલીતાણાના કોળી શખ્સને દશ વર્ષની સજા ફટકારતી અદાલત

સગીરા ઉપર દુષ્કર્મ કરનાર શખ્સને ભાવનગર કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારતાં પોલીસે કસ્ટડીમાં લઇ લીધો હતો. (વિપુલ હીરાણી ભાવનગર)

ભાવનગર તા. ૧૦ :.. બે વર્ષ પુર્વે પાલિતાણા તાલુકાના લુવારવાવ ગામના એક શખ્સે એક સગીરા પર બળાત્કાર ગુજાર્યાની પાલીતાણા પોલીસ મથકમાં જે તે સમયે ભોગ બનનાર સગીરાએ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ અને એડીશ્નલ સેશન્સ જજ એમ. જે. પરાસરની અદાલતમાં ચાલી જતા  જિલ્લા સરકારી વકીલ વિનયકુમાર ઓઝાના માર્ગદર્શન હેઠળ સરકારી વકીલ બી. જે. ખાંભલીયાની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઇ આરોપી સામેનો ગુન્હો સાબીત માની  અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી જુદી-જુદી કલમો હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડા રૂ. ૧૩ હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના આરોપી રામજી વિનુભાઇ કવાડ કોળી (ઉ.ર૦), રે. લુવારવાવા, તા. પાલિતાણા) નામના શખ્સે આ કામના ફરીયાદી-ભોગ બનનાર ૧૬ વર્ષીય સગીરા ઉપર ગત તા. પ-૪-૧૬ ના રોજ બપોરના સુમારે જબરજસ્તી ખેંચી લઇ જઇ એક મકાનમાં લઇ જઇ ગેરકાયદેસર અટકાયતમાં રાખી, છરી બતાવી, ભોગ બનનાર સાથે તેણીની સંમતિ વિના બળજબરીથી શરીર સંબંધ કરી, બળાત્કાર કરી, આ બનાવની કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

આ બનાવ અંગે ભોગ બનનાર સગીરાએ જે તે સમયે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોંધાવતા પાલીતાણા પોલીસે ઉકત આરોપી રામજી વિનુ કવાડ સામે ઇપીકો કલમ ૩૭૬, ૩૪ર, પ૦૬ (ર), તથા પોકસો એકટ -ર૦૧ર ની કલમ ૪, ૮, ૧ર મુજબનો ગુનો નોંધ્યો હતો.

આ અંગેનો કેસ ભાવનગરના સ્પે. જજ અને એડીશ્નલ સેશન્સ જજ એમ. જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે જિલ્લા સરકારી વકીલ વિનયકુમાર ઓઝાના માર્ગદર્શન હેઠળ સરકારી વકીલ બી. જે. ખાંભલીયાની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઇ આરોપી સામેનો ગુન્હો સાબીત માની આરોપી રામજી વિનુ કવાડને તકસીરવાન ઠરાવી ઇપીકો કલમ ૩૭૬ (ર) (આઇ) મુજબનો ગુના સબબ તકસીરવાન ઠરાવી ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. ૧૦ હજારનો રોકડ દંડ અને જો આરોપી દંડ ન ભરે તો વધુ છ માસની સજા, આઇપીસી કલમ પ૦૬ (ર) મુજબના ગુના સબબ આરોપીને બે વર્ષની સજા અને રોકડા રૂ. બે હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજા, આઇપીસી કલમ ૩૪ર મુજબ આરોપીને એક વર્ષની સજા અને રોકડા રૂ. એક હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા, જયારે પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન સેકસયુઅલ ઓફેન્સિસ (પોકસો) એકટ ર૦૧ર ની કલમ ૪ મુજબના ગુનામાં અલગથી સજા કરવામાં આવી નથી.

જયારે આરોપી દંડની રકમ ભરે તે પૈકીની રૂ. ૧૦ હજારની રકમ ભોગ બનનારને વળતર તરીકે ચુકવવા અદાલતે હુકમ કર્યો હતો.

(11:24 am IST)