Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભરૂચમાં 32 વર્ષના શિક્ષકનો 17 વર્ષની વિદ્યાર્થિની સાથે ગુજરાત એક્સપ્રેસ નીચે પડતું મૂકી આપઘાત

મૃતક શિક્ષક સુરત જિલ્લાના વાવનો રહેવાસી :પત્નીને મેસેજ કરી જણાવ્યું પોતે મારવા જઈ રહયો છે

સુરત: ભરૂચમાં એક શિક્ષકે પોતાની 17 વર્ષની વિદ્યાર્થીની સાથે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. કામરેજમાં આવેલી વશિષ્ઠ વિદ્યાલયમાં પીટી ટીચર તરીકે ફરજ બજાવતા હરિશ વધેર (ઉં. 32 વર્ષ) 12મા ધોરણમાં ભણતી 17 વર્ષની વિદ્યાર્થિની સાથે અંતિમ પગલું ભર્યું હતું.

    પોલીસના જણાવ્યા મુજબ આપઘાત કરવા માટે પહોંચેલા શિક્ષક અને વિદ્યાર્થિનીએ ભરુચ રેલવે સ્ટેશન પર પોતાનુ સ્કૂટર પાર્ક કર્યું હતું, તેની રિસિપ્ટ લીધી હતી, અને પછી તેઓ ચાલતા-ચાલતા ચાવજ તરફ ગયા હતા. જ્યાં ગુજરાત એક્સપ્રેસ નીચે ઝૂકાવી બંનેએ મોત વ્હાલું કર્યું હતું.બંનેના મૃતદેહને પીએમ માટે ખસેડાયા ત્યારે શિક્ષકના ખિસ્સામાંથી પાર્કિંગની રિસિપ્ટ મળી હતી, અને તેના આધારે પોલીસે તેનું સ્કુટર શોધી કાઢ્યું હતું. સ્કૂટર મળ્યાના ગણતરીના સમયમાં પોલીસે તેના રજિસ્ટ્રેશન નંબરના આધારે મૃતક શિક્ષકની ઓળખ મેળવી લીધી હતી. મૃતક શિક્ષક સુરત જિલ્લાના વાવનો રહેવાસી હતો.

    ભરુચના પીએસઆઈ પીએસ પાટીલે જણાવ્યું હતું કે, સ્કૂટરના રજિસ્ટ્રેશન નંબરના આધારે અમે મૃતકની ઓળખ કરી હતી. મંગળવારે શિક્ષકના પરિવારજનોએ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. મરતા પહેલા શિક્ષકે તેની પત્નીને મેસેજ પણ કર્યો હતો, અને જણાવ્યું હતું કે પોતે મરવા જઈ રહ્યો છે.

     પતિનો મેસેજ મળતા પત્ની પોલીસ પાસે દોડી ગઈ હતી પોલીસે તેનો નંબર ટ્રેસ કરતા તેનું લોકેશન ચાવજમાં બતાવતું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આપઘાત પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોઈ શકે છે. મૃતક શિક્ષકના બે મહિના પહેલા લગ્ન થયા હતા. જોકે, સ્કૂલમાં છોકરીને હેન્ડબોલ શિખવતા બંને એકબીજાની નજીક આવ્યાં હતાં.

(12:26 am IST)