Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જોડિયા પંથકના ઉંડ નદીમાં ગેરકાયદે રેતીનું ખનન ઝડપાયુ

૧૧ ટ્રેકટર અને ૧ લોડર ઝડપાયુઃ ૫૦ જેટલા ડમ્પરો અને વાહનો નાશી છુટયાની ચર્ચા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦: જામનગરના જોડીયા પંથકમાં આવેલ ઉંડ નદીમાં ગેરકાયદેસર રેતી નું ખનન થતું હોવાની વ્યાપક રાવને પગલે બાદનપર, કુન્નડ અને જોડિયા ગામના સ્થાનિક લોકોએ જનતારેડ પડતા ખાણ ખનીજ વિભાગ અને પોલીસ ટુકડી તાબડતોબ પહોંચી હતી.

આ દરમ્યાન ધારાસભ્ય રાદ્યવજી પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય વલ્લભભાઈ ગોઠી અને અન્ય ગામના આગેવાનોએ નદીમાંથી બે રોકટોક થતી રેતીની ગેરકાયદેસર ખનન કરી લઈ જવાતી હોવાનું મનાય રહ્યું છે. ત્યારે આ રેડ અંગે કોઈપણ પ્રકારે જાણ થઈ જતા ૫૦ જેટલા ડમ્પરો અને વાહનો રફુચક્કર થઈ ગયા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જયારે ૧૧ ટ્રેકટર અને ૧ લોડર રેઇડ દરમ્યાન હાથે લાગતા ખાણ ખનીજ વિભાગે જપ્ત કર્યા હતા. જે ૧૧ ટ્રેકટર અને ૧ લોડરને પોલીસ સ્ટેશને લઈ જવાયા છે.

આ અંગે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાત દરમિયાન તેઓએ અકિલાને જણાવ્યું હતું કે, સ્થાનિકોમાંથી ફોન આવતા હું આ જગ્યાએ ગયો હતો.અને ખાણ ખનીજ વિભાગના અધિકારી ચૌહાણ સાથે ચર્ચા કરી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ થાય તેવી સૂચના આપી હતી.

આ અંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, હું જામનગર હતો.પણ અમારા જિલ્લા પંચાયતના સભ્ય વલ્લભભાઈ ગોઠી ત્યાં ગયા હતા અને રેઇડમાં જોડાયા હતા.તેઓનો મો.૯૦૬૭૪૬૯૯૦૧ પર સંપર્ક કરતા તેઓનો ફોન નોરીપ્લાય થયો હતો. આ રેઇડ અંગે સત્તાવાર માહિતી પોલીસ કે ખાણ ખનીજ વિભાગમાંથી હજી સુધી મળેલ નથી.

(રમેશ ટાંક દ્વારા) જોડિયાઃ તાલુકાના બાદનપર (જો) ના ઉંડ નદી વિસ્તારમાં બ્લોકના નામે ગૈર કાયદેસર રેતીનો ઉપાડ સામે બાદનપર, કુનડ, આંણદા તથા જોડિયાના પાંચ સૌ જેટલા ખેડૂતો ગઇકાલે જિલ્લામાં જઇને ધારાસભ્ય રાઘવજી પટેલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા સમક્ષ રજુઆત કરતા તેના અનુસંધાને જિલ્લો ખાણ ખનીજને ઉપરોકત કામગીરી જનતા રેડ કરવા જણાવેલ. તેના અનુસંધાને ચાર ગામના પ૦૦ જેટલા માણસોને સાથે રાખીને ગઇકાલ સવારે ૧૦ વાગે બાદનપરના ઉંંડ નદીમાં ખનીજ ચોરી માટે વપરાતા સાધનો કબ્જે કરીને જોડીયા પોલીસને સોંપવામાં આવેલ છે જપ્ત કરેલા સાતથી આઠ ટ્રેકટર, ત્રણ હુળકા, ત્રણ જે.સી.બી. તથા ત્રણ જેટલા લોડર કબ્જે કરેલ. અને સ્થળ પર રોજ કામ કરાયુ હતું.

(12:55 pm IST)