Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

અમરેલી પંથકના જોગાણી પરિવારમાં હાહાકાર : એક પછી એક ૩ વડિલોનો કાળમુખા કોરોનાએ ભોગ લીધો : પરિવારના અન્ય ચાર સભ્યો સારવાર હેઠળ

સુરત,તા.૧૦: કોરોનાના કહેરમાં વરાછાના પરિવારે ગુમાવ્યા ૪  સ્વજનો, અન્ય ૪ સારવાર હેઠળ છે. સુરતમાં મહાભયાનક સ્વરૂપ ધારણ કરી ચૂકેલા કોરોનાના અજગરી ભરડામાં એક જ પરિવારના એક કરતાં વધુ સભ્યો સપડાઈ રહ્યાં છે. અને કાળનો કોળિયો પણ બની  શહેરના વરાછા વિસ્તારમાં બનવા પામી છે.

મૂળ અમરેલીના વતની અને કોરોના સંક્રમિત જોગાણી પરિવારના આઠ સભ્યો પૈકી ત્રણ વડીલ એક પછી એક મૃત્યુને ભેટતા   અરેરાટી વ્યાપી જવા પામી છે.

મૂળ અમરેલીના વતની અને શહેરના વરાછા, અશ્વનીકુમાર સ્થિત રૂપસાગર સોસાયટીમાં રહેતો જોગાણી પરિવાર કાપડ અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. કોરોનાના નવા સ્ટ્રેઈનની લહેર જોગાણી પરિવાર માટે આફત બનીને આવી હોય તેમ અઠવાડિયાદરમિયાન પરિવારના સવિતાબેન નાથાભાઈ જોગાણી (ઉંમર-૭૦), નાથાભાઈ માવજીભાઈ જોગાણી (ઉંમર-૭૪), શારદાબેન હિંમતભાઈ જોગાણી (ઉંમર-૫૫), હિંમતભાઈ માવજીભાઈ જોગાણી, ચીરાગભાઈ હિંમતભાઈ જોગાણી, મુકેશભાઈ નાથાભાઈ જોગાણી, રાજેશભાઈ નાથાભાઈ જોગાણી અને જયેશભાઈ નાથાભાઈ જોગાણી કોરોનામાં સપડાયા હતા.ગત ગુરુવારે આઈએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયેલા સવિતાબેન રવિવારે મૃત્યુ પામ્યા હતા. જયારે સવિતાબેનના મૃત્યુ બાદ રવિવારે બપોરે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયેલા નાથાભાઈ ગુરુવારે સવારે મોતને ભેટયા હતા. આ ઉપરાંત ગત શનિવારે યુનિટી હોસ્પિટલમાં દાખલ કરાયેલા શારદાબેનનું સોમવારે મોત થયું હતું. જયારે પરિવારના બીજા સભ્યો હોમ આઈસોલેશનમાં છે. જેમાં શારદાબેનના પતિ હિંમતભાઈની હાલત ગંભીર છે.

બીજી બાજુ વતનમાં અમરેલીમાં રહેતા તેમના મોટાભાઈને પણ કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું સુરત થી જાણીતા ગૌ સેવક અને યુવા અગ્રણી શ્રી હિરેન સોઢાએ જણાવ્યું છે.

(12:59 pm IST)