Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

મોરબી સરકારી આંકડા મુજબ પાંચ પોઝીટીવ દર્દીના મૃત્યુ : ફાયરે ૧૧ ડેડબોડીના અંતિમ સંસ્કાર કર્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૦: ઘરે ઘરે કોરોનાના દર્દીઓની સ્થિતિ અને ભાજપના કેમ્પમાં ૨૦૦ જેટલા પોઝિટિવ રિપોર્ટ આવવા છતાં આજે પણ સરકારી ચોપડે માત્ર ૪૦ કેસ જ દર્શાવ્યા છે. સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૮૯૩ કેસમાંથી ૩૩૪૧ સાજા થયા, જયારે આજે વધુ પાંચ દર્દીના મૃત્યુ સાથે કુલ ૨૫૦ના મોત, એકિટવ કેસ વધીને ૩૦૨ થયા

મોરબી જિલ્લા કોરોનાની બેકાબુ સ્થિતિ વચ્ચે પણ સરકારી તંત્રએ કોરોનાના આંકડા છુપાવાનો ખેલ ચાલુ જ રાખ્યો છે. આજે ભાજપના રેપીડ ટેસ્ટ કેમ્પમાં ૨૦૦ જેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવવા છતાં આરોગ્ય વિભાગે આજે ૯ એપ્રિલ, શુક્રવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૩૦૭૭ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ ૪૦ વ્યકિતના રિપોર્ટ જ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું મનાઈ રહ્યું છે. કારણ કે અત્યારે ઘરે ઘરે કોરોનાના દર્દીઓ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. પરંતુ મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે. વાસ્તવિક રીતે મોરબી જિલ્લામાં રોજના સેંકડો નવા કેસ આવી રહ્યા છે. ત્યારે સરકારી આંકડાની માયાજાળમાં પડ્યા વગર લોકો કોરોના બાબતે વધુ જાગૃત થાય તે અત્યંત જરૂરી છે. હાલમાં મોરબીની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ કરવાની પણ જગ્યા નથી.

જયારે આજે મોરબી જિલ્લામાં સરકારી આંકડા મુજબ વધુ પાંચ કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. જોકે નિર્ભર સરકારી તંત્ર દ્વારા સત્ત્।ાવાર આજે પણ મોરબી જિલ્લામાં એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી. જયારે ફાયર વિભાવ દ્વારા આજે કુલ ૧૧ ડેડબોડીના કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કર્યાની માહિતી મળી રહી છે.

માનવતા મહેકી ઉઠી , મોરબી હોસ્પિટલના કામે આવનાર માટે ટોકન દરે ભોજનની વ્યવસ્થા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૧૦:મોરબીમાં કોરોના પ્રકોપ વચ્ચે સરકાર ભલે નિર્દય બની હોય પણ સેવાભાવી લોકો ઉદાર હાથે સેવા કરવા આગળ આવી રહ્યા છે મોરબીના બે વેપારી મિત્રો દ્વારા હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને પરિવારજનો માટે માત્ર ૨૦ રૂપિયાના ટોકન દરે ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરી છે.

મોરબી શહેરમાં કોરોના કે અન્ય કોઈપણ કારણસર કોઇપણ વ્યકતિને મોરબી હોસ્પીટલમાં જવુ પડે તેમ હોય અને હોસ્પીટલના કામ થી ત્યા રોકાવુ પડે તેમ હોય તેમના માટે બિલકુલ નજીવા દરે ફકત રૂ.૨૦માં જમવાની વ્યવસ્થા જગદંબા સ્ટેશનરી, માધવ માર્કેટ, પટેલ છાત્રાલય રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે, મોરબી દ્વારા કરવામાં આવી છે. વધુ વિગતો માટે બ્રિજેશ મહેતા, વ્યોમેશ મહેતા મોબાઈલ નંબર ૯૨૫૯૦૦૪૦૦ અથવા ૯૦૯૯૨૧૦૦૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:00 pm IST)