Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સામટા ૪૮ દર્દીઓ : ૨ મોત વચ્ચે કચ્છમાં કોરોનાના મુદ્દે તંત્રની ગાડી આડેપાટે ? આંકડાઓની વિસંગતતાથી લોકોમાં ચિંતાનું મોજું

સ્થાનિક મીડિયાના ચોંકાવનારા અહેવાલો વચ્ચે બંધ બારણે બેઠકોમાં વ્યસ્ત તંત્ર અને નેતાઓના મૌન વચ્ચે સુરત, મોરબી જેવી પરિસ્થિતિ સર્જાશે તો જ સરકાર દોડતી થશે?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ :  એક દિ'માં નવા ૪૮ દર્દીઓના અત્યાર સુધીના ઊંચા આંકડા સાથે કચ્છમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાનો ભરડો વધ્યો છે. કોરોનાના કારણે અંજારના પૂર્વ પાલિકા પ્રમુખ કલ્પનાબેન શાહનું મોત થયું છે. જયારે અન્ય એક મોત સાથે બે મોત તંત્રએ દર્શાવ્યા છે. જોકે, મૃત્યુ અંગેની વિગત તંત્રએ આપી નથી તો ખુદ આરોગ્ય અધિકારી કહે છે કે, મને ડીડીઓ તરફથી મૃત્યુની વિગત મળી નથી.

આ બધા વચ્ચે અત્યારે એકિટવ કેસ ઉછળીને ૩૧૮ થયા છે અને ૧૦ પૈકી ૯ તાલુકામાં કોરોનાના દર્દીઓ છે. સુરત, અમદાવાદ, મોરબી અને રાજકોટમાં કોરોનાના હાહાકાર પછી વસ્તીની દ્રષ્ટીએ કચ્છ જેવા નાના જિલ્લામાં પણ પરિસ્થિતિ વણસતી જાય છે. એક બાજુ તંત્ર પોતાની રીતે જ આંકડાઓ આપવામાં વ્યસ્ત છે. બીજી બાજુ સ્થાનિક અખબારોમાં કચ્છના શહેરી અને ગ્રામીણ વિસ્તારના કોરોના વિશેના આવતાં આંકડાઓ ચોંકાવનારા છે.

છેલ્લા એક અઠવાડિયામાં કચ્છ જિલ્લામાં ૧૦૦ મોત થયા હોવાની ચર્ચા છે. ગઇકાલે એક જ દિવસમાં ૩૦ શંકાસ્પદ મોત થયા હોવાની અને અંતિમવિધિ માટે ભુજમાં લાઈન હોવાના સમાચાર છે. ૧૦૦ મૃતદેહોને પીપીઈ કીટ સાથે અગ્નિદાહ અપાયો હોઈ તે મોતના આંકડા અંગે કોરોના હોવાની ચર્ચા છે.

જયારે કચ્છના અંજાર, સામખિયાળી, ભચાઉ, લાકડીયા, માધાપર, ફતેગઢ મધ્યે કોરોનાના આવતાં આંકડા ચોંકાવનારા છે. જોકે, તંત્ર દ્વારા જાહેર કરાતા કન્ટેનમેન્ટ ઝોન અને પોઝિટિવ દર્દીઓ વચ્ચેના આંકડા માં ભારે ઉલટફેર છે.

તો, કોરોના દરમ્યાન સબંધીઓ, ચિત પરિચિત વ્યકિતઓ, પડોશીઓ કે મિત્ર વર્તુળમાં કોઈનું પણ સારવાર દરમ્યાન મૃત્યુ થયું હોય તો એ મોત પણ તંત્ર દ્વારા પોતાની યાદીના મોતના આંકડામાં દર્શાવાતો નથી. એ લોકો અનુભવી રહ્યા છે. આંકડાઓ બાબતે તંત્રના આટાપાટા, સ્થાનિક નેતાઓ મૌન વચ્ચે જો પરિસ્થિત વણસશે તો સુરત,અમદાવાદ, મોરબી અને રાજકોટ પછી દોડતી થયેલી સરકાર કચ્છમાં પણ ઊંઘતી ઝડપાશે.

(11:51 am IST)