Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકામાં ૧૫૨ કુટુંબોને અન્ન બ્રહમ યોજના હેઠળ રાશનકીટનું વિતરણ

સંવેદનશીલ પરિસ્થિતિમાં સંવેદનશીલ રાજ્ય સરકારનો આભાર માનતા ગરીબ-નિરાધાર કુટુંબો

રાજકોટ : સમાજના દરેક વર્ગના કલ્યાણ માટે ચિંતા અને ચિંતન કરતી રાજ્ય સરકાર અનેક મહત્વના નિર્ણયો લેતી હોય છે. આવો જે એક નિર્ણય કોરોના વાયરસ અને લોકડાઉનના પગલે રોજનું કમાઈને પેટનો ખાડો પૂરતા ગરીબ, નિરાધાર અને પરપ્રાંતીય કુટુંબો માટે લીધો છે. ગરીબ નિરાધાર પરિવારોને તકલીફ ન પડે તે માટે સંવેદનશીલ રાજ્ય સરકારે અન્ન બ્રહમ યોજના અમલી બનાવી છે. આ યોજના હેઠળ રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના ૧૬ ગામના ૧૫૨ કુટુંબોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.

  રાજ્ય સરકારે “કોઈ ભૂખ્યું નહીં સૂવે”ની ચિંતા સાથે રાજ્યભરના રાશનકાર્ડ વિહોણા અને નિરાધાર કુટુંબોને અનાજ પૂરવઠો લોકડાઉનના કપરા સમયમાં પૂરો પાડયો છે. જે અંતર્ગત લોધીકા તાલુકામાં ડોર ટુ ડોર જઈને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ તાલુકા વિકાસ અધિકારી મીરાબેન સોમપુરાએ જણાવ્યું હતું. આ રાશન કીટ હેઠળ આશરે ૪૫૦થી વધુ લોકોને ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચોખા, ૧ કિલો દાળ, ૧ કિલો ખાંડ, ૧ કિલો મીઠું સહિતનું કરિયાણું પૂરુ પાડવમાં આવ્યું હતું ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સીંગ અને કાયદા વ્યવસ્થાનું પાલન થાય તે માટે લોધીકા તાલુકાના પી. એસ આઈ.  એચ.એમ.ધાંધલ અને તેની ટીમ પણ વિતરણ સ્થળ પર હાજર રહી હતી.  
  “અન્ન બહ્મ યોજના” કીટની પેકિંગ પ્રક્રિયામાં આંગણવાડી અને સખી મંડળની ૧૮ જેટલી બહેનો સ્વૈચ્છાએ જોડાઈ હતી. ગરીબ, નિરાધાર અને રેશનકાર્ડ ન ધરાવતા લોકોના સર્વે કરવાની કામગીરીમાં શિક્ષણ વિભાગના લોકો પણ સહર્ષ સાથે આગળ આવ્યા હતા. આ ઉપરાંત દરેક ગામના તલાટી મંત્રી અને કર્મચારીઓ માનવતાને પ્રાધાન્ય આપીને નિષ્ઠાપૂર્વક જવાબદારી અદા કરી હતી, તેમ આસિસ્ટન્ટ પ્રોજેકટ મેનેજર અલ્પાબેન રાબડીયાએ જણાવ્યું હતું.
  કોરોનાને કારણે સૌના આરોગ્ય માટે ચિંતત રાજ્ય સરકાર અને દરેક જિલ્લાનું વહીવટી તંત્ર લોકડાઉન સમયે નિરાધાર લોકોને મુશ્કેલી ન પડે તે માટે અગ્રિમતાથી કામ કરી રહ્યું છે. રાશન કીટ પ્રાપ્ત કરતી વેળાએ લોકોના ચહેરા પર સંતુષ્ટતાના અવર્ણનીય ભાવો સરકારની ઋજુતાના દર્શન કરાવે છે.  

  લોધીકા તાલુકાની અન્ન બ્રહમ યોજનાની સમગ્ર ટીમનું માર્ગદર્શન લોધીકા તાલુકાના મામલતદાર જે.આર.હિરપરા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો સંપૂર્ણ સ્ટાફ અન્ન બ્રહમ યોજનાની કીટ વિતરણ વ્યવસ્થામાં સહભાગી બન્યો હતો.

સંકલન – પ્રિયંકા પરમાર

(10:57 pm IST)