Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જૂનાગઢના ૯ વેપારી સહિત કુલ ૨૨૨ શખ્સો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉનના પાલન માટે પોલીસ આક્રમક

જુનાગઢ તા. ૧૦: જુનાગઢના ૯ વેપારી સહિત ૨૨૨ શખ્સો સામે પોલીસે જાહેરનામાભંગની વલણ અપનાવ્યુ છે.

કોરોનાને કારણે લોકડાઉન છે. જેના પાલન માટે  કલેકટર ડો. સૌરભ પારઘી, ડીડીઓ પ્રવીણ ચૌધરી, ડીઆઇજી મનીન્દરસિંહ પવાર, એસ.પી. સૌરભ સિંભ વગેરે  પગલા લઇ રહ્યા છે.

આમ છતાં જુનાગઢના મધુરમ વિસ્તારમાં સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાતા ડીવાયએસપી. પ્રદિપ સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સી. ડીવીઝનના પી.એસ.આઇ , ડી.જી. લાડવા અને તેના સ્ટાફે મધુરમ વિસ્તારમાં પ્રો.વિઝન સ્ટોર, શાકભાજી, મસાલાના વેચાણ કરનારા ૯ વેપારીઓ સામે જાહેરનામાભંગનો  ગુનો નોંધ્યો હતો.

ઉપરાંત જુનાગઢ એ.બી. અને ભવનાથ વિસ્તારના ૯૬ શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જુનાગઢ જીલ્લાના અન્ય વિસ્તારોમાં પણ પોલીસે જાહેરનામાના ભંગ બદલ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ગઇકાલે એક જ દિવસમાં વધુ ૨૨૨ શખ્સો સામે આક્રમક પગલા લેવામાં આવ્યા હતા. (૩.૧૩)

 

(1:00 pm IST)