Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ઉપલેટામાં પોલીસ દ્વારા લોકડાઉનમાં કાયદો વ્યવસ્થા ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી

ઉપલેટા તા. ૧૦ : દેશ અને દુનિયામાં મહામારીનો કાળો કહેર વરસાવનાર કોરોના વાયરસ અનેક લોકોનો ભોગ લઈ રહ્યો છે. આ મહામારી સામે લડવા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સમગ્ર દેશમાં ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરેલ છે. આ લોકડાઉનમાં તંત્ર દ્વારા સતત લોકોને આ મહામારીનો ચેપ ના લાગે કે લોકોનુ સ્વાસ્થ્ય ના બગડે તે માટે પોલીસ તંત્ર દ્વારા બિનજરૂરી આવન જાવન કરતા લોકોની અટકાયત કરવામાં આવે છે અથવા તો ઘરે પરત મોકલી દેવામાં આવી રહ્યા છે. આવી જ કામગીરી હાલ રાજકોટ જીલ્લાના ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરવામાં આવી રહી છે.

ઉપલેટા પોલીસ તંત્ર દ્વારા સમાજના દુશ્મનો તેમજ પોતાનું અને પોતાના પરિવારનું અહિત કરનારા સામે લાલ આંખ કરીને બે જવાબદાર અને કાયદાનો ભંગઙ્ગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉપલેટા પોલીસ દ્વારા દિવસરાત સતત ખડે પગે ફરજ બજાવી તેમજ ફૂટ પેટ્રોલિંગ કરી બિનજરૂરી આવન જાવન કરનારા લોકોને રોકી અને વિનંતી કરવામાં આવી રહી છે કે ઘરે રહો અને સુરક્ષિત રહો. પરંતુ ઘણા લોકોમાં જાગૃતતાનો અભાવ છે અને કાયદાનું ઉલંઘન કરનાર તેમજ કાયદો અને વ્યવસ્થાને ઘોળીને પી જનાર લોકો સામે ઉપલેટા પોલીસ દ્વારા અત્યાર સુધીમાં અનેક લોકોની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉપલેટા પોલીસ દ્વારા બિનજરૂરી લટાર મારવાની તેમજ જયાં લોકોની ખોટી લટારો લગાવતા હોઈ તેવા વિસ્તારોમાં ડ્રોન કેમેરાની ત્રીજી આંખથી નજર રાખવામાં આવી રહી છે તથા ડ્રોન મદદથી સતત દેખરેખ કરવામાં આવી રહી છે. ઉપલેટા પોલીસ વિસ્તારમાં લોકડાઉન બાદ અત્યાર સુધીમાં જાહેરનામા ભંગના ૧૦૬ ગુનાઓ, ડ્રોન કેમેરાની મદદથી બિનજરૂરી આવન - જાવન તેમજ શેરી, ગલી મહોલ્લામાં બિનજરૂરી લટાર લગાડનાર લોકોના ૨૪ ગુનાઓ ઉપરાંત ખોટા બહાના બનાવીને આંટા ફેરા કરનારા લોકોના ૧૩૬ વાહનો અત્યાર સુધીમાં ડિટેઈન કરેલ છે. લોકડાઉનના પગલે ઉપલેટા ઇન્ચાર્જ પી.આઈ. વી.એમ. લગારિયા દ્વારા જણાવાયું હતું કે ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં જો કોઈપણ વ્યકિત કાયદાનો ભંગ કરતા જણાય અથવા તો ટોળા એકઠા થતા જોવા મળે તો તુરંત ઉપલેટા પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્ચાર્જ પી.આઈ. વી.એમ. લગારિયા સાહેબને ૯૭૨૬૫૯૧૫૨૧ નંબર પર ફોન કરી જાણ કરવી અથવા વિડીયો કે ફોટા વ્હોટ્સએપ પર સ્થળનું નામ લખી મોકલવાનુ કહેવામાં આવ્યું છે જેથી કરીને આ તમામ લોકો વિરૂદ્ઘ તુરંત અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

(11:57 am IST)