Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સંભવિત કોરોના આક્રમણને ખાળવા જુનાગઢમાં સિવીલ, ખાનગી હોસ્પિટલ, ધાર્મિક સ્થાનો અને હોટેલમાં પણ બેડ તૈયાર

ડોર ટુ ડોર સર્વેમાં દોઢ લાખ લોકોને આવરી લેવાયા

જુનાગઢ તા. ૧૦: સંભવિત કોરોના આક્રમણને ખાળવા માટે જુનાગઢના સિવીલ ઉપરાંત ખાનગી હોસ્પિટલ તેમજ ધાર્મિક સ્થાનો અને હોટેલમાં પણ બેડ તૈયાર કરવામાં આવેલ છે.

કોરોના મહામારીનાં સંકટ માટે તનતોડ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે જુનાગઢ મ્યુનિસીપલ કોર્પોરેશન તત્ંરએ એકશન પ્લાન ઘડી કાઢયો છે.

જોકે જુનાગઢમાં હજુ સુધી કોરોના પોઝીટીવનો એક પણ કેસ નોંધાયો નથી આમ છતાં પણ તંત્ર કોઇ પ્રકારની કચાશ રાખવામાં માંગતું નથી અને સંભવિત આક્રમણને ખાળવા માટે મોટાપાયે તૈયારીઓ આયોજન કરવામાં આવ્યું છે.

મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરાનાં જણાવ્યા મુજબ જુનાગઢ સિવીલમાં પ૦ આઇસોલેશન વોર્ડ, ૧પ વેન્ટીલેટરની સુવિધા સાથે ૩૦૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉપરાંત ખાનગી ત્રિમુર્તિ હોસ્પિટલને કોવીડ-૧૯ હોસ્પિટલ બનાવી જેમાં ૧૦૦ બેડ, ભવનાથ સ્થિત નાકોડા હોસ્પિટલમાં પ૦ બેડ, ભારતી આશ્રમમાં પ૦ બેડ, સનાતન હિંદુ ધર્મશાળામાં ૬૦ બેડની વ્યવસ્થા કરાઇ છે.

તેમજ જો કોઇને હોમ કવોરન્ટાઇન સિવીલ હોસ્પિટલમાં ન રહેવું હોય તો તેના માટે ભવનાથ ખાતેથી મંગલનાથ હોટેલમાં ખાનગી કવોરન્ટાઇન માટે ૬૦ બેડની ગોઠવણ કરવામાં આવી છે.

આ કામગીરી ઉપર કલેકટર ડો. સૌરભ પારધી, ડી.ડી.ઓ. પ્રવીણ ચૌધરી, કમિશ્નર તુષાર સુમેરાની કમિટી દેખરેઢખ રાખી રહી છે.

જુનાગઢમાં ડોર ટુ ડોર સર્વેની કામગીરીના દોઢ લાખ લોકોને આવરી લેવાયા છે તેમજ હોમ કવોરન્ટાઇનનાં ઘરના કચરાનો અલગથી નિકાલ કરવામાં આવી રહ્યો છે.

(11:52 am IST)