Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

સોખડામાં ટ્રેકટર નીચે છુંદાઇ ગયેલી ૧૦ માસની બાળકીની બારોબાર અંતિમવિધીઃ પોલીસે દફનાવેલી લાશ બહાર કાઢી ૩ સામે ગુનો નોંધ્યો

પરમ દિવસે મુળ વઢવાણના નગરા ગામના બકાભાઇ પ્રજાપતિની દિકરી ભાવના ભાખોડીયા ભરતી ઇંટોના ભઠ્ઠા પાસે પહોંચી ત્યારે ધરમશીએ ટ્રેકટર રિવર્સમાં લેતાં બનાવઃ ખુદ પિતા, મામા અને ઇંટોના ભઠ્ઠાના માલિકે બારોબાર અંતિમવિધી કરી નાંખી હતીઃ પોલીસને જાગૃત નાગરિકે જાણ કરતાં પોલ ખુલી : કુવાડવા પોલીસે મૃતક બાળકીના પિતા બકાભાઇ, કોેટુંબીક મામા ધરમશી મુળીયા અને ભઠ્ઠાના માલિક રાજુ સતાપરા સામે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૦: કુવાડવા તાબેના સોખડા રોડ પર આવેલા રાજકોટના પ્રજાપતિ શખ્સના ઇંટોના ભઠ્ઠા પર પરમ દિવસે પ્રજાપતિ યુવાને ટ્રેકટર રિવર્સમાં લેતાં પાછળ ભાખોડીયા ભરી રમી રહેલી તેની ૧૦ માસની કોૈટુંબીક ભાણીના મોઢા પર વ્હીલ ફરી વળતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. આ ઘટના પછી પોલીસ કેસ ન થાય એ હેતુથી ખુદ બાળકીના પિતા, ટ્રેકટર ચાલક મામા અને ઇંટોના ભઠ્ઠાના માલિકે મળી ભઠ્ઠા પાછળની જગ્યામાં બારોબાર આ બાળકીની લાશની દફનવિધી કરી નાંખી હતી. કોઇ જાગૃત નાગરિકે જાણ કરતાં પોલીસે તપાસ કરતાં વાત સાચી ઠરતાં દફનાવાયેલી લાશ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ કરાવાયું હતું અને આ મામલે બાળાના પિતા સહિત ત્રણ સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ કરી હતી.

બનાવ અંગે પોલીસે મોતને ભેટેલી ૧૦ માસની બાળા ભાવનાના માતા માયાબેન બકાભાઇ લખતરીયા (પ્રજાપતિ) (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી તેણીના પતિ બકા ભીખાભાઇ લખતરીયા, તેણીના મામાના દિકરા સુરેન્દ્રનગરના રામનગરના ધરમશી મગનભાઇ મુળીયા તથા ઇંટોના ભઠ્ઠાના માલિક રાજકોટ સંત કબીર રોડ શકિત સોસાયટીમાં રહેતાં રાજુ કાળુભાઇ સતાપરા સામે આઇપીસી ૩૦૪ (અ), ૨૭૯, ૨૦૧, ૨૦૨, ૧૧૪ અને એમવીએકટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધ્યો છે.

માયાબેન અને તેના પતિ બકાભાઇ મુળ વઢવાણના નવાગામના વતની છે. છ મહિનાથી સોખડા ઇંટોના ભઠ્ઠામાં બંને કામ કરી ત્યાં જ રહે છે. તેને સંતાનમાં એક પુત્ર કરણ (ઉ.૮), દિપ્તી (ઉ.૪) અને ભાવના (ઉ.૧૦ માસ) છે. પરમ દિવસે ૮મીએ સવારે સાડા અગિયારેક વાગ્યે માયાબેન ઘરમાં રસોઇ બનાવતાં હતાં ત્યારે ભાવના ભાખોડીયા ભરતી ભરતી ઓટો પરથી ઇંટોના ભઠ્ઠા સુધી પહોંચી ગઇ હતી. આ વખતે માયાબેનના મામાના દિકરા ધરમશી મુળીયાને ટ્રોલી સહિતનું ટ્રેકટર સાઇડમાં મુકવું હોઇ તેણે ચાલુ કરી રિવર્સમાં લેતાં પાછળ ભાવના રમતી હોઇ તેના પર ડાબી સાઇડનું પાછળનું વ્હીલ ફરી વળતાં મોઢુ છુંદાઇ જતાં મોત નિપજ્યું હતું.

બનાવને પગલે માયાબેન, પતિ બકાભાઇ અને ભઠ્ઠાના માલિક રાજુભાઇ સહિતના ભેગા થઇ ગયા હતાં. પોલીસ કેસમાં કોઇ ન ફસાય એ માટે થઇને બકાભાઇ, ધરમશી અને રાજુભાઇએ મળી બારોબાર દફનવિધી કરવાનું નક્કી કરી ભઠ્ઠાની પાછળના ભાગે ઠાકરની વીડીમાં ભાવનાની લાશ દફનાવી દીધી હતી. દરમિયાન આ અંગેની જાણ કોઇ જાગૃત નાગરિકે પોલીસને કરતાં કુવાડવા પોલીસ મથકના પીઆઇ એમ. સી. વાળા, રાઇટર હિતેષભાઇ ગઢવી, જયંતિભાઇ વાવડીયા તથા ડી. સ્ટાફની ટીમે પહોંચી તપાસ કરતાં બાળાની માતાએ પુછતાછ દરમિયાન સત્ય હકિકત જણાવતાં પોલીસે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની હાજરીમાં દફનાવાયેલી બાળાની લાશ બહાર કઢાવી કુવાડવા આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.

આ પછી બાળકીના પિતા, મામા અને ભઠ્ઠાના માલિક સામે કેસથી બચવા માટે લાશની બારોબાર અંતિમવિધી કરી પુરાવાનો નાશ કરવા સબબ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. બનાવે સોખડામાં ભારે ચર્ચા જગાવી છે.

(11:47 am IST)