Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

રાજકોટના પાદરની ઘટના બાદ

ગારીયાધારમાં ચારોડીયા ચોકડી પાસેથી રેશનીંગની દાળના ખાલી બાચકા મળ્યા

સ્થાનિક પત્રકારોએ તંત્રને જાણ કર્યા બાદ કલેકટર સુધી જવુ પડયુઃ ગરીબના મોઢાનો કોળીયો કોણ છીનવે છેઃ ઉંડી તપાસનો વિષય મામલતદારે સ્થળ પર જઇ પંચરોજકામ હાથ ધર્યું

ગારીયાધાર તા.૧૦ : ગારીયાધાર શહેર અને તાલુકામાં સરકારના માધ્યમથી હાલના તબકકે મફતમાં અનાજ વિતરણ કરવામાં આવ્યું જે ગરીબ પરીવારોને ભોજન મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન બાદ કામગીરી કરવા છતાં તાલુકાના મોટા ચારોડીયા ગામ નજીક આવેલી ચોકડી પાસે ચણાની દાળના અસંખ્ય ખાલી પેકેટો મળી આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.

ગારીયાધારની મોટા ચારોડીયાની ચોકડી પાસે રેશનીંગની ચણાની દાળના પેકેટો મોટા પ્રમાણમાં મળતા પત્રકારો દ્વારા સ્થાનીક તંત્રને જાણ કરાઇ હતી. પરંતુ સ્થાનીક તંત્ર દ્વારા કોઇ રસ ન દાખવાતા સમગ્ર મામલો જીલ્લા કલેકટર સુધી પહોંચતા તાબડતોડ રીત ેગારીયાધાર તંત્ર સતર્કમાં આવ્યું હતું.

ગારીયાધાર મામલતદાર કચેરીના ઇનચાર્જ સરવૈયા, નાયબ મામલતદાર જયેશ મહેતા અને તેની ટીમ દ્વારા સ્થળ તપાસ કરીને પંચ રોજકામ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગારીયાધાર શહેર અને ગામડાના ગરીબ પરીવારને હાલના સમયે આવક ન હોય જેને અનુલક્ષી સરકાર દ્વારા મફતમાં રેશનીંગના માધ્યમથી અનાજ આપવામાં આવી રહ્યું છે પરંતુ હલકી માનસીકતા ધરાવતા ડીલરો દ્વારા આ પેકેટોને તોડી કાળાબજાર કરવા માટે આવા કૃત્યો કરી ભ્રષ્ટાચાર આદરી દેવાયો છે જેની તપાસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે ગરીબનો રેશનીંગનો જથ્થો કોના દ્વારા છીનવાય રહ્યો છે તે તપાસમાં બહાર આવશે કે નહીં તે જોવું રહ્યું છે.

(9:56 am IST)