Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

હવે કચ્છ પણ કોરોનાના ભરડા તરફઃ ૪ પોઝીટીવ કેસ

હજી બે શંકાસ્પદ દર્દીઓ ઉપરાંત સંપર્કમાં આવેલા ત્રણ તબીબ સહિત કુલ ૧૨ના રિપોર્ટ બાકી : એક જ પરિવારના ત્રણને કોરોના પોઝિટિવ આવતાં વધુ : ૪૧ જણની તપાસ થશે, તંત્રની અપીલ લોકડાઉનના ચુસ્ત પાલન, સોશ્યલ ડિસ્ટનિંગના પાલન સાથે લોકોની જાગૃતિ થકી જ કોરોનાની ચેન તૂટી શકે

ભુજ તા. ૧૦ : રાજયની સાથે કચ્છ જિલ્લામાં પણ એક જ દિવસમાં કોરોનાના દર્દીઓ વધતાં તંત્ર અને લોકો ચિંતિત થયા છે. ગઈકાલે કોરોનાના શંકાસ્પદ બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે આપેલી માહિતી પ્રમાણે ભુજની ભાગોળે આવેલા માધાપર ગામે ૬૨ વર્ષીય સોની વૃદ્ઘને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના પરિવારજનોના સેમ્પલ લેવાયા હતા. જે પૈકી આ સોની વૃદ્ઘના પત્ની તેમ જ પુત્રવધુનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં તંત્ર હવે વધુ એલર્ટ થઈ ગયું છે.

કચ્છમાં અત્યારે કોરોનાના કુલ ૪ પોઝિટિવ કેસ છે, તેમાંયે ત્રણ પોઝિટિવ કેસ તો માધાપરના એક જઙ્ગ પરિવારના છે. પતિ પછી પત્ની અને પુત્રવધુને કોરોના પોઝિટિવ આવતાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે હવે સાસુ અને વહુ એ બન્નેના સંપર્કમાં આવેલા ૪૧ જણાની તપાસ કરાશે.

આ ઉપરાંત ગઈકાલે કચ્છમાં કોરોના જેવા શંકાસ્પદ લક્ષણો ધરાવતા બે દર્દીઓ ના સેમ્પલ પણ મોકલવામાં આવ્યા છે. જેમાં એક ભુજની રામનગરીમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી છે, જયારે બીજો ભુજના સરસપુર ગામનો ૩૦ વર્ષનો યુવાન છે. કોરોના સંદર્ભે હવે કચ્છમાં સાવધાની સાથે ધ્યાન રાખવા જેવી વાત એ છે કે, તે હવે કોમ્યુનિટી ટ્રાન્સમિશન (માનવીથી માનવી) દ્વારા ફેલાઈ રહ્યો છે.

કોરોનાના દર્દીના સંપર્કમાં આવતા લોકોને પણ વાયરસના કારણે કોરોના થઈ શકે છે, માધાપરના એક જ પરિવારના ત્રણ સભ્યો તેનું ઉદાહરણ છે. બીજી તરફ કચ્છમાં કોરોનાના પ્રથમ દર્દીના ગામ આશાલડી (લખપત) મધ્યે પણ તંત્રએ વધુ નમૂના લેવાનું શરૂ કર્યું છે. આશાલડી ઉપરાંત માધાપર-ભુજમાં ત્રણ કીમી સુધીનો વિસ્તાર સીલ કરી દેવાયો છે. તો, ગાંધીધામ આવેલા દુબઈના એનઆરઆઈનું કોરોનાથી મુંબઈમાં મોત નિપજયા બાદ તેમના સંપર્કમાં આવેલા ગાંધીધામના ત્રણ તબીબ સહિત ૧૨ જેટલા લોકોના પણ સેમ્પલ લેવાયા છે. તેમના રિપોર્ટ હજી બાકી છે. હવે આપણે ત્યાં પણ કોરોના પોઝિટિવ હોય તેવા વ્યકિતના સંપર્કથી બીજા વ્યકિતને પણ કોરોના થતો હોઈ આ સંક્રમણને અટકાવવા માટે જ, સરકાર અને વહીવટીતંત્ર લોકડાઉન તેમ જ સોશ્યલ ડિસ્ટનિંગનો અમલ કરાવી રહ્યા છે. એટલે, કોરોનાની ચેન તોડવા માટે આપણે સૌ એ જાતે જ ખાસ લોકડાઉન તેમ જ સોશ્યલ ડિસ્ટનિંગ ના અમલની તકેદારી રાખવાની જરૂર છે.(૨૧.૫)

(10:42 am IST)