Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

ખોડલધામ મંદિરે બહેનોએ 'બેટી બચાવો બેટી પઢાવો'થીમ પર રંગોળી બનાવી

વિવિધ ફળોનું સુશોભન, માતાજીને ભોગ, ચુંદડી અર્પણઃ બહેનો દ્વારા જ વ્યવસ્થા

રાજકોટઃ  હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે. રાજયના અનેક મંદિરો અને ધર્મસ્થાનોમાં ચૈત્રી નવરાત્રીની દબદબાભેર ઉજવણી કરાઈ રહી છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી ભકતો ધન્ય બની રહ્યા છે. નવરાત્રીના નવ દિવસ સુધી માતાજીની ભકિત કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોવાથી ભકતો દ્વારા માતાજીની વિવિધ રીતે આરાધના કરવામાં આવી રહી છે.

ચૈત્રી નવરાત્રીના નવ નોરતાની વિશિષ્ટ રીતે ઉજવણી કરવાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કરાયું છે. વિશ્વ પ્રસિદ્ઘ ખોડલધામ મંદિર-કાગવડ ખાતે ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસ વિવિધ કાર્યક્રમો થકી મા ખોડલની ભકિત કરાઈ રહી છે. ચોથા નોરતે પણ મા ખોડલની આરાધના કરવા મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડ્યા હતા. ખોડલધામ ખાતે મા ખોડલની વિશેષ પૂજા અર્ચના કરવા ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ભકિતમય કાર્યક્રમોમાં દરરોજ હજારો મહિલાઓ ભાગ લઈ રહ્યા છે. ગામેગામથી આવેલી મહિલાઓ દ્વારા રંગોળી, ફળ સુશોભન, રાસ-ગરબા, કિર્તન અને માતાજીને ચુંદડીઓ અર્પણ કરી હતી.

શાપર-વેરાવળ, ચરખડી અને ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા માતાજીને અવનવી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી. મહિલાઓ જાતે બનાવેલી આકર્ષિત ચુંદડી મા ખોડલને અર્પણ કરાઈ હતી.

શાપર-વેરાવળ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ખોડલધામ મંદિર પરિસરમાં આકર્ષક રંગોળી તૈયાર કરી હતી. બહેનોએ  ''બેટી બચાવો-બેટી પઢાવો''ની થીમ પર સરસ રંગોળી બનાવી હતી.  ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ દ્વારા  ફળ સુશોભન કરવામાં આવ્યું હતું. મહિલા સમિતિની બહેનોએ ચીકુ, દ્રાક્ષ, કેળા, દાડમ, સફરજન, નારંગી અને તરબુચ સહિતના ફળોથી સુશોભન કર્યું હતું અને આ ફળનો ભોગ માતાજીને ધરવામાં આવ્યો હતો. ખોડલધામમાં ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી દરરોજ મા ખોડલના મંત્ર જાપ કરાઈ રહ્યા છે. ચોથા નોરતે પણ ખોડલધામ ખાતે ૧,૧૬,૧૦૦ મંત્રના જાપ કરવામાં આવ્યા હતા. ભોજપરા, ગોંડલ, ચરખડી, બોટાદ અને વેરાવળની ૨૧૫થી વધુ મહિલાઓએ મંત્ર જાપમાં ભાગ લીધો હતો. સવા લાખથી વધુ મંત્ર જાપથી ખોડલધામ ગુંજી ઉઠ્યું હતું.

નવરાત્રીના નવ દિવસ સુધી આ પ્રકારે ભકિતમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવ દિવસ સુધી ઠેર ઠેરથી ભકતો મા ખોડલની આરાધના કરવા આવી રહ્યા છે સાથે મહિલા સમિતિ દ્વારા ચૈત્રી નવરાત્રીના ભવ્ય કાર્યક્રમો પણ ઉજવાઈ રહ્યા છે. સમગ્ર કાર્યક્રમમાં કોઈ અગવડ ન ઉભી થાય તે માટે મહિલા સમિતિની બહેનો વિશેષ સેવા આપી રહ્યાનું યાદીના અંતમાં જણાવ્યું છે.

(11:58 am IST)