Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

માળીયા મિંયાણા પાસે ૨૫ લાખની આંગડીયા બેગ ચોરીમાં પકડાયેલ ૩ શખ્સોના રીમાન્ડ મંગાયા

મોરબી એલસીબીએ ભેદ ઉકેલ્યો : ચોરીની ટીપ આપનાર મદારસિંહ સહિત બે શખ્સોની શોધખોળ

તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો (નીચે બેઠેલા) સાથે મોરબી એલસીબીનો કાફલો નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

મોરબી તા. ૧૦ : માળીયા મિંયાણા નજીક ૨૫ લાખના દાગીના ભરેલ બેગની ચોરીનો મોરબી એલસીબીએ ભેદ ઉકેલી ૩ શખ્સોને ઝડપી લીધા બાદ રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

રાજકોટની એચ પ્રવીણકુમાર આંગડીયા પેઢીના કર્મચારી રોહિતપૂરી ઉમેદપૂરી રાજકોટથી ભુજ જતો હોય ત્યારે માળિયા નજીકની માધવ હોટલમાં ચાપાણી પીવા ઉતર્યા દરમિયાન બે ઈસમો ૨૫ લાખના સોના ચાંદીના પાર્સલ ભરેલો થેલો ચોરી કરી કારમાં બેસી ફરાર થયા હોય જે બનાવ મામલે માળિયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ વધુ તપાસ એલસીબી ટીમને સોપવામાં આવી હતી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ તેમજ માળિયા પીએસઆઈ જે ડી ઝાલાની ટીમે તપાસ ચલાવી આરોપી ભગવતસિંહ જોરાજી ઝાલા રહે. સુણસર તા. ચાણસ્મા જી પાટણ, જયંતીભાઈ બાબુભાઈ રાવળ રાવળદેવ અને મુકેશજી બાબુજી ઠાકોર રહે. મહેસાણા એમ ત્રણ આરોપીને ઝડપી લઈને સોના ચાંદીના દાગીના સહીત ચોરી થયેલ પૈકી રૂ ૧૨,૨૯,૯૩૦ નો મુદામાલ રીકવર કરી ગુન્હામાં વપરાયેલ કાર કીમત રૂ ૧ લાખ વાળી કબજે કરી છે જયારે ચોરી પ્રકરણમાં અન્ય આરોપી મદારસિંહ ઘુડાજી ઝાલા રહે સુણસર તા. ચાણસ્મા જી પાટણ અને અરવિંદ અદુજી ઠાકોર રહે બોદલા જી મહેસાણા એમ બે આરોપીના નામો ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે .

ઝડપાયેલ આરોપી જયંતીભાઈ બાબુભાઈ રાવળદેવ વાળો અગાઉ અમદાવાદના બાવડા અને બગોદરા વચ્ચે થયેલ ૨૨ કરોડની લૂંટમાં સંડોવાયેલ હોવાની કબુલાત આપી છે. તેમજ આ આંગડીયા ચોરીની ટીપ મદારસિંહે આપ્યાનું ખુલ્યું છે. પકડાયેલ ત્રણેય શખ્સોને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે. વધુ તપાસ માળીયા મિંયાણા પી.એસ.આઇ. જે.ડી.ઝાલા ચલાવી રહ્યા છે.

(11:43 am IST)