Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

દ્વારકાના હોટલ સંચાલકનો ફાંસો ખાઇ આપઘાત

રમેશભા અને મીયાભા મને જીવવા નહી દે, હવે મારા છેલ્લા રામ-રામ, સાસુને ફોન કરી જમાઇએ જીંદગી ટૂંકાવી : બન્ને સાળાઓ પ્લોટ ખાલી કરવા ધમકીઓ આપતા કંટાળી જઇને પગલું ભર્યું: બ્હેનની બન્ને ભાઇઓ વિરૂદ્ધ ફરીયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૦ : દ્વારકાના ચરકલા રોડ પર યુવરાજ ધર્મશાળા નામથી હોટેલ ચલાવતાં યુવકે પોતાની જ હોટેલમાં ગળાફાંસો ખાઇ જીંદગી ટુંકાવી લેતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. યુવકે તેમના બે સાળાઓના ત્રાસથી પગલું ભર્યાનું પોલીસની પ્રાથમીક તપાસમાં બહાર આવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

બનાવ અંગે મૃતકના પત્ની મંજુબેન વિરમભા માણેક (ઉ.૩૩) ના એ દ્વારકા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, પતિ પાણીના ટાંકા સપ્લાયનું તેમજ યુવરાજ ધર્મશાળા નામથી હોટેલનો વ્યવસાય કરતા હતા અને સંતાનમાં પુત્ર યુવરાજ (ઉ.૧૧) તથા પુત્રી પ્રિયાંશી (ઉ.૩) ની છે. માતા-પિતા પણ ઘરની પાસે જ રહે છે. ગત તા.૭ ના રોજ રાત્રીના પોણા નવેક વાગ્યે ઘરે હતા ત્યારે પોતાના ભાઇ રમેશભા બાલુભા સુમણીયાનો ફોન આવ્યો હતો. અને પતિને કહ્યું હતું કે ઘર પાસે ખાલી પ્લોટમાં પાણીનો ટાંકામાંથી તારૂ પાણી ખેંચવાનું મશીન ઉપાડી અને પ્લોટ ખાલી કરી દે જે કહી ફોનમાં ગાળાગાળી કરી હતી. એ પછી તા. ૮ ના સવારે ભાઇ રમેશભા તથા બનેવી મીયાભા સોમભા માણેક બન્ને  લોખંડના પાઇપ લઇ ઘરે આવ્યા હતા. અને ગાળો બોલવા લાગ્યા હતા પાઇપ મારવા જતા પિતા ત્યાં આવી જતા પાઇપ તેને માથામાં લાગી ગયો હતો. દેકારો થતાં આસપાસના લોકો ભેગા થઇ જતાં બન્ને ત્યાંથી ચાલ્યા ગયા હતા. એ પછી ભાઇએ ઘરે દુધ દેવા આવતા નાથાભાઇ ગઢવીને ફોનમાંથી પતિને ફોન કરી ગાળો કાઢી કહેવા લાગ્યો હતો કે, તું અમારો પાળેલો કુતરો છો, તને અમે તથા મારા બાપુજીએ ધંધો રોજગાર કરી આપેલ છે, જેના કારણે તું નભે છે, તું પ્લોટ ખાલી કરી દે જે કહી ધમકીઓ આપી હતી એ પછી મારા પતિ એકદમ ઉદાસ અને ગુમસુમ રહેતા હતા તેને માતા-પિતાએ પણ સમજાવ્યા હતા.એ પછી રાત્રીના નવેક વાગ્યે હું હોટેલ જાવ છું તેમ કહી ઘરેથી નિકળી ગયા બાદ થોડીવારમાં માતા રાજુબેનને પતિએ ફોન કરી કહેલ કે, રમેશભા તથા મીયાભા હવે મને જીવવા નહિ દે, હવે મારા બધાને છેલ્લા રામ...રામ કહી ફોન કાપી નાખ્યો હતો. આથી માતાએ જાણ કરતા તુરંત બધા ઘર પાસે જ હોટેલમાં દોડી જઇ રૂમ ખખડાવ્યો હતો જે નહી ખોલતા દરવાજો તોડી અંદર જોતા પતિ વિરમભા પંખામાં દોરી વડે ગળે ફાંસો ખાઇ લીધેલી હાલતમાં જોવા મળતા તેને તુરંત નીચે ઉતારી ખાનગી હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ડો. કરંગીયાએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે દ્વારકા પોલીસે બહેનની ફરીયાદ પરથી બન્ને ભાઇઓ રમેશભા બાલુભા સુમાણીયા અને મીયાભા સોમભા માણેક વિરૂદ્ધ બનેવી વિરમભા માણેકના ત્રાસ આપી મરવા મજબુર કર્યા અંગે આઇપીસી કલમ ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:53 pm IST)
  • કોંગ્રેસ પછી ભાજપે પણ થ્રી લાઇનનો વ્હીપ આપ્યો આજે સંસદમાં આખો દિવસ હાજર રહેવા અને સરકારના સ્ટેન્ડને સમર્થન આપવા ભાજપે તેના સંસદ સભ્યોને થ્રી લાઇન વ્હીપ આપેલ છે. access_time 10:16 am IST

  • ઇન્ડીગોના નવા સીએફઓ ચોપ્રા ઇન્ડીગોના સીએફઓ આદિત્ય પાંડેએ રાજીનામુ આપતા નવા સી.એફ.ઓ તરીકે જીતેન ચોપ્રાની વરણી ૨૨ ફેબ્રુઆરીથી ચાર્જ સંભાળશે access_time 10:15 am IST

  • રાજકોટ જીલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ : આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ જીલ્લા પંચાયતની ૧૪ - કસ્તુરબાધામ બેઠક ઉપર બીએસપીએ ઝૂકાવ્યુ છે : પક્ષમાં કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે રીટર્નીંગ ઓફીસર ચરણસિંહ ગોહીલ સમક્ષ ફોર્મ રજૂ કર્યુ હતું : રાજકોટ જીલ્લા પંચાયત ચૂંટણીમાં બસપાએ ખાતુ ખોલાવ્યુઃ ૧ ફોર્મ ભરાયું : જીલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે ૧૪-કસ્તુરબાધામ (ત્રંબા)માંથી બસપાના કરશનભાઈ લક્ષ્મણભાઈ પરમારે ફોર્મ ભર્યુ access_time 3:56 pm IST