Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

પોરબંદરમાં નોકરીની લાલચ આપી યુવાનના બેન્ક ખાતામાંથી ઉપડી ગયેલા રૂપિયા પોલીસે પરત અપાવ્યા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૦ :.. અહીં પંકજભાઇ ચૌહાણ નામના યુવાનને નોકરીની લાલચ આપીને તેમના બેન્ક ખાતામાંથી આરોપીએ રકમ ઉપાડી લીધાની જાણ પોલીસને કરતા જરૂરી કાર્યવાહી બાદ પોલીસે પંકજભાઇના ખાતામાં પરત રૂ. ૭ર૯૮ મેળવી આપીને સાયબર ફ્રોડનો ઉકેલ લાવ્યો છે.

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લામાં બનતા સાયબ ક્રાઇમના ગુનાઓના તાત્કાલીક નીરાકરણ માટે સુચના આપી હતી. આ બાબતે પોરબંદરના પંકજભાઇ ચૌહાણ દ્વારા એક એડવર્ટાઇઝમેન્ટ પરથી મો. કંપનીમાં રૂ. ૧૮પ૦૦ ની નોકરી માટે ફોન કરતા આરોપી દ્વારા નોકરી આપવાની લાલચ આપી પંકજભાઇ ના કાર્ડ નંબર સીવીવી નંબર શેર કરતા તેમના ખાતામાંથી રૂ. ૭ર૯૮ ની ઉઠાતરી કરેલ હતી. ત્યારબાદ પંકજભાઇને નોકરી માટે જરૂરી કમ્પ્યુટર વગેરે સાધનો  લેવા માટેની લાલચ આપીને આરોપી દ્વારા પોતાના એકાઉન્ટ નંબર આપેલ જેમાં પંકજભાઇ દ્વારા રૂ. ૯,૬પ૦ અને રૂ. ૧પ,ર૦૦ કેશ જમા કરાવેલ હતાં.

આરોપી દ્વારા જુદા જુદા બહાના હેઠળ વધુ રૂપિયા જમા કરાવવાની માગણી કરતા, પંકજભાઇ પોતે નાણાકીય ફ્રોડનો શિકાર બન્યા હોય તેવુ જણાતા તાત્કાલીક પોરબંદર પોલીસનો સંપર્ક કરતા નાયબ પોલીસ અધિક્ષક શહેર જે. સી. કોઠીયા અને ઇ-ચા. પી. આઇ.  પી. આર. પટેલના માર્ગદર્શન હેઠળ પોરબંદર ટેકનીકલ સેલના પી. એસ. આઇ. સુભાષ ઓડેદરા અને તેમની ટીમ દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરતાં પંકજભાઇના એકાઉન્ટમાં રકમ રૂ. ૭ર૯૮ પરત મેળવી આપી હતી. તેમજ બાકીના કેશ જમા વાળા બંને ટ્રાન્ઝેકશન પણ પોલીસ દ્વારા અટકાવી, બેન્કની જરૂરી કાર્યવાહી થયા બાદ બેન્ક દ્વારા આ રકમ પણ જમા કરાવવામાં આવશે. પંકજભાઇએ પોરબંદર પોલીસનો આભાર માન્યો હતો. તેમજ આ બનાવ અનુસંધાને આરોપી હાથ ધરવાની તજવીજ ચાલુ છે.

પોરબંદર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે આવી કોઇપણ ઓનલાઇન અથવા ઓફલાઇન નોકરી આપતી જાહેર ખબરો ને પુરી ચકાસીને જ આગળ વધવું. તથા આવી નોકરીની લાલચ આપતા કે રૂપિયાની  માગણી કરી નોકરી અપાવતા ફોન કોલ પર ભરોસો કરવો નહીં.

(11:32 am IST)