Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ભાવનગરમાં ઉડાન ટ્રસ્ટ દ્વારા બાબર સમાજના નવનિયુકત યુવા સરકારી કર્મચારીઓનું સન્માન

ભાવનગર તા.૧૦ : શિક્ષણથી વ્યકિતની સમજ વિકસે છે. સમજ વાળી વ્યકિતનો સમૂહ થાય ત્યારે તંદુરસ્ત સમાજ બને છે. અને સમુહ સમજથી સમાજનો સર્વાંગી વિકાસ શકય બને છે. તેમ શિક્ષણવિદ ડો. જે.પી. મૈયાણીએ ઉડાન ટ્રસ્ટ આયોજિત તેજસ્વી યુવા સન્માન સમારોહમાં જણાવ્યું હતું.

ભાવનગર ખાતે બાબર સમાજના યુવા યુવતિઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના અભ્યાસની નિશુલ્ક વ્યવસ્થા કરતા ઉડાન ટ્રસ્ટ ભાવનગર દ્વારા છેલ્લા ગત વર્ષમાં સરકારી નોકરી મેળવેલ બાબર સમાજના ભાઈ બહેનોનો આજે એક સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

આ સમારોહના અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતા  ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. જે.પી. મૈયાણી એ જણાવ્યું હતું કે શિક્ષણ વ્યવસ્થા જ ન હોત તો સમાજની સ્થિતિ શું હોત તે કલ્પના માત્ર ધ્રુજાવી દે તેવી છે, એટલે શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે અને શિક્ષણ થી જ સર્વાગી વિકાસ થાય છે. જયારે શિક્ષણ ખર્ચ માટે અમુક પરિવાર કે વ્યકિત સક્ષમ ન હોય ત્યારે સંસ્થા કે સમાજે તે જવાબદારી ઉપાડી લેવી જોઈએ.

દરેકમાં શિક્ષણ વ્યાપ વધે તે માટે યથા મતી, યથા શકિત દરેક એ મદદ કરવી તે સમયની માંગ છે. શિક્ષા એ મહાદાન છે.

 ડો. મૈયાણીએ યુવાવર્ગ ને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે લક્ષ્ નક્કી કરી આયોજન પૂર્વક તૈયારી કરવી જોઈએ અને સાથો સાથ જીવનમાં કોઈ માપદંડ નાના ન રાખવા જોઈએ, જીવનમાં એક ચોક્કસ ગતિ એ આગળ વધવું તે મંત્ર નકકી રાખવો જોઈએ.ડો. મૈયાણી એ વધુમાં કહ્યું હતું કે શિક્ષણનો અર્થ માત્ર માહિતી જાણવી અને યાદ રાખવી એ નથી, સાચું શિક્ષણ એટલે જીવનમાં ડહાપણ આવે, સારાસારનો ભેદ સમજાય અને વિવેક-સમજ આવે તે છે.

શિક્ષણમાં જ્ઞાતિ આધારીત કોઈ અભ્યાસકર્મ બનતો નથી, કોઈ નોકરી,વ્યવસાય કે ક્ષેત્રમાં અમુક સમાજ કે જ્ઞાતિના યુવક યુવતિઓ જ સફળતા મેળવી શકે તેવું હોતું નથી. કોઈ પણ ક્ષેત્રમાં સજ્જતા પૂર્વક કરેલી મહેનત થી જ સફળ મળે છે. તેમ જણાવ્યુ હતું.

કાર્યક્રમમાં સરકારી નોકરી મેળવવામાં સફળતા મેળવેલ યુવક યુવતીઓનું સન્માન કરાયું હતું.

(11:26 am IST)