Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

આદિત્યાણામાં સંતશ્રી ત્રિકમચાર્ય બાપુના ૮૮માં નિર્વાણ દિન શિવરાત્રીએ જરૂરીયાતમંદોને અનાજ, રકતદાન કેમ્પ, સંતવાણી

સવારે પંચકુંડી ગાયત્રી યજ્ઞ તથા લઘુરૂદ્રઃ શિવરાત્રી ઉત્સવમાં દાનભેટ સ્વીકારાતુ નથી

આદિત્યાણા તા. ૧૦ : જીવ અને શિવનું મિલન કરાવતા શિવરાત્રી પ્રસંગે અને સમગ્ર બરડા વિસ્તારના સંતશ્રી ત્રિકમાચાર્ય બાપુના ૮૮માં નિર્વાણ દિવસે આગામી તા. ૧૩ને મંગળવારે ધાર્મિક અને રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરેલ છે.

આ પ્રસંગે આદિત્યાણામાં ત્રિકમાચાર્ય બાપુનું મંદિર, બ્રહ્મસમાજ અને આદિત્યાણા ગામના વિકાસમાં પોતાનું યોગદાન અને સેવા આપનાર પીઢ પત્રકાર સ્વ. ભીખુભાઇ પંડિતની પુણય સ્મૃતિ નિમિતે જરૂરીયાતમંદોને અનાજનું વિતરણ ગાયોની ગૌશાળાઓમાં ઘાસચારો, કપાસીયા નાખવા, વિધવા બહેનોને સહાય ઉપરાંત પોરબંદર વિસ્તારના થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તા. ૧૩ને મંગળવારે સવારના ૧૦ થી ૪ સુધી કરવામાં આવેલ છે. જેમાં રકતદાન કરવા નિતિન ભટ્ટ અને બ્રહ્મ સમાજ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.

મંગળવારે ૯ થી ૧૦ સવારે શોભાયાત્રા, ૧૦ થી ૧ પંચકુંડી ગાયત્રી યજ્ઞ રાખેલ છે. ફળાહાર અને શિવરાત્રી ઉત્સવના દાતા શ્રીમતિ અરૂણાબેન તથા વિનોદભાઇ જેરામભાઇ સાણથરા પરિવાર અમેરિકા દ્વારા અનુદાન મળેલ છે. સાંજના ૪ થી ૭ લઘુરૂદ્ર યજ્ઞ અને રાત્રીના ૯ થી ૧૨ સંતવાણી કાર્યક્રમમા મનસુખગીરી ગોસ્વામી, નિમિષાબેન મોઢા, મણીભાઇ થાનકી, દિનેશભાઇ થાનકી વિગેરે પોતાની માનદ સેવા આપશે.

આ શિવરાત્રી ઉત્સવમાં દાન - ભેટ સ્વીકારવામાં આવતુ નથી જેની ખાસ નોંધ લઇ વિના સંકોચે પધારવા માટે સમસ્ત બ્રહ્મસમાજ તેમજ સંતશ્રી ત્રિકમાચાર્યજીના ભકતજનોને પધારવા પ્રકાશભાઇ પંડિત, ભલાભાઇ જોષી, નિતીનભાઇ ભટ્ટ, લાલો પાઠક, બાબુભાઇ જોષી, મગનભાઇ જોષી, કલ્પેશભાઇ રાજ્યગુરૂએ અનુરોધ કરેલ છે.

કન્યા વિક્રય બંધ કરાવવાનો શ્રેય ત્રિકમજી બાપુને

આ સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુના જીવનચરિત્ર વિષે જેમ દેશમાં રાજારામ મોહનરાય દ્વારા 'કન્યા વિક્રય' બંધ કરાવવામાં આવેલ હતો તેવી રીતે સમગ્ર બરડા પંથકમાં 'કન્યા વિક્રય' બંધ કરાવવાનું શ્રેય આ ત્રિકમજીબાપુને આભારી હતું.

ત્રિકમજીબાપુએ આદિત્યાણા ગામે સ્વ. કરશનજી ધનજી પંડિતના ઘરે મહાશિવરાત્રીના દિવસે આજથી ૮૮ વર્ષ પહેલા પોતાના ભકતજનોને અગાઉથી જાણ કરી પોતાના પ્રાણ ત્યજેલ હતા. આદિત્યાણા ગામે તથા કુણવદર ગામે સંતશ્રી ત્રિકમાચાર્ય બાપુનું વિશાળ મંદિર બનાવેલ છે.

ત્રિકમાચાર્ય બાપુનો જન્મ કુણવદર ગામે હરિદાસ પંડિત તથા લાચ્છબાઇજીના કુખે થયેલ હતો. આમ જોઇએ તો કાઠીયાવાડ અને એમાં પણ બરડા ડુંગરના પેટાળમાં આવેલ પોરબંદર વિસ્તારએ સંતો અને સુરાઓ, ઓલિયા અને અવધૂતોની આરાધના ભૂમિ તરીકે સુપ્રસિધ્ધ થયેલ છે.

ત્રિકમાચાર્ય બાપુએ જ્ઞાનપ્રકાશ નામે પુસ્તક લખેલ છે. જેમાં સેંકડો વર્ષોનું ભવિષ્ય ભાખેલ છે. જે અત્યારે ક્રમશઃ સાચુ પડી રહેલ છે. વર્ષો પહેલા બડોઇ બ્રાહ્મણ જ્ઞાતિમાં કન્યાના લગ્ન વખતે મા-બાપ તરફથી લગ્ન કરવા આવનાર યુવક પાસેથી દહેજરૂપે પૈસા લેવામાં આવતા હતા આ કન્યા વેચાણ બંધ કરવાનું શ્રેય આ ત્રિકમજી બાપુને જાય છે.

(12:46 pm IST)