Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

તળાજા ન.પા.ના ચૂંટણી જંગમાં પેનલ તોડી જીતનારને મહત્વનું સ્થાન નહીં મળે !: ભાજપ

ટિકીટ કપાઇ હોય તેવા રીસાયેલા વ્યકિતને મનાવો અને કાર્યરત કરોઃ દરેક વોર્ડમાં જબરી ક્રોસ વોટીંગની શકયતા

તળાજા, તા. ૧૦ : તળાજા નગર પાલિકાના ચૂંટણી જંગને લઇ પ્રદેશ ભાજપ પણ ચિંતીત બન્યું છે, જેના કારણે પ્રદેશ સંગઠનના મહામંત્રી તળાજા ખાતે દોડી આવ્યા હતા. કાર્યકર્તાઓ, હોદ્દેદારોની પાંખી હાજરી વચ્ચે તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે પેનલ તોડીને જીતી જનારને મહતવનું સ્થાન આપવામાં નહીં આવે ! પક્ષ સાથે ગદ્દારી કરનારને હાંકી કાઢવાની વાત પોકળ સાબીત થયેલ જોવા મળે છે ત્યારે હવે સવાલ એ છે કે પ્રદેશ આગેવાનની આ ચીમકી માનવામાં આવશે ખરી ? ટીકીટ ફાળવણીમાં જે વ્યકિતઓને અન્યાય થયો હોવાની લાગણી અનુભવતા હોઇ તેઓએ પોતાની લાગણી અને બળાપો બંને આગેવાનો સમક્ષ ઠાલવ્યા હતા.

પ્રતિષ્ઠાના જંગ સમી તળાજા નગર પાલિકાની ચૂંટણી બની છે. મતદારો વચ્ચે જઇ બહુમત મેળવવાના જંગ પહેલા જ ખાસ કરીને ભાજપમાં ટિકીટ મેળવવાનો જંગ કોંગ્રેસ કરતા વધારે ખેલાયો એવી એવી રાજકીય રમતો રમવામાં આવી કે સિધી જ પ્રતિષ્ઠા પર ધા કરવામાં આવ્યો જેના કારણે વ્યકિતગત નારાજગીના બદલે સમાજની નારાજગી જોવા મળી ! આ બધી વાતો વચ્ચે તળાજા ખાતે ભાજપના પ્રદેશ કક્ષાના મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને જીલ્લાના આગેવાનોએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પચાસેક વ્યકિતઓ માંડ હાજર રહ્યા હતાં. સૂત્રોના કહેવા પ્રમાણે જે હાજરી જોવા મળી તે ખૂબ ઓછી હાજરી કહેવાય ! વર્તમાન નગર સેવકો અને ટિકીટ આપી છે તે નગર સેવકોની સંખ્યા જ હાજર રહેલા જ લોકો જેટલી થઇ જાય છે. ઉપરાંત સેલ-મોરચા અને અન્ય સંગઠનના હોદ્દેદારોના સહિત એકસોથી વધારે સંખ્યા હોવી જોઇએ તેમ જાણવકારોનું કહેવું છે.

ભાજપ વર્તુળના જાણાવ્યા પ્રમાણે અહીં ક્રો વોટીંગની શકયતાના કારણે પ્રદેશ મહામંત્રીએ સ્પષ્ટ ચીમકી આપી હતી કે જે વ્યકિત પેનલ તોડીને વિજેતા બનશે તેને મહત્વનો હોદ્દો આપવામાં આવશે નહીં ! મહામંત્રીના આ વાકયને લઇ ગણગણાટ એવો શરૂ થયો છે કે ગત ચૂંટણીઓ અને તાજેતરની ચૂંટણી ગઇ તેમાં કોણે શું ભૂમિકા ભજવી છે કોણે ગદ્દારી કરી છે તેની સાથે કેવો વ્યવહાર થયો છે તે સમક્ષ છે.

જે વ્યકિતઓને ટિકીટ નથી મળી અને જે રીતે રાજકીય ખેલ પાડી દેવામાં આવ્યો તે લોકોએ પણ આપવીતીનો બળાપો ઠાલાયો હતો.જોકે ભાજપ બાબતે એવી છાપ છે કે છેલ્લા દિવસોમાં એડી ચોંટીનું પણ જોર લગાવી શકે છે.

(11:27 am IST)