Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ભરૂચના ભાડભૂત ગામે ગેરકાયદે મનાતા મદ્રેસાનું બાંધકામ તોડી પાડવા હિન્દુ સંગઠનો દ્વારા કલેકટરને રજુઆત

૧૦ દિવસમાં પગલા નહિં લેવાય તો સ્થળ ઉપર કાર્યવાહિની ચીમકીઃ ભાડભૂત હિન્દુ સમાજમાં આસ્થાનું કેન્દ્ર છે. સંસ્થા દ્વારા ભાડભૂતનું નામ બદલી ' મુસ્તુફાબાદ' રાખવા પણ મોટા હોર્ડિંગ્સ લગાવાયા છે

 ભરૂચઃ તા.૮, ભરૂચ તાલુકાના ભાડભુત ખાતે મજલિસે નસુરતુલ મુસ્લિમીન ટ્રસ્ટની જમીન ઉપર ઉભું કરાયેલ મુસ્તુફાબાદ મદ્રેસાનું બાંધકામ તોડી પાડવા આજરોજ હિન્દુ સંગઠનો દ્વારા રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી તંત્ર જો ૧૦ દિવસમાં પગલા નહિં લે તો સ્થળ ઉપર કાર્યવાહિ કરવા ચીમકી  ઉચ્ચારી હતી. રેલીમાં ભાજપના હોદ્દેદારોની પણ સુચક હાજરી રહેવા પામી હતી.પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ સવારે ૧૦ વાગ્યાનાઙ્ગ સુમારે વીએચપી, આર.એસ.એસ., બજરંગ દળ સહિત ભારતીય જનતા પાર્ટી ભરૂચના જીલ્લા પ્રમુખ યોગેશ પટેલ, માજી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, શહેર પ્રમુખ મહેન્દ્ર કંસારા સહિતનાઓની હાજરીમાં હિન્દુ સમાજના લોકોએ રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી ભાડભુત ખાતે મદ્રેસા મુસ્તુફાબાદનું બાંધકામ તોડી પાડવા રજુઆત કરાઇ હતી.

 આવેદનપત્રમાં જિલ્લા કલેકટરને દિન-૧૦માં આ અંગે પગલા નહિ લે તો અને આવા ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવા તેમજ સ્થળ ઉપર સીધી કાર્યવાહિ કરવા તેમજ ભાડભૂતને મુસ્તુફાબાદ નહિ બનવા દેવા ચીમકી ઉચ્ચારી હતી. ભાડભૂત ખાતે મજલીસે નસુરતુલ મુસ્લિમીન ટ્રસ્ટની માલીકીની જગ્યામાં ગુજરાત રાજય વકફ બોર્ડ અને જિલ્લા કલેકટર પાસે એન.એ.  સાથે બાંધકામની ૧૮૦૦ ચો.મી.ની પરવાનગી મેળવી ત્યારબાદ યતીમ તાલીમાર્થીઓ માટે મુસ્તુફાબાદ મદ્રેસાની શરૂઆત કરાઇ છે. જયા હાલ ૧૦૭ વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહયા છે. ભાડભૂત ગામ ઐતિહાસીક ગામ છે. ભાડભૂત નામ યથાયોગ્ય છે. તેનુ નામ બદલવાની અમારી કોઇ ઇચ્છા નથી. અમે હિન્દુ સમાજ અને તેની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ. તેમ મદ્રેસાના સંચાલક મૌલાના સુલેમાને જણાવ્યું હતું.

(4:13 pm IST)