Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

જામનગર જી.જી. હોસ્પિટલમાં ગંભીર રોગના એકસ-રે ફિલ્મના અભાવે દર્દીઓને હેરાનગતિ

ખંભાળીયા-ભાણવડના ધારાસભ્ય વિક્રમભાઇ માડમની આરોગ્યમંત્રીને રજૂઆત

જામનગર, તા. ૯ :  ખંભાળીય ભાણવડના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે રાજયનાં આરોગ્ય મંત્રીશ્રીને પત્ર પાઠીને જામનગર જી.જી. હોસ્પિટલમાં ક્ષય, કેન્સર સહિતના ગંભીર પ્રકારના રોગના છાતીના લેવાતા એકસ-રેની ફિલ્મના અભાવે દર્દીઓની અટકી પડેલ સારવાર મુદ્દે રોષ વ્યકત કર્યો છે.

જી.જી. હોસ્પિટલમાં પાડવામાં આવતા છાતીના એકસઅરે માટેની પ્લેટો (ફિલ્મ) નહી હોવાથી દર્દીઓને માત્ર રીપોર્ટ આપવામાં આવે છે પરંતુ ગંભીર પ્રકારનાં  છાતીનાં રોગોની લેવામાં આવેલ એકસ-રે આપવામાં આવતા નથી. કારણ કે સરકારશ્રીના આરોગ્ય વિભાગ દ્વારા લાંબા સમયથી આ છાતીની એકસ-રેની ફિલ્મનો સ્ટોક હોસ્પિટલને પુરો પાડવામાં આવેલ નથી. જેના કારણે ક્ષય-કેન્સર જેવા ગંભીર પ્રકારના રોગોનાં દર્દીઓની સારવાર અટકી પડેલ છે.

આ સરકારી હોસ્પિટલમાં સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. પરંતુ છાતીના રોગોની એકસ-રે ફિલ્મનાં અભાવે દર્દીઓને સારવાર આપવી શકય નહીં હોાવથી ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓને ના છુટકે મોંઘી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર થવું પડે છે.

શહેરમાં આવેલ મેડીકલ કોલજે સાથેની આ સરકારી હોસ્પિટલને શકય તેટલી વહેલી તકે કફ, ક્ષય, કેન્સર જેવા દર્દ માટે કે જેમાં છાતીનાં એકસ-રે લેવા જરૂરી છે. તેની એકસ-રેની ફિલ્મ તાત્કાલિક અને પુરતા પ્રમાણમાં ફાળવવામાં અંતમાં વિક્રમભાઇ માડમે માંગ કરી છે. (૯.૮)

(12:41 pm IST)