Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

ભવનાથમાં જીવ સાથે શિવનું મિલનઃ ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ

જુનાગઢમાં ભાવિકો-સંતો-મહંતોની ભીડઃ બમ બમ ભોલે જય ગિરનારીના નાદથી તળેટી ગુંજીઃ ૧૦૮ની નવી એપ કાર્યરત

જુનાગઢ : શ્રી ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે આજે સવારે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

જુનાગઢ તા.૯ : ભવનાથમાં સવારથી જીવ સાથે શિવનું મિલન શરૂ થઇ ચુકયુ છે. ભવનાથ મંદિર પર ધ્વજારોહણ સાથે મેળાનો મંગલારંભ થતા બમ બમ ભોલે અને જય ગિરનારના નાદની ગુંજ તળેટીમાં ગુંજી હતી.

આજે સવારે ભવનાથ મહાદેવ મંદિર પર શાસ્ત્રોવિધિ અને મંત્રોચ્ચાર વચ્ચે ધજા ચડાવવામાં આવી હતી.

આ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી ભારતીબાપુ, ચાપરડાના સંતશ્રી મુકતાનંદબાપુ, ભવનાથ મંદિરના મહંત શ્રી હરિગીરીજી, ગુરૂ ગોરખનાથ આશ્રમના મહંતશ્રી શેરનાથબાપુ, રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંતશ્રી ઇન્દ્રભારતીબાપુ સહિત સંતો-મહંતોએ ઉપસ્થિત રહીને ધ્વજારોહણ વિધિમાં ભાગ લીધો હતો.

ધ્વજારોહણ પ્રસંગે કલેકટર ડો.રાહુલ ગુપ્તા, એસપી નિલેશ જાજડીયા, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, મહિલા સુરક્ષા સમિતિના ઉપાધ્યક્ષ જયોતિબેન વાછાણી, આગેવાનો પ્રદિપભાઇ ખીમાણી, યોગીભાઇ પઢિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ અખાડાઓ અને ધાર્મિક જગ્યાઓ ખાતે ધ્વજાજી ચડાવવામાં આવેલ.

મહાશિવરાત્રીનો મેળો વિધિવત સવારથી શરૂ થતા દિગમ્બર સહિત સંતોએ ધુણા ધખાવી, ભકિત-ભજન શરૂ કરી દીધા છે. તેમજ સંતો, આશ્રમો, સંસ્થાઓ, ઉતારા મંડળો વગેરે દ્વારા ભાવિકો માટે ચા-પાણી, ભોજનની સેવા પણ શરૂ કરી દેવામાં આવી છે.

શિવરાત્રી મેળા દરમ્યાન ભાવિકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ૧૦૮ની નવી સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં ૧૦૮ ગુજરાત એપ બનાવવામાં આવેલ છે. આ એપ ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે.

જેમાં ડાઉનલોડ કરનારે પોતાનુ નામ, ઇ-મેલ, બ્લડ ગ્રુપ, પોતાના અને પોતાના સ્વજનના મોબાઇલ નંબર નાખવાના રહેશે. એપના કારણે કોઇ વ્યકિતને સ્થળ અંગે માહિતી ન હોય તો પણ ૧૦૮ સ્થળ પર પહોંચી જશે.

૧૦૮ની એપ ઉપરાંત મેળાને લઇ સાત એમ્બ્યુલન્સ જી.પી.આર.એસ.વી લોકેટ કરવામાં આવી છે.

મેળો શરૂ થતા પોલીસ જવાનો વગેરેએ બંદોબસ્ત, સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન માટેની ફરજ સંભાળી લીધી છે.

આજે સવારથી એસ.ટી. બસની સેવાનો પ્રારંભ કરી દેવાયો છે. પીવાના પાણીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.

(12:44 pm IST)
  • ગુજરાતમાં જાણે આગ લાગવાની મોસમ ખીલી હોય તેમ હવે આજે વલસાડના તુંબ ગામમાં એક કંપનીના ગોડાઉનમાં લાગી આગ : લાખ્ખોનું નુકસાન : ફાયરબ્રિગેડની ટીમ પહોચી ઘટના સ્થળે access_time 3:00 pm IST

  • રાજસ્થાનના ભીલવાડામાં હલવો ખાધા બાદ પાંચના મોત : ત્રણ ગંભીર : હોસ્પિટલમાં ખસેડાયા : ફૂડ પોઇઝનની અસર : હલવામાં કોઈ ઝેરી પ્રદાર્થ પડ્યો કે કેમ ? તપાસ શરૂ : એક ઘરમાં હળવો ખાધા બાદ તબિયત બગડી : ભીલવાડાના ભૂટેલમાં બનાવ access_time 9:23 am IST

  • ફિલ્મ મણીકર્ણિકાના નિર્માતાઓને મળી મોટી રાહત : બ્રાહ્મણ સમાજે ફિલ્મનો વિરોધ પાછો ખેંચ્યો : 5 ફેબ્રુઆરીના રોજ બ્રાહ્મણ સમાજએ કંગના રનૌતની આગામી ફિલ્મ 'મણીકર્ણિકા' સામે ઈતિહાસમાં ચેડાં કરવાનો દાવો કરીને વિરોધ કર્યો હતો : ફિલ્મ નિર્માતાઓનું આશ્વાશન મળ્યા બાદ બ્રાહ્મણ સમાજે પોતાનો વિરોધ પાછો લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે access_time 12:46 am IST