Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ત્રણ લાખ ઉછીના લીધા બાદ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રેંટા કાલાવડના યુવાને ઝેરના પારખા કર્યા

ખંભાળીયા પાસે કાર હડફેટે બાઇક-સવાર પિતા-પુત્ર ઘવાયા : નંદાણાનો શખ્સ બંદૂક સાથે ઝબ્બે : વકિલની ઓસિફમાં ક્રિકેટ ઉપર જુગાર રમાયો

જામખંભાળીયા,તા.૧૦ : ભાણવડ તાબેના રેટા કાલાવડ ગામે રહેતા સુરેશભાઈ ગોવિંદભાઈ કારેણા નામના ૩૭ વર્ષના સગર યુવાને તેમની નોકરી સાથે જમીન-મકાનના વ્યવસાયમાં કેટલાક આસામીઓ સાથે વર્ષ ૨૦૧૩માં દાસારામ ડેવલપર્સ નામની એક પેઢીમાં અન્ય પાર્ટનર સાથે પ્લોટ અંગેની સ્કીમ મુકી અને તેના માસિક હપ્તા સાથેની બુકિંગ યોજનામાં તેમને પાર્ટનરશીપમાં મૌખિક કરાર મુજબ ચૂકવવાન થતા રૂપિયા ત્રણ લાખની રકમ સાડા ત્રણ ટકાના વ્યાજથી ભાણવડ તાલુકાના જામ રોજીવાડા ગામે રહેતા વશરામ કેસા પાથર નામના શખ્સ પાસેથી સાડા ત્રણ ટકાના દરથી લીધા હતા, જે બદલ તેણે સ્ટેટ બેન્કના ખાતાના કોરા ચેક આપ્યા હતા. વશરામભાઈને ફરિયાદી સુરેશભાઈએ થોડો સમય નિયમિત રીતે વ્યાજની રકમ ચૂકવ્યા બાદ આર્થિક સંકડામણના લીધે વધુ રકમ ચૂકવી ન શકતા વશરામભાઈએ તેમના સર્કલમાંથી રકમ મેળવી, દર માસે ૧૦ ટકા વ્યાજની રકમ આપવી પડશે તેમ કહી ૨૦૧૭માં સુધી ફરિયાદી સુરેશભાઈ તોતિંગ રકમ ચૂકવી હતી.

વસરામ કેસાના પાર્ટનર ભાણવડ ખાતે રહેતા મનસુખ સવજી નકુમ પણ આ મિલીભગતમાં સામેલ હોવાથી બંને શખ્સોના માનસિક ત્રાસથી તેઓ કંટાળી ગયા હતા. તેમની પાસેથી આરોપી શખ્સોએ ચોક્કસ રકમની પ્રોમિસરી નોટ લખાવી અને ફરિયાદી સુરેશભાઈએ રૂપિયા છ લાખ ચેક મારફતે તથા રૂપિયા અઢી લાખ રોકડા આપ્યા હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આટલું જાણે ઓછું હોય, આરોપી શખ્સો દ્વારા કેટલાક પ્લોટોના દસ્તાવેજ પણ કરાવી લેવામાં આવ્યા હતા.

આટલું નહિ, તેમની પારિવારિક ભાઈઓ ભાગની ૮ વીઘા જેટલી જમીન પણ તેઓને મેળવી લેવી હોય, આરોપી શખ્સો દ્વારા સુરેશભાઈને વિવિધ પ્રકારની ધમકીઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત ભાણવડની કોર્ટમાં સુરેશભાઈ સામે ચેક રિટર્ન સહિતની જુદી જુદી આઠ ફરિયાદો પણ કરવામાં આવી હતી. લોક ડાઉન દરમિયાન કામ-ધંધા વગરના બની ગયેલા સુરેશભાઈને વ્યાજ વટાવનું લાયસન્સ ન હોવા છતાં પણ નાણા ધીરનાર મનસુખ સવજી નકુમ તથા વસરામ કેસા પાથર દ્વારા ત્રાસ તથા મારી નાખવાની ધમકીથી કંટાળીને સુરેશભાઈ કારેણાએ ગત તારીખ બીજી જાન્યુઆરીના રોજ કોર્ટની મુદત દરમિયાન હાજરી કોર્ટમાં હાજર ન રહેવા અંગે આરોપીઓ દ્વારા આપવામાં આવેલી ધમકીથી તેણે ઝેરી દવા પી લીધી હતી. પરંતુ સમયસર સારવાર મળતા તેઓ બચી ગયા હતા. દવા પીતા પહેલા તેમણે એક ચિઠ્ઠીમાં વ્યાજખોરોના ત્રાસ અંગેની વિગતો લખીને સાચવી રાખી હતી.

આશરે આઠેક વર્ષ પહેલા પૂર્વે માત્ર ત્રણેક લાખ જેટલી રકમ વ્યાજે લઈ અને તોતિંગ રકમની ચુકવણી પછી પણ આપવાની થતી મોટી રકમનું પઠાણી વ્યાજ તેમજ ધમકી સાથે આર્થિક રીતે પાયમાલ બની ગયેલા સુરેશભાઈએ આખરે કંટાળીને ભાણવડ પોલીસ મથકમાં મનસુખ તથા વશરામ ઉપરાંત સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં આ સમગ્ર બનાવ અંગે ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેના અનુસંધાને પોલીસે આઇ.પી.સી. કલમ ૩૮૬, ૫૦૬, ૧૧૪ તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

કજુરડા ગામના પાટિયા પાસેથી જી.જે. ૧૦ બી.સી. ૫૩૫૫ નંબરના મોટરસાયકલ ઉપર જઇ રહેલા ભરાણા ગામે રહેતા અજીતભાઈ ભાયા, તેમના પત્ની આબેદાબેન તથા નવ વર્ષીય પુત્ર અનાન સાથેના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં અજીજભાઈને પગમાં ફેકચર સહિતની ઈજા ઉપરાંત બાળક અનાનને પણ પગમાં ફેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ અકસ્માત સર્જી, ઈનોવા કારનો ચાલક પોતાની કાર મુકીને નાસી છુટયો હોવાનું જાહેર થયું છે.

  યુવાનને મારી નાખવાની ધમકી

ખંભાળિયા તાલુકામાં રહેતા રાજેશભાઈ હીરાભાઈ ચોપડા નામના યુવાનને ગુરૂવારે અહીંના વડાલીયા સિંહણ ગામે રહેતા જીગ્નેશભાઈ, ભોજાભાઈ બેચર તથા દેવીબેન જીગ્નેશભાઈ અને રાજીબેન ભોજાભાઈ નામના ચાર વ્યકિતઓએ રાજેશભાઈ ચોપડા દ્વારા અગાઉ કરવામાં આવેલી ફરિયાદનું મનદુખ રાખી, લાકડી વડે બેફામ માર મારી, ઢીકાપાટુનો માર માર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

નંદાણા ગામે રહેતા ગગુ બાબુભાઈ પરમાર નામના ૩૧ વર્ષના હિન્દુ ડફેર યુવાનને પોલીસે પાસ કરવાના વગરની હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ, તેની સામે હથિયારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.

 વકીલ સહિત ત્રણ ઝબ્બે

  ખંભાળિયામાં બેઠક રોડ ઉપર રહેતા અને મામલતદાર કચેરીની બાજુમાં ઓફીસ ધરાવતા એડવોકેટ તરૂણ જયંતીલાલ વિઠ્ઠલાણીની ઓફિસમાં તરૂણ વિઠલાણી સાથે અત્રેના પેટ્રોલ પંપની બાજુમાં રહેતા શાહબાઝ અનવરભાઈ ભગાડ (ઉ.વ. ૨૯) ઉપરાંત અહીંના ધરાનગર, આશાપુરા ચોક ખાતે રહેતા શકિત વરજાંગ જામ (ઉ.વ. ૨૩) મળી આ ત્રણ શખ્સોને પોતાના મોબાઈલ ફોનમાં ચોક્કસ આઈ.ડી. મારફતે જુદી-જુદી બે ટીમો વચ્ચે મેચ રમાઈ રહેલી મેચ ઉપર ઓન લાઈન સોદા લગાવી અને હારજીત કરતા પોલીસે પકડી પાડયા હતા.

 એડવોકેટ તરુણ તથા શાહબાઝને શકિત જામ દ્વારા આઈ.ડી. આપી, પોતાના અંગત ફાયદા માટે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાતા ઓનલાઈન જુગારમાં પોલીસે રૂપિયા ૭,૭૦૦ રોકડા તથા રૂપિયા ૧૫ હજારની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા ૨૨,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારધારાની કલમ ૪-૫ મુજબ ઉપરોકત ત્રણ શખ્સો સામે ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

કલ્યાણપુરના ડાંગરવાડ ગામે જુગારના અખાડા પર દરોડો

ડાંગરવડ ગામના નગડીયા વાડી વિસ્તારમાં રહેતા લીલાભાઈ રામદેભાઈ ઓડેદરા નામના શખ્સ દ્વારા પોતાના અંગત ઼ફાયદા માટે નાલ ઉઘરાવી, રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે ગત રાત્રીના દરોડો પાડ્યો હતો.

અહીં ગંજીપત્તા વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા ડાંગરવડ ગામના લીલાભાઈ રામદેભાઈ ઓડેદરા (ઉ.વ. ૩૯), વેજા મુળુભાઈ ઓડેદરા (ઉ.વ. ૪૭), પોરબંદરના કાના હરદાસ ઓડેદરા (ઉ.વ, ૩૦), ભાણવડ ગામના રાહુલ જીવણભાઈ રૂડાચ (ઉ.વ, ૩૦) ખંભાળિયાના નાગાજણ સામત મૂન (ઉ.વ. ૩૧), દેવુ નાનશી કારીયા (ઉ.વ. ૩૧) અને ખંભાળિયાના હજામ પાડા વિસ્તારમાં રહેતા ઈકબાલ રજાક સેતા (ઉ.વ.૩૦) નામના કુલ સાત શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા. પકડાયેલા શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા ૭૮,૪૩૦ રોકડા તથા રૂપિયા અઢી લાખની કિંમતની જી.જે. ૩૭ બી. ૬૪૮૮ નંબરની ઈક્કો મોટરકાર મળી કુલ રૂપિયા ૩,૨૮,૪૩૦ નો મુદ્દામાલ કબજે ક્યો છે.

(12:47 pm IST)