Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વિંછીયાના મોટા હડમતીયા ગામે છગનભાઈ કોળી ઉપર ધારીયાથી ખૂની હુમલોઃ ડેલા ઉપર ફાયરીંગ

જયરાજ સોનારા સહિત ૭ શખ્સો સામે હત્યાની કોશિષ સહિતની કલમો તળે ફરીયાદ : સામાપક્ષે જયરાજ સોનારા ઉપર પાઈપ અને લાકડીથી હુમલો થતા રાજકોટ હોસ્પીટલમાં દાખલ : ભાગીયામાં જમીન વાવવી હશે તો રૂપિયા આપવા પડશે તેમ કહી જયરાજ સહિતના શખ્સો તૂટી પડયાઃ અગાઉ પણ આ બન્ને પરિવાર વચ્ચે ડખ્ખો થયો હતો

રાજકોટ, તા. ૧૦ :. વિંછીયાના મોટા હડમતીયા ગામે ભાગીયામાં જમીન વાવવી હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી કોળી યુવાન પર સાત શખ્સોએ કુહાડી અને ધારીયાથી ખૂની હુમલો કર્યો હતો. તેમજ બાજુમાં આવેલ ઘરના ડેલા ઉપર ફાયરીંગ કર્યુ હતું. સામાપક્ષે હુમલો કરનાર શખ્સ ઉપર પણ પાઈપ અને લાકડીથી હુમલો કરતા તેને રાજકોટ હોસ્પીટલમાં દાખલ કરાયો છે.

મળતી વિગતો મુજબ મોટા હડમતીયા ગામે રહેતા છગનભાઈ લીંબાભાઈ વાલાણી (ઉ.વ. ૩૨) તથા તેના પત્નિ બપોરે વાડીએથી ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં જયરાજ જગુભાઈ સોનારા તથા તેની સાથેના દેવીપૂજક શખ્સે ઉભા રાખી મારી બાજુની જમીન ભાગીયામાં વાવવી હશે તો મને રૂપિયા આપવા પડશે તેમ કહી છગનભાઈને બે ફડાકા માર્યા હતા. ત્યાર બાદ છગનભાઈ ઘરે હતા ત્યારે જયરાજ સોનારા, મંગળુ જગુભાઈ સોનારા, હરેશ જગુભાઈ સોનારા, મંગળુભાઈનો દિકરો ભગીરથ, મોટા હડમતીયા ગામનો દેવીપૂજક શખ્સ તથા બે અન્ય અજાણ્યા શખ્સોએ ધારીયુ, કુહાડી અને બંદુક સાથે ધસી આવેલ અને મંગળુ તથા હરેશે ઘરની દિવાલ પર ચડી હવામાં ફાયરીંગ કરેલ. તેમજ જયરાજ સોનારાએ ધારીયાથી છગનભાઈ પર હુમલો કરતા માથામાં ગંભીર ઈજા થઈ હતી ત્યાર બાદ સાતેય શખ્સોએ ફરીયાદીના બાઈકમાં તોડફોડ કરી હતી અને મારી નાખવાની ધમકી આપી જતા જતા છગનભાઈના કાકા અરજણભાઈના ઘરના ડેલા ઉપર ફાયરીંગ કર્યુ હતું. ઈજાગ્રસ્ત છગનભાઈને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત છગનભાઈ ફરીયાદ પરથી વિંછીયા પોલીસે જયરાજ સોનારા સહિત ૭ શખ્સો સામે હત્યાની કોશિષ સહિતની કલમો તળે ગુન્હો દાખલ કર્યો હતો.

દરમિયાન સામાપક્ષે જયરાજ જગુભાઈ સોનારા (ઉ.વ. ૩૫) ઉપર છગનભાઈ લીંબાભાઈ વાલાણી તથા દેવરાજ અને અન્ય બે અજાણ્યા શખ્સોએ પાઈપ અને લાકડીથી હુમલો કરતા પગમાં ગંભીર ઈજા થતા જયરાજને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડાયેલ છે. વિંછીયા પોલીસે ઈજાગ્રસ્ત જયરાજની ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. વધુ તપાસ વિંછીયાના પીએસઆઈ આર.કે. ચાવડા ચલાવી રહ્યા છે.

(11:37 am IST)