Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ગોંડલની ૯ વર્ષની ધ્વનિ માત્ર ૯૦ સેકન્ડમાં ૧૧૦ અઘરા ભાગાકાર ગણીને નોંધાવશે વર્લ્ડ રેકોર્ડસ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૦ : માત્ર ૯ વર્ષની ધ્વનિ દીપેનભાઈ વેકરિયા એ મુશ્કેલ વિષય ગણાતા મેથેમેટિકસ માં મહારથી મેળવવાનો સંકલ્પ કરી પાયાના ગણિત માં સૌથી અદ્યરા કહી શકાય એવા ગુણાકાર, ભાગાકાર ઉપર સખ્ત મહેનત વડે ગજબ ની પકડ મેળવી લીધી અને માત્ર ૯૦ સેકન્ડ માં ૧૧૦ ભાગાકાર ગણીને વર્લ્ડ રેકોડ્સ ઓફ ઇન્ડિયા માં નાની ઉંમરે નામ નોંધાવવા માટેનો સફળતા પૂર્વક પ્રયત્ન કરેલ છે.આ રેકોર્ડ માટે ધ્વનિ છેલ્લા ૬ મહિનાથી રોજની ચારથી પાંચ કલાકની તૈયારી કરતી હતી.

ધ્વનિ એ પોતાનો આ રેકોર્ડ માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેઇનર રજનીશ રાજપરા અને ઈશાની ભટ્ટના સફળ માર્ગદર્શન હેઠળ , ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ ના પ્રેસિડેન્ટ અને પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે અને નાયબ મામલતદાર મનીષભાઈ જોશી અને દિવ્યેશ સાવલિયા ની પ્રેરક હાજરીમાં કર્યો અને સફળતાપૂર્વક માત્ર ૯૦ સેકન્ડમાં ૧૧૦ ભાગાકારના દાખલા ગણી ને તેણે સાબિત કર્યું કે નાની ઉંમરે પણ મસમોટી સિદ્ઘિ મેળવી શકાય છે.

આ પહેલા પણ ધ્વનિ એ ૨૦૧૯ માં કમબોડીયા ખાતે યોજાયેલ યુસીમાસ ની મેન્ટલ એરિથમેટિક કોમ્પિટિશનમાં ચેમ્પિયન થઈ હતી.

ધ્વનિને તૈયાર કરનાર માઈન્ડ એન્ડ મેમરી પાવર ટ્રેનર રજનીશ રાજપરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે બાળકોમાં અદભુત શકિતઓ પડેલી જ હોય છે. જરૂર છે માત્ર તેમને યોગ્ય માર્ગદર્શન આપીને ધીરજ પૂર્વક તૈયાર કરવાની. જો બાળકને યોગ્ય વાતાવરણ આપવામાં આવે અને તેને યોગ્ય પ્રોત્સાહન મળે તો બાળકો કાઈ પણ સિદ્ઘિ હાંસલ કરવા માટે સક્ષમ છે. તેના પિતા દીપેનભાઈ એ પણ આ માટે ખૂબ મહેનત કરેલ છે. ધ્વનિનો આ રેકોર્ડ ફરી થી એક વખત ગોંડલને વિશ્વ કક્ષાએ મૂકી દેશે અને ભગવતભૂમિ ગોંડલ નું ગૌરવ વધારશે.

(10:58 am IST)