Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

વર્તમાન સમયમાં દેશમાં પ્રવર્તતી સમસ્યાઓ અને તેનું સમાધાન કેમ લાવી શકાય? આવા સાંપ્રત વિષય પર મોરબીના અગ્રણી ઉધોગપતિ જયસુખભાઇ પટેલે પોતાના પુસ્તકમાં સચોટ ઉકેલ બતાવ્યા.

વિકાસ માટે જમીન સંપાદનની નવી પદ્ધતિ અપનાવી સંઘર્ષ વગર જમીન મેળવવાનો વ્યવહારુ ઉકેલ આપતા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ:

dir="ltr"> મોરબી :આપણા દેશને વિશ્વના ભાગ્યવિધાતા બનવામાં શું નડે છે? ભ્રષ્ટાચાર, બેરોજગારી, આતંકવાદ,અનામત, કુદરતી હોનારતો, સરકારી નીતિઓ સાથે લોકોની સંકુચિત માનસિકતા તો ખરી જ! આ સમસ્યાઓ જો અસ્તિત્વમાં હોય તો તેના સમાધાન પણ હોવાના જ! મોરબીના ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખભાઇ પટેલ કે જેઓ કાબેલ, સફળ અને અભ્યાસુ ઉદ્યોગપતિ છે, તેઓએ પોતાના પુસ્તક ‘સમસ્યા અને સમાધાન’માં સામાન્ય પ્રજાજનોને લગતી મુશ્કેલીઓના હટકે ઉકેલ વિગતવાર આપ્યા છે.
આ પુસ્તકમાં તેમણે સૂચવેલા ઉપાયોનું અમલીકરણ થાય તો એટલી વાત ચોક્કસપણે કહી શકાય કે જીવનમાં જ્યાં છે ત્યાંથી એક કદમ આગળ જરૂર વધશે. શાસકને પોતાના ક્ષેત્રની પ્રગતિ માટે પુસ્તક મદદરૂપ બનશે. એટલે જ જયસુખભાઈ પટેલ પુસ્કતકમાં પોતાની વાત રાખતા કહે છે કે પુસ્તકમાં દર્શાવેલા વિચારોની પૃષ્ઠભૂમિ કાયમ ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ની જ રહી છે!

આ પુસ્તક અંગે ક્રમશઃ અલગ અલગ વિષયો ઉપર વાત કરી શકાય એમ છે ત્યારે પ્રારંભિક તબક્કે વિકાસ માટે જમીન સંપાદનની નવી પધ્ધતિ અપનાવીએ તો સંઘર્ષ વગર જમીન મળી શકે તે વિષય ઉપર વાત કરી દેશની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ કરી શકાય એમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેની વિગત જાણીને પોતાના પ્રધાનને તેના પર ગંભીરતાથી વિચારીને અમલ કરવાનું સૂચવેલું છે, એ જમીન સંપાદનની નવી અને અસરકારક ફોર્મ્યુલા એવી છે કે, સરકાર અને ખેડૂત તેમજ જમીનમાલિકોના સંઘર્ષ સુખદ બની જાય તેવો ઉકેલ આ પદ્ધતિમાં અપાયો છે.

રાષ્ટ્રનો વિકાસ તેનું આંતરમાળખું કેટલું સારું અને સુદ્રઢ છે, તેના પર આધારિત છે. આંતરમાળખામાં ટ્રાન્સપોર્ટ, રોડ, રેલ્વે, એરપોર્ટ, બંદર, નહેર, ડેમ, વીજળી વગેરે આવી જાય. આ આંતરમાળખાકીય સુવિધાના વિકાસ અને વિસ્તરણ માટે જમીનની જરૂરત રહે છે. જમીનના માલિક પાસેથી જમીન સંપાદન કરવી ખૂબ અઘરી બાબત છે. ભારત દેશની વાત કરીએ તો સરકાર જ જમીનની માલિક છે. જમીનદાર, ખેડૂતો તો માત્ર અને માત્ર તેના લીઝ હોલ્ડરો છે. ખેડૂતો અને જમીનદારો આ વાત વિસરી ગયા છે. પણ જયારે જયારે રોડ, રેલ્વે, એરપોર્ટ, બંદર, નહેર, ડેમ, વીજળી વાયરના થાંભલાની સુવિધા ઉભી કરવા જમીન સંપાદન કરવાની વાત આવે છે ત્યારે સરકાર અને ખેડૂત, જમીન માલિક વચ્ચે સંઘર્ષ સર્જાય છે અને યોજના ખોરંભે પડે છે.
આજે ભારતમાં જમીન સંપાદન પદ્ધતિમાં પરિવર્તન કરવાની જરૂર છે. હાલમાં જમીન સંપાદન પદ્ધતિમાં રોડ કે રેલ્વે ટ્રેકની બન્ને બાજુની નજીકની ૧૦૦ ટકા જમીન સંપાદિત કરવામાં આવે છે. ૧૦૦ ટકા જમીન કપાત થઈ જતી હોવાથી જમીન માલિક ખૂબ જ નારાજ થાય છે કારણ કે તેની સંપાદન થયેલી જમીનમાંથી જે રોડ, રેલ્વે, કેનાલ નીકળે છે, તેનો ભવિષ્યમાં વિકાસ થશે ત્યારે તેનો કોઈ જ બેનિફીટ તેને મળતો નથી. વિકાસ થવાના કારણે જમીનની કિંમત ઉંચકાશે તેનો પણ લાભ તેને મળશે નહી. આ કારણસર આજે ભારતમાં જમીન સંપાદન માટે લોકો તૈયાર થતાં નથી અને લીગલ ઈસ્યુ, કોર્ટમાં સ્ટે, સરઘસો, આંદોલન વગેરે થવા લાગતાં જમીન સંપાદનની પ્રક્રિયામાં ખૂબ જ સમય લાગે છે અને કાનુની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ હાલની આપણી જમીન સંપાદન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવે તો ખેડૂતો, જમીન માલિકો રાજીખુશીથી અને કદાચ વિનામૂલ્યે જમીન આપવા તૈયાર થઈ જાય. કદાચ ખેડૂતો, જમીન માલિકો સામેથી સરકારને રજૂઆત કરે કે અમારી જમીન સંપાદન કરો!

હાલની જમીન સંપાદન પદ્ધતિમાં થોડોક જ ફેરફાર કરવામાં આવે તો જમીન સંપાદિત કરવામાં ઘણી જ સરળતા થઈ જાય. જેમાં એક જ જમીન માલિકની ૧૦૦ ટકા જમીન સંપાદન કરવાના બદલે જયાંથી રોડ, કેનાલ, રેલ્વે નીકળવાની શકયતાઓ છે, તેના સેન્ટરથી બન્ને બાજુ એક કિલોમીટર સુધીમાં જુદા-જુદા જમીનમાલિકો પાસેથી ૩ ટકાથી લઈને ૧૨ ટકા સુધીની જમીન સંપાદન કરવી જોઈએ. જેના રેશિયોની વિગત પુસ્તકમાં આપેલી છે.
પુસ્તકમાં દર્શાવેલી પદ્ધતિથી જમીન સંપાદન કરવામાં આવે તો પ્રોજેકટ મુજબની જરૂરી જમીન આસાનીથી સંપાદિત થઈ શકે અને જમીન માલિકો સામે ચાલીને પોતાની જમીન આપવા તૈયાર થશે! તેના રસપ્રદ કારણો જાણવા હોય તો પુસ્તક વાંચવું જોઈએ. અને જમીન સંપાદિત કરવાના પ્રકારોને સ્પષ્ટ રીતે સમજવા જમીનની માપણી સાથેનું ચિત્ર પણ પુસ્તકમાં આપેલું છે.
આપણા દેશમાં રોડ ડેવલપ કરવા ઘણા જ અગત્યના છે. આપણે વર્ષોથી ‘રોડ’ બનાવીએ છીએ. સિંગલ રોડ હોય તેને ડબલ કરીએ છીએ અને ડબલ હોય તેને થ્રિ લાઈન કરીએ છીએ. થ્રી લાઈન હોય તેને ફોર લાઈન, ફોર લાઈન હોય તેને આપણે સિકસ લાઈન કરીએ છીએ. આપણા દેશમાં લગભગ ૫૦ વર્ષથી આ મુજબ રોડનું ડેવલપમેન્ટ થાય છે. જે રોડ હોય તેને જ બેથી પાંચ વર્ષ પછી મોટા કરતાં જઇએ છીએ, જે એક સામાન્ય વાત છે. આપણે કયારેય પણ નવા લોકેશન ઉપરથી નવા રોડ બનાવવાનું પ્લાનિંગ કરતાં નથી, કારણ કે ‘લેન્ડ સંપાદન’ના મોટો ઈસ્યુ ઊભો થતો હોય છે. પરંતુ જો આપણે થોડુંક વિચારીએ તો દર વખતે રોડ મોટા કરવા માટે જૂના રોડ, નાળાં, બ્રીજ વગેરેને નકામા કરીને નવા બનાવીએ અને કરોડો રૂપિયા ખર્ચીને જુના રોડ હોય તેને જ તોડીને નવા બનાવવા માટે બીજા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે!
આપણી હાલની જમીન સંપાદન પદ્ધતિમાં જો સામાન્ય ફેરફાર કરીએ તો દેશને કરોડો રૂપિયાનો ફાયદો થાય. લોકોને પણ સરળતા રહે. જમીન સંપાદન માટેના ઓરેવા-અજંતા ગ્રુપ ઓફ કંપનીના જયસુખભાઈ ઓ. પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ રજૂ કર્યા ત્યારે વડાપ્રધાનએ પ્રતિપ્રશ્ન કર્યો કે, ‘આપણે જમીન સંપાદનની આ સરળ પધ્ધતિ કેમ અપનાવતાં નથી?!’ તેઓએ કેન્દ્રીય વાહન વ્યવહાર અને હાઇવે મંત્રી નિતિન ગડકરીને જમીન સંપાદનની આ પદ્ધતિ અંગે મારી સાથે ચર્ચા કરી અમલ કરવાનું પણ સૂચવેલું!

આજે આપણા દેશમાં બનેલાં ડેમોમાંથી લાખો કિલોમીટરની કેનાલો માટે વર્ષો પહેલાં જમીનો સંપાદન કરવામાં આવી હતી. આ કેનાલો બનાવવામાં આવી ત્યારે મેન્ટેનન્સ, ઓપરેશન અને સિકયોરિટી માટે બન્ને બાજુએ વધારાની જમીન સંપાદન કરવામાં આવેલી. આજે પણ દેશભરમાં આવી સંપાદન કરેલી જમીનો ખાલી પડી છે અને તેનો ઉપયોગ ફક્ત કેનાલો માટે જ કરવામાં આવે છે. જો આ ફાજલ જમીનનો નવા રોડ બનાવવા માટે ઉપયોગ કરીએ તો દેશભરમાં નવા રોડ મળશે, નવુ ડેવલપમેન્ટ આવશે. રોડ ટચ નવી લેન્ડ બેંક ઊભી થશે. ગ્રામ્ય વિસ્તારના લોકોને રોડની નવી કનેકટીવિટી મળશે. ગ્રામ્ય વિસ્તારમાં રોડ આવવાથી નવી રોજગારી આવક નિર્માણ થશે, સરકારને નવી લેન્ડ સંપાદનની કોસ્ટ, સમય, પ્રોસિઝર અને લિગલ પ્રોસેસમાંથી પસાર થવું પડશે નહીં, અને સાથોસાથ કેનાલોનું ઓપરેશન, મેન્ટેનન્સ, સિકયોરીટી માટે જે આજે પ્રશ્નો છે તે ખૂબ જ હળવા થશે અને દેશભરમાં લાખો કિલોમીટરના નવા રોડ મળશે.
આપણે બધા જાણીએ છીએ કે દેશભરમાં જુના રોડ વિલેજ, સિટી પાસેથી અથવા વચ્ચેથી પસાર થતા હોય છે. તેના કારણે ઓવરબ્રીજ, ફ્લાય ઓવર, રોડ ડિવાઈડર બનાવતી વખતે ગામ કે શહેર પાસે પણ ટ્રાફિક જામના પ્રોબ્લેમો આવતા હોય છે. પરંતુ જો આપણે નવી સંપાદન પદ્ધતિ અપનાવીને નવા લોકેશનો પર રોડ બનાવીએ તો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા જૂના રોડને તોડીને નવા રોડ ન બનાવવા પડે અને તેના અનેક ફાયદાઓ થાય, જે જાણવા પુસ્તકના પાના ઉથલાવવા જેવા ખરા!…
(5:05 pm IST)