Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

કોરોનાના કહેર વચ્ચે નેતાએ લોકોને મેરેથોનમાં દોડાવ્યા

વેરાવળ ખાતે મેરેથોન દોડ યોજાઈ હતી : વેરાવળ ખાતે આ મેરેથોન દોડનો પ્રારંભ સાંસદ રાજેશ ચુડાસમાએ કરાવ્યો હતો, જેમાં હજારો લોકો જોડાયા હતા

વેરાવળ, તા.૯ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કોરોનાની સ્થિતિને જોતા પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યાં છે, તેમજ અનેક મોટા સરકારી કાર્યક્રમો પણ રદ કરાયા છે. આવામાં નેતાઓ કેમ સુધરતા નથી. હજી પણ નેતાઓ જનમેદની એકઠી કરીને લોકોનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. ગીર સોમનાથના વેરાવળમાં કોરોનાની દોડનો વીડિયો સામે આવ્યો છે. વેરાવળ ખાતે મેરેથોન દોડ યોજાઈ હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા. પરંતુ નિયમોનો સત્યાનાશ કરીને મેરેથોન દોડ યોજાઈ હતી. હકીકત તો એ છે કે, સાસંદ રાજેશ ચુડાસમાની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા. રાજ્યમાં કોરોનાના કેસ નો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આવામાં સાવધાની રાખવી જરૂરી છે. સરકાર ખુદ લોકોની સાવધાની રાખવાની સલાહ આપે છે, પરંતુ સરકારના નેતાઓ જ આ નિયમો ભૂલી જાય છે. વેરાવળની ચોપાટી ખાતે મેરેથોન દોડનું આયોજન કરાયુ હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા આ મેરેથોન દોડનું આયોજન કરાયુ હતું. જેમાં હજારો સંખ્યામાં સ્પર્ધકો ઉમટી પડ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે, આ મેરેથોન દોડનો પ્રારંભ સાંસદ રાજેશ ચુડાસમાએ કરાવ્યો હતો.  એક તરફ રાજ્યમાં કોરોનાના દૈનિક ૫ હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે, તેવામાં આવા દ્રશ્યોને લીધે અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ દોડમાં ગીર સોમનાથ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ સ્પર્ધકો જોડાયા હતા. હજારોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વડીલો આ દોડમાં જોડાયા હતા. જેમનુ સ્વાસ્થય જોખમમાં મૂકાયુ હતું. ખુદ સાંસદ નિયમોના ધજાગરા ઉડતા પોતાની આંખે જોતા રહ્યા, પણ તેમણે કોઈ પગલા ન લીધા.

નિયમોનો સત્યાનાશ કરીને મેરેથોન દોડ યોજાઈ હતી. સાસંદ રાજેશ ચુડાસમાની હાજરીમાં નિયમોના ધજાગરા ઉડ્યા હતા. વેરાવળ ખાતે યોજાયેલા મેરેથોન બાદ શરૂ થયેલ વિવાદ બાદ પણ વેરાવળ ચોપાટી ખાતે હજારોની સંખ્યામાં સ્પર્ધકો અને આયોજકોનું સેલિબ્રેશન ચાલુ રહ્યુ હતું. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ધજાગરા ચારેતરફ ઉડતા જોવા મળ્યાં.

(7:59 pm IST)