Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ભણે ગુજરાત !! : ધોરાજીની શાળા નંબર-14 છેલ્લા 40 વર્ષથી રોડ પર કોમર્શિયલ દુકાનોમાં ચાલે છે

અહીં ૧૮૨થી વધુ વિદ્યાર્થીઓ ૧ થી ૮ ધોરણ સુધી અભ્યાસ કરી રહ્યા છે.

સરકાર દ્વારા સૂત્ર અપાયું છે "પઢે ગુજરાત, બઢે ગુજરાત" પરંતુ આ સૂત્ર પોકળ સાબિત થતું હોય તેવું રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જોવાયુ છે અહીં સરકારી શાળા નંબર - ૧૪ એ છેલ્લા ૪૦ વર્ષથી રોડ ઉપર આવેલ કોમર્શિયલ દુકાનોમાં ચાલે છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કુંભારવાડા વિસ્તારમાં શાળા નંબર / ૧૪ આવેલ છે. અહીં ૧૮૨થી પણ વધારે વિદ્યાર્થીઓ ૧ થી ૮ ધોરણ સુધી અભ્યાસ કરી રહ્યા છે.

 આ શાળા નંબર ૧૪ ૧૯૭૩થી શરૂ થઇ અને છેલ્લા ૪૦ વર્ષથી હાલ જ્યાં ચાલે છે તે ધોરાજીના સ્વામીનારાયણ મંદિરની કોમર્શિયલ દુકાનોમાં જ ચાલે છે. આ દુકાનો કુંભારવાડાના મેઈન રોડ ઉપર આવેલ છે. અહીંથી સતત સામાન્ય લોકોની અને વાહનોની અવર જવર ચાલુ જ હોય છે. આ દુકાન શાળા રોડ ઉપર જ હોય, જેથી પશુઓની રંજાડ પણ હોય છે. માત્ર ૧૦ બાય ૧૨ના રૂમો કે જેમાં હવા ઉજાસ માટે કોઈ બારી પણ નથી. તેવા લોખંડના શટ્ટરવાળી દુકાનોમાં બેસીને આ બાળકો અભ્યાસ કરે છે.

છેલ્લા ૪૦ વર્ષથી ૯ જેટલી દુકાનોમાં ચાલી રહેલ આ શાળાએ ધોરાજી શહેરના મધ્યમાં આવેલી છે. નવી શાળા બનાવવાની જવાબદારી સરકારી તંત્રની હોય છે, પરંતુ તંત્રને વહી ગયેલ ૪૦ વર્ષમાં શાળા માટે હજુ સુધી કોઈ યોગ્ય જમીન કે જગ્યા મળી નથી. જવાબદાર અધિકારી હજુ પણ બેજવાદારી પૂર્વક નિંભર રીતે જવાબ આપતા જણાય છે. જયારે શાળાના શિક્ષકોએ તો આ બાબતે કંઈપણ કહેવાનો નનૈયો કર્યો હતો. જાહેર રોડ ઉપર આવેલ દુકાનોમાં બેસીને અભ્યાસ કરતા આ નાના બાળકોનો અવાજ છેલ્લા ૪૦ વર્ષથી કોઈ સરકારી અધિકારી કે નેતાના કાને સંભળાતો નથી. કોઈ પણ સુવિધા વગર અભ્યાસ કરતા આ વિદ્યાર્થીઓને જોતા પ્રશ્ન થાય કે "ઐસે પઢેગા ગુજરાત, તો કૈસે બઢેગા ગુજરાત" ?

(9:07 pm IST)