Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

દેવભૂમિ દ્વારકાના સાની ડેમ નવો બનાવવા રૂ ૨૨૨૭.૫૦ લાખ ફાળવ્યા છેઃ ધારાસભ્ય માડમના પ્રશ્નને લઇ વિધાનસભામાં માહીતી અપાઇ

જામનગર તા ૧૦  : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલ સાની ડેમ હાલમાં ખુબજ જર્જરીત થઇ જતાં તથા આ ડેમના દરવાજા પણ ખુલ્લ-બંધ ચોમાસાની ઋતુ દરમ્યાન નહી થતા હોવાથી મહામુલુ વરસાદી પાણી ડેમમાંથી લીકેજ થઇ ચાલ્યું જતું હોવાથી સરકારશ્રીએ આ ડેમને ફરીથી જયાં છે તે જ જગ્યાએ નવો ડેમ બનાવવાનું નક્કી કરવામાં આવતાં વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન આ સાની નદી ઉપરનાં સાની ડેમ સબંધમાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમે કેટલાક પ્રશ્નો ઉઠાવવામાં આવેલ હતા.

જેમાં મુખ્યત્વે તા. ૧૫/૦૯/૨૦૧૯ ની સ્થિતીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સાની ડેમ તોડીને નવો બનાવવાની કામગીરી કયા તબક્કે છે, તેમજ ઉકત કામગીરી કેટલી રકમના ખર્ચે કયાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને ઉકત ડેમની કામગીરી કઇ એજન્સીને કયારે આપવામાં આવેલ છે ?

ધારાસભ્યશ્રી વિક્રમભાઇ માડમ દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નના ઉતરમાં આ વિભાગનો હવાલો (જળસંપતિ વિભાગ) સંભાળતા મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભામાં જણાવવામાં આવેલ છે કે, (૧) સાની ડેમને નવો બનાવવાના અંદાજ પત્રકને તા.૦૭/૦૯/૨૦૧૯ થી રકમ રૂા ૨૨૨૭.૫૦ લાખની વહીવટી મંજુરી આપવામાં આવેલ છે. તાંત્રીક મંજુરી દરખાસ્ત તથા ડેમના આનુસંગીક ભાગોના નકશા/ડીઝાઇન પ્રગતિ હેઠળ છે. (ર) ઉકત કામગીરી માટે રૂા ૨૨૨૭.૫૦ લાખની વહીવટી મંજુરી મળેલ છે. ટેન્ડર પ્રક્રિયાનું આખરીકરણ થયે કામ પૂર્ણ થયાનાં સમયની જાણ થશે. અને (૩) ઉકત કામના ટેન્ડરનું આખરીકરણ થયે એજન્સી નક્કી કરવામાં આવશે તેમ જણાવેલ.

ઉપર મુજબની વિગતે ધારાસભ્ય વિક્રમભાઇ માડમનાં કાર્યાલયની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

(12:54 pm IST)