Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

તુર્કીસાહેબનો સિલ્વર જયુબિલી ઉર્ષ

રાજકોટમાં જેલવાસ ભોગવનાર મુસ્લિમોના વડા ધર્મગુરૂ અને અનેક લોકોની સાંત્વના સમા : જેઓની દ્વારે આજે પણ સૌરાષ્ટ્રનો સુન્ની મુસ્લિમ સમાજ અશ્રુભેર હાજરી આપી યાદ કરે છે : રપ વર્ષ પહેલા પાંચ કી.મી. સુધી જનાઝો ચાલેલ !

રાજકોટ, તા.૧૦ : સૌરાષ્ટ્રના સુન્ની મુસ્લિમોના વડા અને માત્ર ટૂંકા નામે મશ્હુર 'હઝરત તુર્કીબાપુ'નો આજે રપમો 'સિલ્વર જયુબિલી ઉર્ષ' રાજકોટ ખાતે મનાવવામાં આવનાર છે. તેઓ ગત તા. ૧૦-૧૦-૧૯૯પના મંગળવારના રોજ વ્હેલી સવારે આ દુનિયાથી કૂચ કરી ગયા ત્યારે સૌરાષ્ટ્રનો સુન્ની મુસ્લિમ સમાજ ભારે શોકમાં ડૂબી ગયો હતો. જયાં આજે પણ રાજકોટ ખાતે આજીડેમ સર્કલ પાસે આવેલી તેઓની દરગાહે દર વર્ષે ઇસ્લામી પંચાંગના પાંચમા મહિના જમાદ્દી ઉલ અવ્વલની ૧પમી તારીખે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને અશ્રુઓ સારી સારીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી યાદ કરે છે.

નમુનાએ અસ્લાફ, રહેબરે તરીકત, મુઝાહિંદે સૌરાષ્ટ્ર હઝરત અલ્લામા મૌલાના મોહંમદ ઇબ્રાહિમ તુર્કી સાહેબ મૂળ વેરાવળના વતની હતાં અને પ્રથમથી જ ઇલ્મ (જ્ઞાન) તરફ દીલચશ્પી હોય અંતે તાલીમ મેળવીને મહાન આલિમ બન્યા હતા. તેઓને ૧૯૭૪માં શહેઝાદાએ આ'લા-હઝરત હુઝુર મુફતી-એ-આ'ઝમે હિન્દ એ ખિલાફત અર્પણ કરી હતી.

વેરાવળમાં તેઓને તે સમયમાં નાની વયમાં કોઇએ બિન સુન્નીઓના મદ્રસામાં તાલીમ માટે બેસાડી દીધેલ, પરંતુ બિન સુન્નીઓના અકિદા (ધાર્મિક માન્યતા)ઓ બરાબર નથી અને બેતરફી છે તેવું તેઓને ધ્યાનમાં આવી જતા તેઓએ એક દિ' તેઓના ઉસ્તાદ (શિક્ષક)ને પૂછતા તેમના ઉસ્તાદે પણ જો આમ નહિ કરીએ તો આપણે કેમ ચાલીશું તેમ કહી બેધારી ચાલનો ગોળમટોળ જવાબ આપતા તેઓએ ત્યાંથી મદ્રેસો છોડી દીધો હતો. અને ત્યારબાદ તેઓએ સુન્ની અકાબીરો અને ઓલમાઓના લખેલા પુસ્તકો મોટી સંખ્યામાં વસાવ્યા અને મસ્લકે આલા-હઝરનો પ્રચાર શરૂ કરી બિન સુન્નીઓ સામે મેદાને પડયા તે જીંદગીના અંતિમ ક્ષણ સુધી ચાલ્યું અને જયાં પણ જરૂર પડે ત્યાં એકલા હાથે તેઓએ ઝઝુમી સુન્નીયતને મજબૂત બનાવવા ભારે ચવળવળ ચલાવી હતી. સુન્નીયતનો પ્રચાર પ્રસાર મજબૂત બનાવ્યો હતો.

એટલું જ નહિ પોતે આલિમ બની ગયા પછી ભાણવડ, વેરાવળ, જુનાગઢ, પોરબંદર અને રાજકોટ ખાતે ઇમામત ફરમાવી હતી અને જે જે જગ્યાએ મસ્જીદોમાં રહ્યાં ત્યાં કોઇ સ્થળે પગારની વાત કરી ન હતી અને પોતાને જે કંઇ મળી રહેતું તેમાંથી તેઓનું જીવન ગુઝારતા હતાં.

 એક મુજાહિદે સૌરાષ્ટ્ર બન્યા અને સુન્નીયતને મજબૂત બનાવવા સંકલ્પ અને તેને જ જીંદગીનો ધ્યેય બનાવનારા સુફીએ  બા સફા હઝરત  પીર મોહંમદ ઇબ્રાહીમ તુર્કી સાહેબ (કાદરી, બરકાતી, રઝવી, નુરી)એ ી કેટલાક વર્ષો પહેલા ભારત સરકારે નસબંધીની જાહેરાત કરેલ તે સમયે તેઓએ મુસ્લિમોએ નસબંધી નહિ કરાવવી તેવો ધાર્મિક ફતવો આપતા તેઓની રાજકોટમાં અટક થઇ હતી અને જેલવાસ ભોગવ્યો હતો.

એક અંદાજ મુજબ ૮૬ વર્ષની ઉંમરે પહોંચ્યા બાદ  તેઓ પથારીવશ થઇ ગયા હતાં અને અતિ બિમાર રહેતા હતા, આમ છતાં તેઓની ઇબાદત કયારેય છૂટી ન હતી. તેઓ મારેહરા શરીફના મહાન બુઝુર્ગ તાઝુલ ઓલમાના વાલિદે મહોતરમ કિબ્લા મહેમુદમીંયા  સાહેબ (અલૈહિર્રહમા)થી મુરીદ-બૈઅત થયા હતાં.

સૌરાષ્ટ્રભરમાં હજારો અનુયાયીઓ (મુરીદો) છે. ખાસ કરીને તેઓ પોરબંદર, જામનગર, વેરાવળ અને રાજકોટમાં વધુ દિવસો ગાળ્યા હતાં. આ સ્થળે તેઓના મુરીદો પણ વધુ છે.

સતત બિમાર રહેવા  છતાં તેઓ સુન્નીયતના પ્રચારમાં બહારગામ જતાં રહેતા હતાં. વફાતના બે દિ' પહેલા ગોંડલ બે દિ'નો મુકામ કરી રાજકોટ પોતાના નિવાસે તા. ૯ને સોમવારે સવારે ૧૧-૩૦ વાગ્યે આવેલ અને રાત્રે નમાઝ પઢી સુતા હતાં અને રાત્રે ૩-૩૦ વાગ્યે નમાઝ પઢવા માટે ઉઠેલ ત્યાં જ અચાનક તેઓએ આંખો બંધ કરી લીધી હતી. અને મંગળવારે જ રાત્રે ૧૧-ર૦ મીનીટે તેઓને દફન કરી દેવામાં આવ્યા હતાં.

તેઓના શોકમાં હજારો સુન્ની મુસ્લિમોએ આંસુ સાર્યા બાદ પોતાના આ અડીખમ યોદ્વાના અંતિમ દિદાર માટે તેઓના નિવાસ સ્થાન તુર્કી મંઝીલ, હુસેની ચોક, રામનાથપરા ખાતે ભારે ધસારો થયો હતો. એ સમયે રાત્રીના ૮ વાગ્યે જનાજો નિકળ્યો હતો ત્યારે હજારો સુન્ની મુસ્લિમોએ મખ્દુમે  સૌરાષ્ટ્ર ઝીંદાબાદના નારા અને કલમા-દરૂદના પઠન સાથે રૂદન કરતા કરતા આગળ વધેલ જે અલકા'બા મસ્જીદ, કુંભારવાડા મેઇન રોડ, કેનાલ રોડ, જીલ્લા ગાર્ડન, બાપુનગર, ૮૦ ફુટ રોડ, ફિલ્ડ માર્શલ ચોકડી અને હાઇવે ઉપર થઇ અવ્વલ મંઝીલે ઘાંચીની વાડીએ પહોંચ્યો હતો.

હઝરત તુર્કી બાપુના એકમાત્ર સુપુત્ર મૌલાના મર્હુમ  નુરમોહંમદ બાપુ (વેરાવળ)ની પરવાનગીથી હઝરત તુર્કી બાપુની જનાઝાની નમાઝ તેઓના સાથીે અમીરે અહેલે સુન્નત હઝરત કિબ્લા નુરમોહંમદ બાપુ મારફાની ખલીફ એ-મુફતીએ આ'ઝમ હિન્દ (જુનાગઢ) એ રહેબરે કૌમ ખલીફ-એ-હુઝુર અઝહરીમીંયા  અને તેઓના જ  બીજા  આધ્યાત્મિક સુપુત્ર હઝરત કિબ્લા હાજી અલી મુહમ્મદ ખત્રી  સાહેબ  (પોરબંદર)ના નેતૃત્વમાં પઢાવી હતી. જયારે ગુસલ શરીફ હાજી અલી મુહમ્મદ ખત્રી સાહેબ એ આપેલ હતું એ પૂર્વ કબ્ર શરીફ તૈયાર થઇ જતાં તમાં અંદર ઉતરીને મૌલાના નુરમોહંમદ મારફાનીએ તિલાવત કરી હતી.

અત્રે એ નોંધનીય છે કે હઝરત તુર્કી સાહેબ (રહે.)ને જેમની ઉપર માન હતું અને પોતાના આધ્યાત્મિક સુપુત્ર હોવાનું જાહેર એલાન કરેલ તે ફાતેહ સૌરાષ્ટ્ર હઝરત મૌલાના મુહમ્મદ ઇસ્હાક સાહેબ ખત્રી (રહે.)નો ૭ મહિના પહેલા જ સિલ્વર જયુબિલી ઉર્ષ ઉજવાયો હતો ત્યાં જ ઇસ્લામી પંચાંગ પ્રમાણે ખલીફ-એ-તાજુલ ઉલેમા હઝરત મૌલાના તુર્કીસાહેબ (રહે.)ને રપ વર્ષ પૂરા થતાં આજે તેઓનો સિલ્વર જયુબિલી ઉર્ષ ઉજવાશે.

(12:53 pm IST)