Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

ગોંડલ તાલુકાના લોકોને દાખલો કાઢી દેવા માટે સરકારી તબીબની ચોખ્ખી ના

ગોંડલ,તા.૧૦: ગોંડલ સરકારી દવાખાને લોકોને પેન્શન માટે ઉંમર નો દાખલો અને વિકલાંગ લોકોને વિકલાંગ નો દાખલો કાઢી દેવા માટે સોમવાર તેમજ ગુરૂવાર સવારે ૧૧ થી ૧૨ એક જ કલાકનો સમય નક્કી કર્યો હોય અને આ સમયે પણ સરકારી તબીબ દ્વારા લેખિતમાં દાખલો કાઢી આપવાની ના પાડી દેવાતા લોકોમાં વ્યાપક રોષ ફેલાવા પામ્યો છે.

વ્યાપક પ્રમાણમાં થયેલ ફરિયાદને લઇ તાલુકાના ભરૂડી ગામના ઉપસરપંચ હરિશ્યંદ્રસિંહ જાડેજા દિગ્વિજય સિંહ જાડેજા સહિતનાઓ સરકારી દવાખાને દ્યસી આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે નાની હા ન કરતા મામલો હોસ્પિટલના અધિક્ષક સુધી પહોંચ્યો હતો અને અધિક્ષકના સૂચના બાદ ફરજ પરના તબીબે પરાણે હા ભણતા હાલ તુરંત મામલો શાંત પડ્યો હતો.

આ તકે દાખલો કઢાવવા માટે હોસ્પિટલ પટાંગણમાં એકત્રિત થયેલા લોકોએ રોષ સાથે જણાવ્યું હતું કે દાખલા કઢાવવા માટે દૂર ગામડેથી વહેલી સવારના સાત વાગ્યાથી આવી જઈએ છીએ અને લાઈનમાં ઉભા રહીએ છીએ અને જયારે વારો આવે ત્યારે તબીબ મનમાની કરી રહ્યા છે જો આ બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

(11:38 am IST)