Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

જેન્તી ભાનુશાલી હત્યા કેસઃ પિતાનું અવસાન થતા છબીલ પટેલને પેરોલ, મનજીબાપુને સમન્સ

ભુજ,તા.૧૦:  જેન્તી ભાનુશાલીના હત્યાના બનાવને એક વર્ષ પૂર્ણ થયું છે. તે વચ્ચે ફરી એકવાર આ બનાવમાં મનજીબાપુને અપાયેલા સમન્સને પગલે ચર્ચા જાગી છે. ભુજ નલિયા વચ્ચે આવેલ રાતા તળાવ મધ્યે ગૌ સેવાની ધૂણી ધખાવનાર મનજી બાપુ અબડાસાના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. છબીલ પટેલ, જેન્તી ડુમરા અને જેન્તી ભાનુશાલી એ બધા સાથે નિકટના સંબધો ધરાવનાર મનજી બાપુનું નામ હત્યા બાદ સમાધાનની ભૂમિકા માટે ચર્ચામાં આવ્યું હતું. જેન્તી ભાનુશાલીની હત્યા થઈ મુખ્ય આરોપી તરીકે છબીલ પટેલ અને ત્યારનાદ જેન્તી ડુમરા ઝડપાઇ ગયા. હવે, સીટ દ્વારા મનજીબાપુને બબ્બે વખત સમન્સ મોકલવાની વાત ચર્ચામાં આવી છે. અત્યારે એવી વાત પણ વહેતી થઈ છે કે, મનજી બાપુ અને જેન્તી ભાનુશાલી વચ્ચે પણ જમીનના મુદ્દે વિવાદ હતો. જોકે, મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉ સાથે જેન્તી ભાનુશાલીનું સમાધાન કરાવવા મનજી બાપુએ પ્રયત્નો કર્યા હતા. સમન્સ અને વધુ પૂછપરછની ચર્ચા વચ્ચે છબીલ પટેલને ૧૫ દિવસના પેરોલ જમીન પર મુકત કરાયા છે. પોતાના પિતા નારણભાઈનું અવસાન થતાં છબીલ પટેલે જમીન માટે અરજી કરી હતી.

(11:37 am IST)