Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

૧૮મીથી પૂ. મોરારીબાપુના વ્યાસાસને વિરપુર (જલારામ)માં શ્રીરામ કથા

દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશેઃ તડામાર તૈયારી

રાજકોટ,તા.૧૦: પુ.જલારામ બાપાના ધામ એવા વીરપુર ગામે  પુ. મોરારીબાપુના સાંનિધ્યમાં શ્રીરામ કથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. અન્નક્ષેત્ર દ્વીશતાબ્દી મહોત્સવ અંતર્ગત આ ધાર્મિક આયોજન થયું છે.

માતૃશ્રી વીરાબાઇમાં અને પુ.જલારામબાપાના સેવાધર્મની ૨૦૦ વર્ષથી સતત પ્રજવલીત જ્યોતની ઉજવણીના ભાગરૂપે ભજન અને ભોજનના પ્રયાગ, વીરપુર મુકામે પુ.મોરારીબાપુના શ્રી મુખેથી રામકથાનું આયોજન તા. ૧૮ જાન્યુઆરીથી તા. ૨૬ જાન્યુઆરી સુધી કરવામાં આવ્યું છે.

શ્રી રઘુરામભાઇ જે ચાંદ્રાણી પરીવાર આયોજીત આ રામકથામાં પુ.મોરારી બાપુના સાનિધ્યમાં વિવિધ પ્રસંગો ઉજવવામાં આવશે. ધર્મપ્રેમી ભાઇ બહેનોને પુ.બાપુની વાણીનો લાભ મળશે. જલીયાણધામ વીરપુર દ્વીશતાબ્દી મહોત્સવ અંતગર્ત તા. ૧૮જાન્યુઆરી શનિવારના રોજ સાંજે ૪ વાગ્યાથી રામકથાનો શુભારંભ થશે.

તા. ૧૯થી ૨૬ જાન્યુઆરી દરમિયાન સવારે ૯:૩૦ થી વીરપુર મુકામે ગોંડલ રોડ ઉપર આવેલ ચિત્રકુટ જલીયાણધામ ખાતે પુ.મોરારીબાપુ જ્ઞાનગંગા વહાવશે. આમ ભાવિકોને પુ. જલારામબાપાના ધામમાં પુ.મોરારીબાપુના સાનિંધ્યમાં સંગીતમય કથામૃતનો લાભ મળશે. આ સંગીતમગ કથામૃતનો લાભ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી તેમજ દેશવિદેશમાંથી ભાવિકો પધારવાના છે.

(11:33 am IST)