Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

પોરબંદરમાં શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા કાલથી ૨ દિવસીય સમુદ્ર તરણ સ્પર્ધાઃ ૯૭૦ સ્પર્ધકોની રેકર્ડબ્રેક એન્ટ્રી

પોરબંદર, તા. ૧૦ :. શ્રીરામ સી સ્વિમિંગ કલબ દ્વારા કાલથી ૨ દિવસીય સમુદ્ર તરણ સ્પર્ધા યોજાનાર છે. સ્પર્ધકોની ૯૭૦ રેકર્ડબ્રેક એન્ટ્રી થઈ છે. પ્રથમ દિને તા. ૧૧ના રોજ ૧૨.૩૦ કલાકથી સાંજના ૫.૩૦ કલાક સુધી તેમજ તા. ૧૨ના રવિવારે સવારે ૭.૦૦ કલાકથી બપોરના ૧.૦૦ કલાક સુધી તેમજ ૧.૦૦ થી ૩.૦૦ બપોરે ઈનામ વિતરણ તેમજ સમાપન સમારોહ યોજવામાં આવશે. સ્પર્ધામાં રેકર્ડબ્રેક ૯૭૦ સ્પર્ધકોની એન્ટ્રી થઈ છે.

શ્રી રામ સી સ્વિમિંગ કલબ દ્વારા કાલે સામુદ્રીક તરણ સ્પર્ધાનું આયોજન કરેલ છે. સ્પર્ધામાં રેકર્ડબ્રેક સંખ્યા ૯૭૦ એન્ટ્રી જુદા જુદા વિભાગમાં થઈ છે. સ્પર્ધકો માટે રહેવા અને જમવા માટે પટેલ બોર્ડિંગ, મોહનભાઈ કોટેચા તાજાવાલા વંડી તેમજ રત્નસાગર હોલમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સ્પર્ધામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામિલનાડુ, ગુજરાત, વેસ્ટ બંગાળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આસામ, કર્ણાટક એવા અને રાજ્યોમાંથી સ્પર્ધકો આવ્યા છે. આ વર્ષે ૧ કિ.મી., ૨ કિ.મી., ૫ કિ.મી. તેમજ ૧૦ કિ.મી.ની સ્પર્ધાનું આયોજન થયુ છે. તેમાં ૧ કિ.મી.માં ૬.૧૪ વર્ષ, ૧૪-૪૦ વર્ષ, ૪૦-૬૦ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના તેવી ૪ કેટેગરી થઈ છે. આ વર્ષે ૨ કિ.મી., ૫ કિ.મી. તેમજ ૧૦ કિ.મી.માં ૧૪-૪૫ વર્ષ તેમજ ૪૫ વર્ષથી ઉપરના તેમ ૨ કેટેગરી રાખવામાં આવી છે. ઉપરોકત સ્પર્ધામાં ૧ કિ.મી. તેમજ ૨ કિ.મી.ની સ્પર્ધા પ્રમોશનલ ઈવેન્ટ છે તેમજ ૫ કિ.મી. અને ૧૦ કિ.મી. સ્પર્ધા સ્વીમીંગ ફેડરેશન ઓફ ઈન્ડીયાની માન્યતા પ્રાપ્ત ઈવેન્ટ છે. ઓબ્ઝર્વર સુબોધ સુલે મુંબઈથી આવશે અને પ્રતિયોગિતા નિયમ મુજબ કરવામાં આવશે જેના માટે ૬ રેફ્રી પણ હશે. આ સ્પર્ધામાં રૂ. ૩,૦૦,૦૦૦ના રોકડ પુરસ્કાર, સર્ટીફીકેટ, ટ્રોફી તેમજ મેડલ આપવામાં આવશે.

આ સ્પર્ધામાં કેટેગરી વાઈઝ સ્પર્ધકોમાં ૧ કિ.મી. - ૫૬૨ (જેમાં ૬-૧૪ વર્ષના બાળકો ૨૦૦ની સંખ્યા), ૨ કિ.મી. - ૧૨૮, ૫ કિ.મી. ૧૨૫, ૧૦ કિ.મી.-૯૧ અને પેરા સ્વિમર્સ (દિવ્યાંગ તૈરકો)-૫૦ સ્પર્ધકોનો સમાવેશ થાય છે.

તરણ સ્પર્ધામાં પુને કંપની ટાઈમિંગ ચીપથી વિજેતાઓ નક્કી કરશે તેમજ ઓબ્ઝર્વર અને રેફરી કોઈ પણ સ્પર્ધક કોઈ નથી કરતા તેની તકેદારી લેશે. સામુદ્રિક તરણ સ્પર્ધામાં (૧) ઈન્ડીયન નેવી (૨) ઈન્ડીયન કોસ્ટગાર્ડ (૩) ગુજરાત મેરિન ટાસ્ક ફોર્સ (૪) સશસ્ત્ર સીમા બળ (૫) પોરબંદર નગરપાલિકા તેમજ પીલાણા ચલાવતા ખારવા ભાઈઓનો સહકાર મળી રહ્યો છે. આ રેસ્કયુ ઓપરેશનમાં શ્રી રામ સી સ્વિમિંગની યુવા ટીમ પણ જહેમત ઉઠાવી રહી છે. આ સ્પર્ધાને આર્થિક સહયોગ હાથી સિમેન્ટ - સિદ્ધિ સિમેન્ટ, પૂજ્ય શ્રી મોટા - હરિ ઓમ આશ્રમ સુરત, રિઝવાન આડતીયા ફાઉન્ડેશન, સૌરાષ્ટ્ર કેમિકલ્સ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા તથા અન્ય સંસ્થાઓનો સહકાર મળે છે. ઉપરાંત દાતા તરીકે ભરતભાઈ ઠકરારનો સહકાર છે. તેમની તમન્ના આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નામ થાય તેવી ઈચ્છા છે. શ્રી રામ સી સ્વિમિંગ કલબના સર્વે સભ્યો આ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:32 am IST)