Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

લોકોની સુખાકારી માટે સરકાર પ્રયત્નશીલ છે : ફળદુ

બગસરા નગરપાલિકાના બિલ્ડીંગનું કૃષિમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

અમરેલી તા. ૧૦ : રાજયના કૃષિમંત્રી આર.સી.ફળદુની હાજરીમાં બગસરા નગરપાલિકા દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુએ શહેરના ભુતનાથ મહાદેવ મંદિરથી કુકાવાવ નાકા સુધીના રૂ.૪૫ લાખના ખર્ચે બનેલા ડામર રોડનું અને રૂ.૬૭ લાખના ખર્ચે બનેલ અટલજી રમત-ગમત સંકુલનું લોકાર્પણ કર્યુ હતું. આ ઉપરાંત રૂ. એક કરોડના ખર્ચે તૈયાર થનાર બગસરા નગરપાલિકાના બિલ્ડીંગનું પણ કૃષિ મંત્રીશ્રી ફળદુના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ત્રિવિધ કાર્યક્રમ પ્રસંગે મંત્રીશ્રી ફળદુએ જણાવ્યુ હતુ કે, લોકોની સુખાકારી માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. આથી ગામડાઓ અને શહેરઓમાં માળખાકિય સુવિધામાં વધારો કરવા જરૂરી અનુદાન ફાળવે છે. જેના પરિણામે નાના શહેરોમાં લોકોપયોગી એવા રોડ-રસ્તા, ભૂગર્ભ ગટર, રમત-ગમતના સંકુલો બનાવવા સહિત નવા સેવાસદનના નિર્માણના કાર્ય થઈ રહ્યા છે.

કાર્યક્રમમાં ભાજપા પ્રમુખશ્રી હિરેનભાઈ હિરપરા સહિતના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

આ પ્રસંગે સ્વચ્છતા અભિયાનમાં અનેક સંસ્થાઓ દ્વારા ફંડ અર્પણ કરવામાં આવ્યું હતું જેમાં બગસરા શરાફી સહકારી મંડળી લી. દ્વારા રૂ.૫૧૦૦૦, દેનાબેન્ક બગસરા બ્રાન્ચ તરફથી રૂ.૪૧૦૦૦, ખેત ઉત્પન્ન બજાર સમિતિએ રૂ.૨૧૦૦૦, બગસરા નાગરિક સહકારી બેંક દ્વારા રૂ.૨૧૦૦૦, સમર્થ શરાફી સહકારી મંડળી લી.દ્વારા રૂ.૧૧૦૦૦, સ્વસ્તિક શરાફી સહકારી મંડળી લી. દ્વારા રૂ.૧૧૦૦૦, સફાઈ કામદાર સહકારી મંડળી લી.તરફથી રૂ.૧૧૦૦૦નો ફાળો આપવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મેઘાણી હાઈસ્કૂલના નેશનલ વોલીબોલ વિજેતા ખેલાડીઓ, ટેનિસ ખેલાડી કુંભાર હિના અનિલભાઈ, કેલૈયા તુલસી કિરીટભાઈ, ચૌહાણ ઋષિતાં દિનેશભાઇ, કયાડા અર્ચના કમલેશભાઈ, કયાડા જાગૃતિ કિશોરભાઈ તેમજ રાષ્ટ્રકક્ષાએ લોકગીતના શ્રેષ્ઠ વિજેતા બોરડ માનસી ભરતભાઈનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે પૂર્વ કૃષિ મંત્રીશ્રી વઘાસીયા, ભાજપા અગ્રણીઓ સર્વશ્રી કૌશિક વેકરીયા, રશ્વિનભાઈ ડોડીયા, નગરપાલિકા પ્રમુખશ્રી ચંપાબેન બઢીયા સહિત નગરપાલિકા-માર્કેટ યાર્ડના પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૪)

(9:54 am IST)