Gujarati News

Gujarati News

News of Thursday, 10th January 2019

ટંકારામાં સમાધાનના બહાને ૧.૦૨ કરોડ પડાવી બળજબરીથી છૂટાછેડા કરાવ્યા: રિવોલ્વર બતાવી સહી કરાવી લીધી :ચકચાર

પુત્રનો ઘરસંસાર બરાબર ચાલતો ના હોય એ બાબતે સમાધાન કરાવવા માટે આરોપીએ બળજબરીથી છૂટાછેડા કરાવી ધમકી આપી રૂપિયા પડાવ્યાની ફરિયાદ

મોરબીના રહેવાસી યુવાનને ઘરમાં ચાલતા પ્રશ્ન બાબતે તેના પિતાએ કહેવાતા આગેવાનને સમાધાન માટે વચ્ચે લેતા આગેવાન સહિતના ચાર લોકોએ સમાધાનને બદલે બળજબરીથી છૂટાછેડા કરાવી તેમજ ૧.૦૨ કરોડની રકમ પડાવી લીધાની ફરિયાદથી ચકચાર મચી છે

    અંગેની વિગત મુજબ મોરબીના વાવડી રોડ પરની કારિયા સોસાયટીના રહેવાસી દુદાભાઈ ધનજીભાઈ મેવાડાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પુત્રનો ઘર સંસાર સારી રીતે ચાલતો ના હોય જે બાબતે સમાધાન કરાવવા માટે આરોપી મનુભાઈ દેવરાજભાઈ મેવાડા રહે ખાખરેચી વાળાને વાત કરતા આરોપી બાબુભાઈ ઝાપડા ઉર્ફે બાબુ ડોન રહે જબલપુર તા. ટંકારા, જગદીશભાઈ ઉર્ફે જગો કરશનભાઈ ઝાપડા, કરશન ભુવા રહે બંને ટંકારા અને મનુ દેવરાજ મેવાડા રહે ખાખરેચી તા. માળિયા એ ચાર આરોપીઓએ ગુનાહિત કાવતરું રચ્યું હતું

  જેમાં આરોપી બાબુભાઈ ઝાપડા ઉર્ફે બાબુ ડોન ફરિયાદીના પુત્રનું સમાધાન નહિ પરંતુ બળજબરીથી છૂટાછેડા કરાવવા કહી જો તેમ નહિ કરે તો ફરિયાદીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ ૧,૦૨,૭૧,૦૦૦ ફરિયાદી પાસેથી કઢાવી તેમજ સાહેદ છાયાબેનને રિવોલ્વર બતાવી છૂટાછેડાના કાગળોમાં બળજબરીથી સહી કરાવી ધમકી આપી હતી અને પુત્રને ગોંધી રાખી રિવોલ્વર બતાવી બીજા રૂ ૨૨ લાખ ખર્ચ પેટે કઢાવવાની કોશિશ કર્યાની ફરિયાદ નોંધાવી છે ટંકારા પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતનો ગુન્હો નોંધી વધુ તપાસ એલસીબી ટીમ ચલાવી રહી છે

(9:24 am IST)