Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

મોરબીના વેપારીનું અપહરણ કરનાર ત્રણેય શખ્સોના આજે રીમાન્ડ મંગાશે

ક્રિકેટ સટ્ટામાં ૩૮ લાખની ઉઘરાણી પ્રશ્ને વેપારી ભૂપત ઘોડાસરાને ઉપાડી જનાર પ્રકાશ પટેલ, કલ્પેશ પટેલ અને હરેશ પટેલને એલસીબીએ તુર્તજ ઝડપી લીધા

મોરબી તા.૧૭ : ક્રિકેટ સટ્ટાની લાખની ઉઘરાણી પ્રશ્ને મોરબીનાં વેપારીનું અપહરણ કરનાર ત્રણ પટેલ શખ્સોને એલસીબીએ ઝડપી લીધા બાદ તેને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

મોરબીના કન્યા છાત્રાલય રોડ પરના રહેવાસી ભુપતભાઈ દ્યોડાસરા નામના વેપારી ક્રિકેટ મેચના સટ્ટામાં ૩૮ લાખ રૂપિયાની રકમ હારી ગયા હોય જે મામલે આરોપી પ્રકાશ પટેલ રહે. હીરાપર તા. ટંકારાવાળાએ રૂપિયા આપી દે નહીતર તારું અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને ડરને પગલે વેપારી ગોવા આઠેક દિવસ રોકાયા બાદ ગત તા. ૬ ના રોજ આવ્યા હતા. ગઇકાલે

મિત્ર રમણીકભાઈ ઉર્ફ નીલેશ વશરામ કાસુન્દ્રા સાથે માર્કેટિંગ યાર્ડ નજીક ઉભા હતા ત્યારે પ્રકાશ પટેલ રહે. હીરાપર તા. ટંકારા, કલ્પેશ પટેલ રહે. મોરબી અને હરેશ પટેલ રહે. હીરાપરવાળાએ સફેદ ગાડી નંબર જીજે ૦૩ એફડી ૧૫૨૨ માં આવીને પ્રકાશે તેને પકડીને રૂપિયા લાવ કહીને ડસ્ટર ગાડીમાં બેસાડી અપહરણ કરીને ટંકારા તરફ તરફ લઇ જતા હતા ત્યારે મોરબી રાજકોટ રોડ પર શનાળાથી થોડેક આગળ એલસીબી ટીમે પકડી લઈને તેનો અપહરણકારો પાસેથી છુટકારો કરાવ્યો હતો.

જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી. વ્યાસની ટીમે અપહરણના પ્લાનને નિષ્ફળ બનાવીને વેપારીને છોડાવ્યો હતો તેમજ ત્રણેય અપહરણકારોને પણ દબોચી લઈને સાત મોબાઈલ તેમજ ક્રિકેટ સટ્ટાનું સાહિત્ય કબજે લીધું હતું. પકઠાયેલ ત્રણેય શખ્સોને આજે રીમાન્ડ અને કોર્ટમાં રજુ કરાનારા છે. વધુ તપાસ એલસીબીના ઇન્ચાર્જ પી.આઇ. આર.ટી. વ્યાસ ચલાવી રહ્યા છે.

(12:44 pm IST)