Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

વિસાવદરના ‘આપ'ના નવા ચૂંટાયેલા ધારાસભ્‍યની લડાયક પ્રતિક્રિયાઃ ‘બકરી બચ્‍ચા હજારે નકામા, સાવજ બચું એક, પણ એકે હજારા'

જબરો રાજકીય અપસેટ સર્જનાર વિસાવદર-ભેસાણના મતદારોના લોકચૂકાદાથી મહારથીઓ મુર્છીત : ૨૦૨૨માં ૨૦૧૪નું જ પુનરાવર્તન થયુ..!!?

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૯  : સમગ્ર ગુજરાતમા રાજકીય દ્રષ્ટીએ હંમેશા ધ્‍યાનાકર્ષક રહેતી વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પર આ વખતે પણ જબરો રાજકીય અપસેટ સર્જાયો છે.૨૦૨૨માં ૨૦૧૪નું પુનરાવર્તન થયુᅠછે. આヘર્યજનક રીતે ભાજપ-કોંગ્રેસને મ્‍હાત આપી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપેન્‍દ્રભાઈᅠ ભાયાણી ચૂંટાઈ આવતા મહારથીઓ મુર્છીત થયા છે.

વિસાવદર-ભેસાણની બેઠક પર નવા ચુંટાયેલા ધારાસભ્‍ય ભૂપેન્‍દ્રભાઈ ભાયાણીએ પ્રથમ પ્રતિક્રિયા આપતા લડાયક મિજાજમા જણાવ્‍યુ હતુ કે, ‘બકરી બચ્‍ચા હજારે નકામા, સાવજ બચું એક, પણ એકે હજારા' આમ કહીં ભાયાણી વધુમા કહ્યુ હતુ કે,સમગ્ર મતક્ષેત્રની જનતાએ જે મારામા વિશ્વાસ મુકયો છે તે સાર્થક કરી દેખાડશુ.ખેડૂતો સહિત લોકોના વિવિધ પ્રશ્ને સતત જાગૃતતા સાથે દોડતા રહીશુ.આ વિજય તમામ મતદારો-આમ આદમી પાર્ટીના આગેવાનો-કાર્યકરોની જહેમતનો છે.

દર ચૂંટણીમાં અન્‍ય બેઠકો કરતાં અલગ પરિણામો આપવા માટે વિસાવદર-ભેસાણ મતક્ષેત્ર જાણીતું છે વર્ષ-૨૦૧૨માં નવાં પક્ષ ‘જીપીપી' અને વર્ષ'૨૦૨૨ના નવા પક્ષ ‘આમ આદમી પાર્ટી'ને સ્‍વીકારી વિસાવદર-ભેસાણના મતદારોએ સૌને જબરો રાજકીય આંચકો આપ્‍યો છે.સમગ્ર ગુજરાતમાં દર વખતની વિધાનસભાની ચૂંટણીમાં નવું અપસેટ સર્જનાર વિસાવદર બેઠકના મતદારોએ આ ચૂંટણીમાં પણ દરેક વિધાનસભાથી અલગ નિર્ણય કરી વધુ એકવાર અપસેટ સર્જી દીધું છે. જેમાં આ વખતે નવા પક્ષ તરીકે આવેલા આમ આદમી પાર્ટીને ચૂંટીને વધુ એકવાર અપસેટ સર્જી વિસાવદરના મતદારો નવુ કરવામાં માહિર હોવાનું સાબિત કરી દીધું છે.

વર્ષ-૨૦૧૨ની ચૂંટણીમાં પુર્વ મુખ્‍યમંત્રી કેશુભાઈ પટેલે જીપીપી નામનો નવો પક્ષ રચ્‍યો હતો.આ પક્ષમાંથી કેશુભાઈ પટેલ ખુદ વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડયા હતા ત્‍યારે સમગ્ર ગુજરાતમાં માત્ર બે સીટ પર જ જીપીપીનો વિજય થયો હતો.તેમાં એક વિસાવદરની બેઠક પર જીપીપીના ઉમેદવાર કેશુભાઈ પટેલને વિસાવદરના મતદારોએ વિજય બનાવ્‍યા હતા ત્‍યારબાદ કેશુભાઈએ પોતાના પુત્ર ભરત પટેલ માટે બેઠક ખાલી કરી ફરી ભાજપ સાથે જોડાણ કરતા વિસાવદર બેઠક પર વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી સાથે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં પૂર્વ મુખ્‍યમંત્રી કેશુભાઈ પટેલના પુત્ર ભરતભાઈ પટેલને વિસાવદરના મતદારોએ પરાજય અપ્‍યો હતો અને કોંગ્રેસના હર્ષદભાઈ રીબડીયાને વિજય બનાવ્‍યા હતા.

એવી જ રીતે વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં ગણી ગાઠી બેઠકો મેળવનાર આમ આદમી પાર્ટીને વિસાવદર વિધાનસભાના મતદારોએ સ્‍વીકારી છે. ખેડૂત નેતા હર્ષદભાઈ રીબડીયાએ કોગ્રેસ છોડી પક્ષ-પરિવર્તન કરી ભાજપના ઉમેદવાર તરીકે આ ચૂંટણીમા ઝુકાવતા તેમને પણ પરાજયનો સ્‍વાદ ચાખવો પડયો છે. આમ વિસાવદર વિધાનસભા વિસ્‍તારના મતદારો દર ચૂંટણીમાં સમગ્ર રાજય કરતા કંઈક નવું અલગ કરે અને સમગ્ર રાજયના લોકોનુ ધ્‍યાન આકર્ષણ કરે તેવું અપસેટ સર્જાયો તેવું પરિણામ આપ્‍યુ છે. જેથી વધુ એકવાર આ વખતે વિસાવદરનું પરિણામ આવતા સૌ કોઈ લોકોને આંચકો લાગ્‍યો છે.

કહેવાય છે કે,આમ આદમી પાર્ટીના અમુક બૂથ પર પોલિંગ એજન્‍ટ પણ ન હતા, કાર્યકરોની ફૌજનો અભાવ છતાં વિજય થયો છે.

વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના અમુક મતદાન મથકો પર પોલીંગ એજન્‍ટો પણ ન હતા.છતાં સ્‍વયંભૂ મતદારોએ આમ આદમી પાર્ટીને ખોબે-ખોબે મત આપી ઝળહળતો વિજય અપાવ્‍યો છે. જયારે સત્તાધારી ભાજપ પાસે પેજ સમિતિ સહિતની સેંકડો કાર્યકરોની ફૌજ હોવા છતાં મતદારોએ ભાજપનેᅠ પરાજીત કરેલ છે.

આમ આદમી પાર્ટીના ભુપેન્‍દ્રભાઈ ભાયાણી ભાજપના હર્ષદભાઈ રિબડીયાને ૭૦૬૩ મતે પરાજીત કરી ચૂંટાઈ આવેલ છે.

(2:02 pm IST)