Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મુળુભાઇ બેરા વિજેતા થયા પરંતુ ૯ રાઉન્ડ સુધી 'આપ' આગળ રહ્યુ

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીનો ચહેરો ઇસુદાન ગઢવી અને સાંસદ તથા ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા વિક્રમભાઇ માડમનો પરાજય

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૯ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા બેઠક સમગ્ર રાજયમાં સૌથી વધુ ચર્ચાપાત્ર બેઠક હતી કેમ કે અહીંથી આમ આદમી પાર્ટીના સી. એમ. ના ઉમેદવાર ઇસુદાન ગઢવી લડતા હતા તો કોંગ્રેસમાંથી બે વખત સાંસદ તથા બે વખત ધારાસભ્ય રહી ચુકેલ વિક્રમ માડમ લડતા હતા તો ચાર ચાર વખત ભાજપમાં પ્રધાનપદે રહી ચૂકેલ મુળુભાઇ બેરા વચ્ચે જંગ હતો.

શરૃઆતમાં આ બેઠક પર સતવારા ઉમેદવારોને ટીકીટ ના મળતા નારાજગીનું વાતાવરણ હતું પરંતુ તે પછી ટીકીટ ના દાવેદાર ૧૯ માંથી મુળુભાઇને ટીકીટ મળતા બાકીના તમામ ૧૮ ભેગા થઇને કામે લાગી જતાં ભાજપે રેકોર્ડ સર્જીને ૧૮૭૪પ મતની લીડથી વિજય મેળવ્યો હતો.

વિધાનસભાની મત ગણતરીનો પહેલો રાઉન્ડ શરૃ થયો અને તેની ગણતરી બહાર આવ ત્યારે સૌ આશ્ચર્યમાં પડી ગયેલા વાડીનાર પંથકમાંથી ગણતરી શરૃ થઇ અને પહેલા રાઉન્ડમાં આપના ઇસુદાન ગઢવી રરપ૩ મતની લીડ લઇ ગયા અને તે પછી એ લીડ વધતી ગઇ અને કોંગ્રેસના બીજા નંબરે અને ભાજપ ત્રીજા નંબરે હતું....!! બીજામાં ૩ર૧પ ની આપને લીડ, ત્રીજા રાઉન્ડમાં તથા ચોથા રાઉન્ડમાં આપની લીડ ૩૭૬૯ પર પહોંચીને પાંચમાં  રાઉન્ડ સલાયા આવતા લીડ ૬૪૦૮ પહોંચી હતી અને ભાજપના ઉમેદવારને ૮૩પ૧ મત જ હતા અને ૬ઠઠા રાઉન્ડથી મુળુભાઇએ સાઇડ કાપવાની શરૃ કરીને ૧૦ માં રાઉન્ડના અંતે ૧૪૬૬ ની લીડ પ્રાપ્ત કરી લીધી જે લીડ ખંભાળીયા શહેર તથા ભાજપની વોટ બેંક ગણાતા વિસ્તારો હર્ષદપુર, રામનગર, ધરમપુર, શકિતનગર આવતા ૧૧ હજાર ઉપરની થઇ અને છેલ્લે ચાર રાઉન્ડમાં ૧૭ હજાર ઉપર સ્થિર થયેલી હતી.

ઇસુદાન ગઢવી વાડીએ હતા તથા લીડ ચાલુ થતા નિર્ણાયક તબકકામાં આવનાર હતા પણ દશમા રાઉન્ડથી ભાજપને લીડ આવતા તેઓ ગણતરી સ્થળે આવ્યા જ નહીં....!

પૂનમબેન બાદ લીડનો રેકોર્ડ

ખંભાળીયા વિધાનસભા બેઠક પર સામાન્ય રીતે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે કસોકસની જીત-હાર થતી હોય છે. અહીં જેસાભાઇ ગોરીયા ૧ર૦૦ થી ઓછા મતે, મેઘજીભાઇ કણઝારીયા ૮૦૦ મતે મેરામણ ગોરીયા ૧૧૮૮ મતે જીત્યા છે તો અહીં પૂનમબેન માડમ ૩૮૩૮ર મતની લીડથી વિજયી થઇ ને રેકોર્ડ સર્જયો હતો  જયારે ર૦૧૭ માં વિક્રમભાઇ માડમ ૧૧૪૦૬ ની લીડથી વિજેતા થયા હતા જયારે અગાઉ ભાજપના કાળુભાઇ ચાવડા ૧૦ હજાર ઉપરાંતની લીડથી કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા તે પછી ૧૮૭૪પ ની લીડથી જીતી ને ભાજપના મુળુભાઇ બેરાએ રેકોર્ડ કર્યો છે...!

ત્રણમાંથી બે સ્પર્ધકોની રાજકીય કારકીર્દી

ખતરામાં હતી...!!

ચૂંટણી લડતા ઉમેદવારોમાંથી ત્રણ માંથી બે હારી જતાં કારકીર્દી ખતમ થઇ જશે તેવી વાત સાચી પડી હતી. બે વખત સાંસદ તથા બે વખત ધારાસભ્ય રહી ચૂકેલ વિક્રમભાઇ માડમ કોંગ્રેસના દિગ્ગજ કહેવાય તેઓ આ જંગમાં ત્રીજા સ્થાન પર આવ્યા ભાજપના મુળુભાઇ બેરાને ૭૭૮૩૪ મત મળ્યા અને વિક્રમભાઇ ને ૪૪૭૧પ એટલે કે ૩૩૧ર૦ મતો ઓછા મળ્યા...!! તો રાજકીય કારકીર્દી શરૃ કરનાર ખંભાળીયાના પીપળીયાના ઇસુદાન ગઢવી કે જેઓ આપના સી. એમ. ના ઉમેદવાર હતા તેઓ પ્રથમ ચૂંટણીમાં જ હારી ગયા...!! જો કે તેમણે અહીં ચૂંટણી જંગમાં ૧૯૦૧૮ર મતો માંથી પ૯૦૮૯ મતો મેળવીને કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આપનું વર્ચસ્વ સાબિત કર્યુ હતું...!

અન્ય રાજકીય પાર્ટી

અપક્ષો ડીપોઝીટ ડુલ

મુળુભાઇ બેરાએ તેમના મનમાં વર્ષોથી ખંભાળીયાની જનતાની સેવા માટે ધારાસભ્ય ખંભાળીયા વિસ્તારના થવાની ઇચ્છા ભગવાને પુરી કર્યાનું જણાવીને ખંભાળીફા શહેરના તમામ પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. તથા ખંભાળીયાના લોકોને આભાર માનીને રસ્તા, શિક્ષણ, આરોગ્ય તથા વિકાસના તમામ પ્રશ્નોની તેમને ખબર હોવાનું જણાવીને તમામ પ્રશ્નો હલ કરીને રાજય તથા કેન્દ્રના સહકારથી વિકાસનો ડંકો અહીં વગાડીને ખંભાળીયાની જનતાનું ઋણ ચુકવવા જાહેરમાં ખાતરી આપી હતી. અગાઉના ધારાસભ્ય દ્વારા પાંચ વર્ષ પહેલા ઓફિસ ખોલવા જાહેરાત છતાં ખોલી ન હતી. તેના પર કટાક્ષ કરીને ખંભાળીયા તેમનું કાર્યાલય પ્રશ્ને તથા લોકોના પ્રશ્ન હલ થશે તેની જાણકારી આપી હતી. તથા ચૂંટણી જીતવા કે હારવા કે ના લડવા છતાં કામોની તેમની તત્પરતા યથાવત રહ્યાનું જણાવીને સૈનિકોની જેમ લડવા ભાજપના કાર્યકરો પત્રકારો, આગેવાનોનો આભાર માની સ્વયંભુ લડતનો જંગ હોવાનું જણાવ્યું હતું.

કાર્યક્રમમાં રીલાયન્સના પરિમલભાઇ નથવાણી, અગ્રણીઓ પૂર્વ જિ.પં.પ્રમુખ પાલભાઇ કરમુર, ભીખુભા ગોપાલજી પૂર્વ ધારાસભ્ય મેરામણભાઇ ગોરીયા, રવિરાજસિંહ જાડેજા, પાલીકા પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જશુભાઇ રાયચુરા, કારોબારી ચેરમેન હિનાબેન આચાર્ય, દિલીપભાઇ ઘઘડા, સંજયભાઇ નકુમ, હિતેશભાઇ ખીંડારીયા, અનિતભાઇ તત્ના, ભરતભાઇ ચાવડા, ઘેલુભા જાડેજા, વિ.ઉપસ્થિત રહ્યા હતા.

ચાર રસ્તા પાસે વિજય સરઘસમાં સન્માન કરનારા ઉમટતા મુળુભાઇ ત્યાંથી ચાલીને આવ્યા હતા તથા ઢગલાબંધ આગેવાનો દ્વારા સન્માન થયું હતું.

દેવભુમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠક પર ભાજપ, આપ અને કોંગ્રેસ સિવાયના તમામ આઠ ઉમેદવારોની ડિપોઝીટ ડુલ થઇ હતી. બસપાના ગોવિંદ સોલંકીને એક હજાર મત મળ્યા હતા. ગુજરાત નવનિર્માણના ચેતટીયા લખુભાઇને ૯૧૩, બહુ ચર્ચિત એ.આઇ. એમ.આઇ.એમ. ઔવૈસીના ઉમેદવાર યાકુબભાઇ બુખારીને તો માત્ર ૭૩૭ મત જ મળેલા તો પાલિકા પૂર્વ સદસ્ય નુરમામદ જુસબ પાટીયાલી અપક્ષને ૬૧૩ મત જ મળેલા તો નોટામાં ૨૫૮૨ મતો પડયા હતા.

મુસ્લીમ દલિત મતદારોના આપ કોંગ્રેસના ભાગલા એ ભાજપને જીતાડી મોટી લીડ આપી ! !

ખંભાળિયાના ચૂંટણી જંગમાં આપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં મુસ્લીમ અને દલિત મતો વહેંચાય જતા મતોના ભાગલા થતા ભાજપની વોટબેંક વધુ ના તુટતા તથા સતવારા સમાજ તથા શહેરી મતો પર ભાજપનો પ્રભાવ ચાલતા અહીં ભાજપ મોટી લીડથી જીતી ગયું જો ભાજપ કોંગ્રેસની સીધી ફાઇટ હોત તો સ્થિતિ અલગ હોત !

સતત બે ટર્મથી ખંભાળિયા કોંગ્રેસ પાસે હતી

ખંભાળિયા બેઠક પર ૨૦૦૪માં મેરામણભાઇ ગોટીયા કોંગ્રેસમાં જીત્યા હતા. એની પહેલા આ બેઠક હાલના સાંસદ પૂનમબેન માડમે ૩૮૩૦૦ની લીડથી કબજે કરેલી અને પેટા ચૂંટણી થતા ૧૨૦૦ મતે અહીં ભાજપના મુળુભાઇ હારી ગયેલા તે પછી ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપના કાળુભાઇ ચાવડાને હટાવીને વિક્રમભાઇ માડક ૧૧ હજારની લીડથી જીતેલા બે - બે વખતની કોંગ્રેસના કબજાની આ બેઠક ભાજપે કબજે કરીને ફરી ખંભાળીયામાં ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસના વિક્રમભાઇ માડમને તેમના મુસ્લીમ તથા દલિત મતો પર ખુબ જ વિશ્વાસ હતો પણ કોંગ્રેસની આ વોટબેંકમાં મોટુ ગાબડું પડયુ અને ભાજપ જીતી ગયું.

મુળુભાઇ બેરાનો વિક્રમભાઇ સાથે વીસ વર્ષે જંગ ફળ્યો

ભાજપના મુળુભાઇ બેરાએ અગાઉ વિક્રમભાઇ માડમને ભાણવડમાં ચૂંટણીમાં હરાવી દીધા હતા તે પછી ૨૦૦૨માં વિક્રમભાઇ માડમે મુળુભાઇ બેરાને હરાવી દીધા હતા જે પછી મુળુભાઇ બેરા ૨૦૦૭માં ભાણવડમાં જીતે પ્રધાન બન્યા હતા. મુળુભાઇ  મેરા, મેરામણભાઇ ગોટીયા, વિક્રમભાઇ માડમ તથા પૂર્વમંત્રી હકુભા જાડેજા સામે લડીને ત્રણ વખત હારી ગયેલા અને ચાર વખત જીત્યા હતા તે પછી ૨૦૧૭માં તેઓ ચૂૂંટણી નહતા લડયા અને ૨૦૨૨માં ફરી તોતીંગ બહુમતી સાથે રાજકીય કારકિર્દી ધારાસભ્ય તરીકે ફરી શરૃ કરી છે જે પ્રધાનપદા સુધી આ વખતે પણ પહોંચે તો નવાઇ નહીં અગાઉ ચાર વખત ધારાસભ્ય તરીકે રહેવા મુળુભાઇ ચારેય વખત મંત્રી બન્યા હતા.

(1:31 pm IST)